Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ઉપલેટા તાલુકો પાણી આરોગ્ય લાઇટ સહિત પુરતી સુવિધાઓથી વંચિત

પાલિકા પાસે અદ્યતન ફિલ્ટર પ્લાન છતા ડહોળા પાણીનું વિતરણ : હોસ્પિટલમાં નિષ્ણાંતો ડોકટરોની જગ્યા ખાલી : શાળાઓમાં અપુરતો સ્ટાફ

ઉપલેટા તા.૧૦ : ગોંડલના પ્રજાવાત્સલ્ય રાજવી સ્વ.ભગતસિંહજીની દીર્ઘદ્રષ્ટીથી બનેલુ મોજ નદીને કાંઠે વસુલુ ઐતિહાસિક ઉપલેટા શહેર અને આજુબાજુના ગામડાઓમાં તેઓએ પીવાના પાણી તથા સિંચાઇના પાણી દવાખાના શાળાઓ ફુટપાથવાળા પહોળા રોડ રસ્તાઓ લાઇટ સહિતની સુવિધાઓ તેમજ આવવા જવા માટે રેલ્વેની પણ સુવિધાઓને કારણે લોકો આજે પણ ગોંડલબાપુના હુલામણા નામે ઓળખાતા ભગવતસિંહજીને ભૂલ્યા નથી. મોટી ઉંમરના બુજુર્ગો કહે છે કે ગોંડલબાપુની રાજાશાહીમાં અમો વધુ સુખી હતા.

નેશનલ હાઇવેના ચાર માર્ગીય રસ્તાઓ અને રેલ્વે સાથે જોડાયેલ ઉપલેટા વિસ્તારમાં અગાઉ ત્રણ જેટલા સોલવન્ટ પ્લાન્ટ દશથી વધુ ઓઇલ મીલ ત્રીસથી પાત્રીસ જેટલા ખાંડસરીના કારખાના વગેરે ઉદ્યોગ ધંધાઓ અને વેપારથી ધમધમતુ હતુ અને બે પાંચ ઓઇલ મીલો ચાલુ છે. તે પણ રગળ ધગળ ચાલે છે. ત્રણ સોલવન્ટ પ્લાન્ટ પણ બંધ થઇ ગયા છે. તેની મશીનરીઓ ભંગારમાં વહેચાઇ ગઇ છે. જે કાંઇ બે પાંચ મીલો છે અને થોડા પ્લાસ્ટીકના કારખાના છે તે રગળ ધગળ ચાલે છે. ઉદ્યોગોના નામે મીંડુ છે.માર્કેટીંગ યાર્ડ ચાલુ થયુ અને સારા વહીવટકર્તાઓને કારણે આ વિસ્તારના ખેડુતોને સારો લાભ મળે છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોના અનિયમિત ઓછા વરસાદને કારણે દુષ્કાળનું વાતાવરણ ઉભુ થતા ખેડુતોની ખૂબ જ માઠી દશા થવા પામેલ છે. આના કારણે ખેડુતો કર્જવાન થઇ ગયા છે.

દેશોમાંથી આવતા જૂના કપડા એટલે કે ગાભાના વેપાર સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે ગણાય છે. આ ધંધાના વેપારીઓ અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલીયા અને ગલ્ફના દેશોમાંથી સ્ટીમ્બરો મારફત કન્ટેનરોમાં આ માલ મંગાવી તેના પાર્સલો કરી સમગ્ર ગુજરાતમાં તેનુ અહીથી વેચાણ થાય છે. આ ધંધામાં પણ હાલમાં મોટી મંદી આવી છે. આ ધંધામાં મોટા ભાગના મુસ્લીમો સંકળાયેલ છે. મોરબી ગોંડલ ધોરાજી અને જેતપુરની સરખામણીએ ધંધા ઉદ્યોગમાં ઉપલેટા નબળુ ગણાય વિસ્તારની દ્રષ્ટીએ કુદકે ને ભૂસકે આગળ વધે છે. નવી સોસાયટીઓ અસ્તિત્વમાં આવી છે. છેલ્લા વીસ વર્ષમાં ચારગણો નવો વિસ્તાર વધ્યો છે. ત્યારે કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ પોલીસ સ્ટાફ ૪૦ વર્ષ પહેલાના સેટઅપ પ્રમાણે ચાલે છે જે શહેરના વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ ૨૫%પણ ન ગણાય ત્યારે પોલીસદળ વધારવુ જોઇએ.

