Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના માટે

બોટાદ જિલ્લામાં પાક કાપણીનું નિરીક્ષણ કરતા કલેકટર સુજીતકુમાર

બોટાદ, તા.૧૦: બોટાદ જિલ્લામાં પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત નોટીફાઈડ થયેલ તમામ ખરીફ પાકોની પાક કાપણી-વીણીની કામગીરીના પ્રત્યક્ષ નિરીક્ષણ માટે બોટાદ જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમારે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સચીન ગઢીયાની સાથે ઢીંકવાળી ગામની મુલાકાત લીધી હતી.

બોટાદ જિલ્લામાં ખરીફ પાકોને કુદરતી આફતોથી રક્ષણ પૂરૂ પાડવા પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના અમલમાં છે. જે યોજના અંતર્ગત જિલ્લામાં કુલ ૧૩૯૭૦ ખેડુત ખાતેદારોની કુલ ૨૯૯૦૩.૯ હેકટર ખરીફ પાકોના વિસ્તારને આવરી લેવાયેલ છે. આ યોજનાના દાવાની ગણતરી તથા પાક મોજણી યોજના હેતું પાક ઉપજના આંકડા ઉપયોગમાં લેવાના થતા હોય છે. જે માટે જિલ્લામાં પાક કાપણી અખતરાની ગોઠવણી કરવામાં આવે છે. આ અખતરા મુખ્ય પાક તરીકે નોટીફાઈડ થયેલ પાક માટે ગ્રામ પંચાયત દીઠ ૫ અને ગૌણપાક તરીકે નોટીફાઈડ થયેલ પાક માટે તાલુકા દીઠ ૨૦ અખતરાઓ ગોઠવવામાં આવે છે.

બોટાદ જિલ્લા કલેકટરે પાક કાપણી-વીણીની કામગીરીના પ્રત્યક્ષ નિરીક્ષણ માટે ઢીંકવાળી ગામ ખાતે આવેલ શ્રી જાદવભાઈ રઘાભાઈ ખેડુતના સર્વે નં ૨૫૬ અને શ્રી હિન્દુભાઈ સવાભાઈ ભરવાડ ખેડુતના સર્વે નં ૨૬૫ માં કપાસના પાકની પ્રથમ વીણી વખતે મુલાકાત લઈ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી અને ઉપસ્થિત વિમા કંપનીના અધિકારીશ્રીઓ પાસેથી ફીલ્ડ અને ઓનલાઈન એન્ટ્રીની કામગીરીની વિગતો મેળવી તેમની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.(૨૩.૩)

(12:43 pm IST)