Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

સતત મરી જવાનું રટણ કરતાં જયેશ મારૂએ બાબરા યાર્ડમાં ઝેર પીધું: રાજકોટમાં મોત

માતા-પિતા વિહોણો યુવાન મજૂરી કરી ગુજરાન ચલાવતો'તો

રાજકોટ તા. ૧૦: બાબરાના આંબેડકરનગરમાં રહેતાં જયેશ ડાયાભાઇ મારૂ (ઉ.૨૩) નામના યુવાને ગઇકાલે સાંજે ચારેક વાગ્યે બાબરા માર્કેટ યાર્ડમાં હતો ત્યારે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે બાબરા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર જયેશ બે ભાઇમાં મોટો હતો અને યાર્ડમાં ગાડીઓમાંથી માલ ઉતારવાની મજૂરી કરતો હતો. તેના કાકાના કહેવા મુજબ કેટલાક સમયથી જયેશ જિંદગીથી કંટાળીને મરી જવાનું રટણ કરતો હતો. આઠ-દસ દિવસ પહેલા પણ તે ઝેરી પાવડર લઇ આવ્યો હતો  ત્યારે અમને ખબર પડી જતાં સમજાવ્યો હતો. ગઇકાલે  યાર્ડ અંદર અમે બધા ગાડી ઉતારતા હતાં ત્યારે તે દવા પી ગયો હતો. જયેશના માતા-પિતા હયાત નથી. બાબરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:50 am IST)