આ શહેરને પીવા માટેનું પાણી ભાયાવદર પાસેના મોજ અને ખારચીયા પાસેના વેણુ ડેમમાંથી લઇ આવી નગરપાલીકા નળ વાટે આપે છે. ન.પા. પાસે બે અદ્યતન ફિલ્ટર પ્લાન છે પરંતે તેમા ફિલ્ટર કર્યા વગર ન.પા. ડેમનુ સીધુ પાણી વિતરણ કરતા પાણીજન્ય રોગોનું પ્રમાણ આ વિસ્તારમાં વધુ છે તેમજ ઉપરોકત ડેમોમાંથી ખેતી માટે સિંચાઇ અને આજુબાજુના અન્ય ગામોમાટેની જૂથ યોજનાઓ છે તેથી પુરતા પ્રમાણમાં પાણી આપવા નર્મદાનુ પાણીએ એક વિકલ્પ છે તેમજ રાજય સરકારની જૂદી જૂદી યોજનાઓ અને ધારાસભ્ય સહિતની ગ્રાન્ટોમાંથી શહેર અને સોસાયટી વિસ્તારોમાં નાખવામાં આવેલી મોટાભાગની જાહેર ડંકીઓ બંધ હાલતમાં છે. ત્યારે ન.પા.એ તેને તાત્કાલીક રિપેર કરાવી જોઇએ જેનાથી લોકોને થોડી રાહત થાય.

લોકોને સારવાર માટે અહી એક અદ્યતન સરકારી કોટેજ હોસ્પિટલ છે તેમાં તાલુકાના બાવન ગામડા ઉપલેટા શહેર સહિત બાજુના કાલાવડ કુતિયાણા ધોરાજી સહિતના તાલુકાના ગરીબ દર્દીઓ સારવાર માટે આવે છે એમ.એસ.સર્જન, બાળરોગ, એમડી ઓર્થોપેડીક અને એનેસ્થેસીયા સહિતના તબીબો અને અપુરતા સ્ટાફ આવી બધી મુશ્કેલીઓના કારણે ગરીબ દર્દીઓને ખાનગી મોંઘી સારવાર લેવી પડે છે ત્યારે ત્વરીત ઘટતો સ્ટાફ ભરી ઉપરોકત સુવિધાઓ મળેએ જરૂરી છે.

નવા બનેલા ચાર માર્ગીય રસ્તામાં અગાઉ ટોલ પ્લાઝા ઠેઠ સુપેડી પાસે હતુ તે ટોલ પ્લાઝા ઉપલેટા સાવ નજદીક ક્રિષ્ના પંપ પાસે નાખવામાં આવતા જેના કારણે હાઇવે ઉપર આવેલા કારખાનાઓ તેમજ ખેતરવાળાના ટ્રેકટરો અને શહેરના લોકોને આવવા જવામાં દર વખતે રૂ. ૪૫ જેવો તોતીંગ ટોલ ટેક્ષ ચુકવવો પડે છે તે બાબતે અગાઉ આંદોલનો પણ થયા છે.

આ ટોલ પ્લાઝા ઉપર વાહનોવાળા સાથે તેના સ્ટાફની માથાકુટ અને મારામારી એ રોજ બરોજની ઘટના જેવુ સાવ સામાન્ય થઇ પડયુ છે. લોકો કાયદો હાથમાં લ્યે તે પહેલા સ્થાનિક વાહનોવાળા માટે યોગ્ય કરવા માંગણી ઉઠવા પામી છે.

