Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

પડધરીમાં કમોસમી વરસાદથી 15 વીઘા જમીનનો મગફળીનો પાક નિષ્ફળ: ખેડૂતોએ સળગાવી નાખ્યો

ખેડૂતે કહ્યું મગફળી બગડી છે કપાસ પણ બગડ્યો છે. ઢોરોનાં મોંમાં પણ કંઇ આવે તેવું નથી. બધું જ અમે સળગાવી દીધું છે

રાજકોટ નજીકના પડધરી પંથકમાં કમોસમી વરસાદને કારણે 15 વીઘા જમીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ મગફળી અને તેના ભુકાને સળગાવી નાખ્યો હતો મોવૈયા ગામમાં આશરે 15 વીઘા જમીનમાં પથરાયેલી મગફળીનો પાક ખેજૂતોએ સળગાવી દીધો હતો.
               સૌરાષ્ટ્રનાં વધુ વરસાદ અને કમોસમી વરસાદને કારણે ખાસ કરીને મગફળી અને કપાસનાં પાકને નુકસાન થયું છે. પડધરી પંથકનાં મોવૈયા ગામનાં ખેડૂતોએ 15 વીઘામાં પથરાયેલો ખેડૂતોનો પાક સળગાવ્યો છે. તેમનું કહેવું છે કે અમારો પાક હવે માત્ર ખાતર કરવાનાં કામમાં જ આવે તેવો થયો છે. અમારો ઉભો પાક ત્રણથી ચાર વખત અત્યારે છેલ્લો વરસાદ આવ્યો તેમાં પલળી ગયો છે. આ પાક પલળતા પશુઓ પણ કંઇ ખાઇ શકે તેવું રહ્યું ન હતો. જેના કારણે અમે 15 વીધા જમીનનો પાક સળગાવી દીધો છે.

               આ અંગે એક ખેડૂત સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, 'અમારા ખેતરમાં મગફળીનો ઉભો પાક હતો, થોડો કાઢેલો પણ હતો જે બધો ત્રણથી ચારવાર પલળી ગયો છે. અમારા હાથમાં કંઇ આવ્યું નથી. 15 વીઘાની મગફળી સંપૂર્ણ રીતે સળગાવી દીધી છે. બધો પાક નિષ્ફળ થયો છે અમારા હાથમાં કંઇ આવે એમ નથી, મગફળી પણ બગડી છે અને કપાસ પણ બગડ્યો છે. ઢોરોનાં મોંમાં પણ કંઇ આવે તેવું નથી. બધું જ અમે સળગાવી દીધું છે. સરકાર પાસે એક જ માંગણી છે કે, સરકાર અમારી સહાય કરે તો જ અમે ઊભા થઇ શકીશું. બાકી તો અમે કોઇ ઊભા થઇ શકીએ તેમ નથી

                કમોસમી વરસાદની અસર રાજ્યભરમાં થઇ છે. પરંતુ તેની સૌથી માઠી અસર ખેડૂતો પર થઇ છે. કમોસમી વરસાદને કારણે ડુંગળી પકવતા અને શાકભાજી ઉગાડતા ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનો પાક બગડી જતા તેના ભાવ આસમાને પહોંચ્યા છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ડુંગળી અને શાકભાજી ઉગાડતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સૌરાષ્ટ્રના ભાવનગર, મહુવા, તળાજા, મોરબી અને ગોંડલ પંથકમાં ભારે વરસાડ પડ્યો. જેના કારણે ડુંગળીનો પાક તેમજ ઉતારેલી ડુંગળી બગડી ગઈ છે

(5:41 pm IST)