Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

લોધીકાના પ્રસિદ્ધ ચિત્રકાર અજીત સોનીના ચિત્રોનું શુક્રવારથી ગોંડલમાં પ્રદર્શન

ભુવનેશ્વરી પીઠના આચાર્ય પૂ. ઘનશ્યામજી મહારાજના હસ્તે ઉદ્દઘાટન

લોધીકા તા.૧૦ : લોધીકાના ખ્યાતિ પ્રાપ્ત ચિત્રકાર અજીત સોની જેમણે રીયાલીસ્ટીક પ્રોટ્રેટ ક્ષેત્રે નામના મેળવી છે તેમના ચિત્રોનું પ્રદર્શન ગોંડલ મુકામે તારીખ ૧ર/૧૦/૧૮ થી તા.૧૪/૧૦/૧૮ ત્રણ દિવસ યોજાશે.

તેઓમાં જન્મજાત કલાના ગુણો આકાર પામ્યા છે. છેલ્લા ૪૦ વર્ષથી કલા ક્ષેત્રે કાર્યરત તેઓ રીયાલીસ્ટીક પ્રોટ્રેટમાં માસ્ટરી ધરાવે છે. ઉપરાંત પોતાની આંતરીક સુજથી બનાવેલા લેન્ડ સ્કેપ, વ્યકિત ચિત્રો તેમજ ભારતીય શૈલી, બ્રિટીશ શૈલી થકી તેમની પીછીના માધ્યમથી સર્જાતી કલા કૌશલ્યના અદ્દભૂત દર્શન થાય છે. આજ સુધીમાં અસંખ્ય ચિત્રોનું તેમણે સર્જન કરી નામના મેળવી છે. જેમાં ભારત, ઉપરાંત બ્રિટન, કેનેડા સુધી તેમના અનેક ચિત્રો પ્રસિદ્ધિ પામ્યા છે.

ગોંડલ મુકામે તેમના ચિત્રોનું પ્રદર્શન તા.૧ર થી ૧૪ ત્રણ દિવસ દરમ્યાન ભુવનેશ્વરી પીઠ, મહાદેવ વાડી વિદેશ ભવન ખાતે સવારના ૧૦ થી ૧ તથા સાંજના ૪ થી ૮ સુધી વિના મુલ્યે નિહાળી શકાશે. ચિત્ર પ્રદર્શનનું ઉદ્દઘાટન ગોંડલ ભુવનેશ્વરી પીઠના આચાર્યશ્રી ઘનશ્યામજી મહારાજના હસ્તે થશે. આ પ્રસંગે જસદણ સ્ટેટ દરબાર શ્રી સત્યજીતસિંહજી ખાચર સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

લોધીકાના ચિત્રકાર અજીત સોની કુદરતી બક્ષીસની સાથે કલા પ્રત્યે રૂચી કેળવી આગળ વધી ૪૦ વર્ષથી કલા સાધના કરી આજે રિયાલીસ્ટીક પ્રોટ્રેટ આર્ટીસ્ટ તરીકે નામના મેળવી છે.

અજીત સોનીને કલાનો વારસો બચપણથી મળેલ તેમની દાદા મોહનલાલ સોનીએ સમયમાં સોની કામના નિષ્ણાંત હતા. એટલું જ નહી રાજાશાહી વખતના સોનાના આભુષણો ઉપરાંત સીહાસન, હુકકો સહિત અનેક કલાત્મક ચીજો બનાવવામાં માહેર હતા. તે કલા વારસો અજીત સોનીમાં આવતા તેમણે ચિત્રકલા ક્ષેત્રે હાથ અજમાવી પ્રસિદ્ધિ મેળવી છે. તેમના ચિત્રો જોવા લાહવો છે, તેઓ વિવિધ શૈલીમાં ચિત્રોનું સર્જન કરે છે. તેમના ચિત્રોમાં નવીનતાના વિવિધ પાસાનો પરિચય થાય છે. કોઇ એક શૈલી અપનાવી તેમણે કલાને સીમીત નથી રાખી હર શૈલીમાં તેમની ગજબની પકકડ છે. તેમના ચિત્રોમાં રેખાની લય, રંગ નિપુણતા વિગેરે દ્વારા તેમના ચિત્રોમાં શ્રેષ્ઠ કલાના દર્શન થાય છે.(૬.૭)

(12:42 pm IST)