અગાઉ રાજકીય રીતે આ તાલુકાનુ મહત્વ હતુ. અહીથી ચુટાયેલા ધારાસભ્યને પ્રધાનમંડળમાં સ્થાન મળતુ હતુ. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી સ્વ. ઢેબરભાઇ ઉપલેટા વિસ્તારના પ્રથમ ધારાસભ્ય હતા. ત્યારપછી ભગવાનજીભાઇ કાલરીયા ત્યારબાદ માજી ગૃહમંત્રી જયરામભાઇ પટેલ બે વખત અહીથી ચુટાયા હતા. ત્યારબાદ ગોવિંદભાઇ વાછાણી ચુટાયેલા તેમને એસટી બોર્ડના ચેરમેન બનાવેલા ત્યારબાદ બળવંતભાઇ મણવર અહીથી ચુંટાયેલા તેમને શિક્ષણમંત્રી બનાવેલા ત્યારબાદ સ્વ.ભગવાનજીભાઇના દીકરા જેન્તીભાઇ કાલરીયા ચુંટાણા તેમને સહકાર મંત્રી બનાવેલા ત્યારબાદ એન.પી.કાલાવડીયા ચુંટાયેલા તેમને સંસદીય બનાવેલા. આ વિસ્તારને અન્યાય કર્યો છે અધુરામાં પુરૂ ઉપલેટાની બેઠક જ કાઢી નાખવામાં આવી અને ઉપલેટાને ધોરાજીમાં ભેળવી દેવામાં આવ્યુ હાલમાં વિરોધ પક્ષના કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઇ વસોયા કાર્યશીલ છે પણ વિપક્ષના હોવાથી પ્રજાના કામ થતા નથી તેમજ છેલ્લી બે બે ટર્મથી ચુટાતા તા.પંના લોકપ્રિય પ્રમુખ લાખાભાઇ કામગીરી કરે છે પરંતુ તેઓ પણ વિરોધપક્ષ કોંગ્રેસમાંથી ચુટાતા હોય જેને કારણે રાજય સરકાર તેને પણ પુરતી ગ્રાન્ટો ફાળવતી નથી. જેને લીધે ગ્રામ્ય પ્રજાના કામો પણ ખોરંભે ચડી જાય છે.

શિક્ષણના ખાનગીકરણ પછી શાળાઓમાં અપુરતા વિદ્યાર્થીઓ શિક્ષકોની ઘટ જર્જરીત ભંગાર હાલતની બિસ્માર શાળાઓના બિલ્ડીંગો અને તેમની અસુવિધાઓ બાબતે સરકારે કોઇ ધ્યાન ન આપતા ખાનગી શિક્ષણ વધુ મજબુત થયુ છે તે બાબતે લોકોમાં ખાસ કરી સામાન્ય ગરીબ પરિવારોમાં સરકાર પ્રત્યે ભારોભાર રોષ જોવા મળે છે.

આરોગ્યની બાબતે થોડી મુશ્કેલીઓ છે ખુલ્લી ગટરોના કારણે મચ્છરોનો મોટો ઉપદ્રવ છે જેનાથી મેલેરીયા, ઝેરી તાવ વગેરે રોગોનુ પ્રમાણ વધે છે. તેમા ચોખ્ખાઇની તાતી જરૂર છે. ઘણા જ સફાઇ કામદારો નિવૃત થયા છે. હાલના વસ્તીના પ્રમાણમાં સફાઇ કામદારોની મોટી ઘટ છે. જેના કારણે શહેરમાં અપુરતી સફાઇ થાય છે ત્યારે વહેલી તકે કામદારોની ભરતી કરવી જોઇએ.

તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી બ્રોડ ગેઇઝ રેલ્વે ચાલુ થઇ છે પણ તેનો લાભ ઉપલેટા ધોરાજી વગેરે ગામોને નથી મળતો ફકત બે જ ટ્રેન આવે છે. રાજકોટવાળાઓ માટે શરૂ થઇ હોય તેમ લાગે છે. રાજકોટથી આવે ઉપલેટા ધોરાજીથી બપોરે ઉપડે ત્યારે પોરબંદરથી રાજકોટ સવારે ઉપડે અને સાંજ પરત ફરે તો જ આ વિસ્તારને તેનો લાભ મળે તેમજ અમદાવાદ મુંબઇ દિલ્હી સહિતના શહેરોમાં જવા માટે લાંબા અંતરની ટ્રેનની સુવિધા મળવી જોઇએ તેના માટે આ વિસ્તારના લોકોને રાજકોટ કે અમદાવાદ જવુ પડે છે.

