Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

અર્વાચીન યુગમા યે પ્રાચીન ગરબા પરંપરા... પ્રાચીન સંસ્કૃતિનો અણમોલ વારસો એટલે

સોમનાથ પંથકના નાગર જ્ઞાતિના બેઠા ગરબા

''નાગરોમાં બેઠા ગરબા એ સદીઓ જૂની નાગરોની પરંપરા છે જેનું તાર્કીક કારણ એ પણ હોઇ શકે કે ગરબી કે ડીસ્કો ડાંડીયામાં નાનેરાથી માંડી મોટેરા રાસ-ગરબામાં જોમ-જૂસ્સાથી ઘૂમી શકે પરંતુ મોટી ઉંમરના, અશકતો કે દિવ્યાંગો કયાં જાય એ વિચારે જ આ પરંપરાનો જન્મ આપ્યો હોઇ શકે.''

પ્રભાસ-પાટણ તા.૧૦: સમગ્ર સોમનાથ પંથક નવલા નવરાત્રમાં આજ રાત્રીથી જ ગરબે ઘુમવા થનગની રહયંુ છે. ત્યારે આજના અર્વાચીન યુગમા યે સોમનાથ પંથકના નાગર જ્ઞાતિના બેઠા ગરબા એ પ્રાચીન માઇ ભકિતની પરંપરા છે. જે મોટે ભાગે નાગરોની વસ્તી જયાં સુધી હોય તેવા શહેરોમાં પણ જોવા મળે છે.

શું છે બેઠા ગરબા?

વિગત સમજાવતાં ગિર-સોમનાથ જિલ્લા વડનગરા નાગર જ્ઞાતિ અગ્રણી દિનેશ વૈષ્ણવ કહે છે કે '' આ એક પ્રાચીન સંસ્કૃતિનો વારસો છે જે આજના યુગમા યે જતનપુર્વક સાચવી રખાયો છે.

જેમાં નવરાત્રીની દરરોજ રાત્રે આ ગરબા બેસીને ગવાય છે. એટલે કે આપણે શેરી-પ્લોટ કે મેદાનોમાં રમાતી ગરબીમાં ગરબામા ભાગ લેનાર જેમ વર્તુળાકાર-ગોળ ફરતા-ફરતા રાસ રમતા હોય તેવું નથી.

આ બેઠા ગરબામાં સોૈ કોઇ બેસીને સુમધુર અને નરવા કંઠે મા-આદ્યશકિતના ગરબા ગાય જેમાં કોઇ ભાવથી માઇ ભકિતમાં લીન થઇ, ગરબા ગવરાવે અને અન્ય સમુહ તે ઝીલે પણ સ્તુતિ તો સોૈ સાથે જ ગાય.

આ ગરબા વિષે વિશેષ સમજ આપશો

આ ગરબામાં ફકત પ્રાચીન વાજીંત્રો જ વગાડાય છે જે વગાડવા કોઇ માણસો રખાતા નથી પરંતુ ગરબામા આવેલા લોકો જ જેને આવડે તેઓ સ્વ. ભકિતથી વગાડે છે. વાજીંત્રોમાં ઢોલક, મંજીરા, કાંસીયા, ખંજરી, કરતાલ અને ઝાઝ પખવાજ હોય છે.

કાર્યક્રમના પ્રારંભમાં તેર કવચ માતાજીના શરૂ થાય છે ત્યાર બાદ માઇ કલાપી, કવિ સુમંતના ગરબા તેમજ પ્રાચીન-અર્વાચીન ગરબાઓ ગવાય છે.

આ ગરબાઓમાં જેવા કે ''ડુંગરમાંથી પ્રગટયા છો'', ''એવો ગરવો છે, ગઢ ગિરનાર'' તેમજ અન્ય ગરબાઓ-સ્તુતિ ગવાયા બાદ અંતમા માં આદ્યશકિતની આરતી પણ ગવાય છે. બેઠા ગરબા અંગે વિશેષ સમજ આપતાં તેઓ જણાવે છે કે ''આ સદીઓ જુની નાગર જ્ઞાતિની પરંપરા છે તેની પાછળ તાર્કિક કારણ એ પણ હોઇ શકે કે ગરબી અને ડીસ્કો દાંડીયામાં નાનેરાથી માંડી મોટેરા જોમ-જુસ્સાથી રાસ ગરબામાં ઘૂમી શકે પરંતુ મોટી ઉંમરના અશકતો કયાં જાય એ વિચારે જ આ પ્રથા પરંપરા બની હોવાની શકયતા છે. અહીં ગોળ ઘૂમીને ફરવાનું મહત્વ નથી બેઠા-બેઠા જ ગરબા ગાવાના હોવાથી અશકતો, વૃદ્ધો- દિવ્યાંગો સોૈ કોઇ માઇ ભકિતના ગરબામા ભકિતમય બને છે.

આ ગરબામાં સોમનાથ પંથકના સુત્રાપાડા, વેરાવળ અને સોમનાથ તેમજ આજુબાજુના વિસ્તારના નાગરજ્ઞાતિના લોકો દરરોજ રાત્રે ૯ વાગ્યાથી ભાગ લ્યે છે. જેમાં જ્ઞાતિના સર્વ ભાઇ-બહેનો સહકાર અને મદદરૂપ બને છે. અને આ વરસથી તો નવે નવ દિવસ જે-જે ઘેર આમંત્રણ મળ્યું હશે તે ઘેર સોૈ જઇ ત્યાં બેઠા ગરબા લેશે. આમ તો આ પંથકમાં સાઇઠ વર્ષ પહેલાં જશભાઇ ત્રિવેદીના નિવાસસ્થાને આવા ગરબા યોજાતા પરંતુ તેમના વિદાય પછી છેલ્લા ત્રીસ વર્ષથી આ પ્રથા સોૈના સહયોગથી અમે જાળવી રાખી છે.(૧.૭)

(12:08 pm IST)