સંદેશા વ્યવહાર બાબતે ભારત સહિત સમગ્ર વિશ્વ આજે ટોચ ઉપર છે છેલ્લા વર્ષોમાં ટેલીફોનીક ક્ષેત્રે નવી નવી શોધખોળો અને અતિ આધુનિક સિસ્ટમથી સમગ્ર વિશ્વના લોકો એકબીજાની ખૂબ નજદીક આવી ગયા છે પરંતુ ઉપલેટા બીએસએનએલના ગમે તે કારણ હોય પણ સંદેશા વ્યવહારની અન્ય ખાનગી કાું.ઓની સામે બીએસએનએલની કેન્દ્ર સરકારની લેનલાઇનથી માંડી ઇન્ટરનેટની ડાયલઅપ અને બ્રોડબેન્ડ સહિતની સુવિધાઓ સાવ ખાડે ગઇ છે. તેમના મોબાઇલોના કવરેજ મળતા નથી.

ઇન્ટરનેટ સહિતની સેવાઓ ખાડે જતા અહીના લોકો ખાનગી સેવાઓ તરફ વળ્યા છે તે વેળાએ સ્થાનીક લોકોની અવારનવાર રજૂઆતની આજ દિવસ સુધી કોઇ અસર નથી.

મનોરંજનક્ષેત્રે વર્ષોથી અહીના ભાદર ચોકમાં અશ્વિન ટોકીઝ અને ગાંધીચોકમાં અશોક ટોકીઝ હતા પરંતુ પાયરોટેડ સીડીના કારણે ટોકીઝ ભાંગી નાખીને ત્યા શોપીંગ મોલ થઇ ગયા છે તેથી ઉપલેટામાં ટોકીઝનો યુગ સમાપ્ત થઇ ગયો છે અને હવે ઉપલેટાની જનતાને મનોરંજન કે હરવા ફરવા માટે કોઇ સ્થળ રહ્યુ નથી.

આ શહેર અને તાલુકામાં મારૂતિવાન મોટરસાઇકલો સહિત નાના મોટી સંખ્યાના વાહનો ગેસ ઉપર ચાલે છે આ બધા વાહનો ઘર વપરાશના બાટલાનો ઉપયોગ કરે છે. ગેરકાયદેસર જોખમીવાહનો બંધ કરાવા જોઇએ અને તાત્કાલીક સીએનજી પંપ મંજૂર કરવો જોઇએ.

શહેરી ગરીબો માટે આવાસની કોઇ યોજના નથી જેને કારણે ઘણા જ ગરીબ માણસો આજે રેલ્વે સ્ટેશન સામેની ઝુપડપટ્ટીમાં રહે છે તેથી આવા ગરીબ લોકો માટે તેમજ મધ્યમ વર્ગના લોકો માટે પણ હાઉસીંગ બોર્ડ મકાનો બાંધવા જોઇએ.

ગામડાના રોડ રસ્તાઓ ઓવરલોડ વાહનોને કારણે સાવ તુટી ફુટી ગયા છે. પીવાના પાણીની પણ મુશ્કેલી છે. એસટીની બસોની પણ અપુરતી સુવિધા છે. આવી અનેક મુશ્કેલીઓ ગામડાની પ્રજા ભોગવી રહી છે અનેક આંદોલનો પછી પણ કોઇ પરિણામ આવતુ નથી. રાજકીય આગેવાનો માત્ર ચુંટણીઓ સમયે આવે છે અને ઠાલા વચનો આપી ચાલ્યા જાય છે વચનો પાળતા નથી.

રાજકીય રીતે વેપાર ઉદ્યોગથી માંડી આરોગ્ય અને મનોરંજન સહિત અન્ય સરકારી સવલતો બાબતે ઉપલેટા વિસ્તારમાં શુન્યવકાશ સર્જાયો છે. જે અન્યાયકર્તા છે તે ચોકકસ છે.(૪૫.૯)

(12:21 pm IST)