Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

પડધરીના મોવૈયામાં પ્રાચીન-અર્વાચીનનો સંગમઃ ફરતા મંડપવાળી અદ્ભૂત ગરબી

અંબામાંના ઉંચા મંદિર, નીચા મોલ, ઝરૂખડે દીવા બળે રે લોલ... માડી તારા ગોખ ગબ્બર અણમોલ, શિખરે શોભા ઘણી રે લોલ...: વણથંભ્યા વિકાસથી શોભતા ગામમાં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવઃ બાળાઓ એક એકથી ચડીયાતા રાસ રજુ કરશેઃ અકિલા પરિવારના મોભી કિરીટભાઈ ગણાત્રા આજે રાત્રે રાજકોટથી મોબાઈલ ફોન દ્વારા ગરબીનું ઉદ્ઘાટન કરશેઃ પૌરાણિક મંત્ર અને આધુનિક યંત્રનો સુંદર સમન્વય

રાજકોટ જિલ્લામાં પડધરી તાલુકામાં પડધરીની બાજુમાં જ આવેલ મોવૈયા ગામમાં સરદાર પટેલ યુવા ગ્રુપ પ્રેરિત શ્રી નવદુર્ગા ગરબી મંડળ સંચાલિત ગરબીમાં દર વર્ષે બનાવાતા ફરતા આકર્ષક મંડપની તસ્વીર. અકિલાની મુલાકાત પ્રસંગે ધીરૂભાઈ તળપદા અને તેમના સાથીઓએ ગામના વિકાસ અને ગરબીની વિશેષતા અંગે માહિતી આપી હત

રાજકોટ, તા. ૧૦ :. કહેવત 'મન હોય તો માળવે જવાય'ને સંપૂર્ણ સાર્થક કરતું ગામ એટલે મોવૈયા. જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ધીરૂભાઈ તળપદાની આગેવાની નીચે વિવિધ પ્રકારના વિકાસલક્ષી કામોથી શોભતું રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાનું મુખ્યત્વે પટેલોની વસ્તી ધરાવતું નાનું એવું પણ સુંદર, સ્વચ્છ, સુઘડ, નિરોગી, સુશિક્ષિત અને અનેક રીતે ઉડીને આંખે વળગે તેવું મોવૈયા ગામ. ત્યાં પ્રાચીન અને અર્વાચીનના સંગમરૂપ સુંદર ગરબી થાય છે.

૨૮૦૦ માણસોની વસ્તી ધરાવતું ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ આ ગામની ખાસીયત કંઈક અનેરી જ છે. આ ગામના યુવાનો અને આગેવાનોને કંઈક નવું જ કરવાના ઉત્સાહ અને હિંમત દાદ માંગી લ્યે તેમ છે. ગામમાં ધાર્મિક, સામાજીક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, રાજકીય કે કુદરતી પ્રસંગ હોય તેને સકારાત્મક રીતે પાર પાડી ઉચિત પરિણામ મેળવીને જ જંપવાવાળા છે એટલે જ ૨૦ વર્ષથી સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા ફરતા મંડપવાળી ગરબીનું નવદુર્ગા ગરબી મંડળના નામથી આયોજન કરવામાં આવે છે.

પડધરીના મોવૈયા ગામમાં દાખલ થતા જ 'શ્રી અક્ષર પ્રવેશદ્વાર' મહેમાનોનું સ્વાગત કરવા તૈયાર છે. ગામમાં ધાર્મિક મંદિરો આવેલા છે. શિક્ષણ માટે ધો. ૧ થી ૮ સુધીની કુમાર તથા કન્યા શાળા આવેલી છે. ગામની મુખ્ય બજારો પેટાશેરી ગલીઓ સીસી રોડથી જોડાયેલ છે. પીવા માટે પાણી ઘરે ઘરે નળ મારફતે આપવામાં આવે છે. ગંદાપાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરની વ્યવસ્થા છે. ગામમાં સ્વચ્છતા માટે પુરતુ ધ્યાન આપવામાં આવે છે. ગામમાં ઉકરડા કરવા તેમજ જાહેરમાં કચરો નાખવા માટે પ્રતિબંધ છે. જેમાં સૌ ગ્રામજનોનો સહકાર મળવાથી લોકોના સ્વાસ્થ્ય પણ નિરોગી છે. ગામમાં વૃક્ષો ઉગાડીને તેની જાળવવી કરી પર્યાવરણની જાળ વણી કરી રહ્યું છે.

આજી-૨ ડેમની કેનાલમાંથી ૮-૬૬ કયુસેક મીટર પાણીની મંજુરી મળી જતા ગામના સૌ ખેડૂતો સાથે મળી ગામના ૨૨૫ ખેડૂતોની એક 'શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જળસિંચન સહકારી મંડળી લી. મોવૈયા'ના નામથી સહકારી મંડળી બનાવી ખેડૂતોના સ્વખર્ચે આશરે એક કરોડ ઉપરની આ યોજના ગ્રેવીટીથી જ પાણી ખેડૂતોના ખેતરોમાં પાણી પહોંચે તેવું આયોજન કરતા આજે મોવૈયાની ખેતીવાડી સીમમાં હરીયાળી ક્રાંતિ જોવા મળે છે. જેના યશના ભાગીદાર સાંસદ મોહનભાઈ કુંડારીયા છે. આ યોજના ગુજરાત રાજ્યમાં નમૂના રૂપ ગણી શકાય. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના સંકલ્પ સુત્ર 'પાણી બચાવો પાણી આપણને બચાવશે' તે સાર્થક કરવા આ ગામના સમૂહ પ્રયાસથી આ યોજના ઉભી કરેલ છે. ગામના ધીરૂભાઈ તળપદા આ મંડળીના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.

આ ગામ ઉત્સવ પ્રિય ગામ છે દરેક ઉત્સવો ગામ થનગનાટ અને અદકેરા આનંદ સાથે સમુહમાં સૌ ગ્રામજનો એકઠા થઈને ઉજવે છે.

નવરાત્રી મહોત્સવ અનેરી રીતે ઉજવવામાં આવે છે. આ મહોત્સવ આસો માસ સુદ તિથિ ૧ થી ૧૦ સુધી આ આદ્યશકિતના ગુણગાન માતાજીના અતિ આકર્ષક અને ભવ્ય મંડપ નીચે ગવાય છે. આ ગામના અભણ ખેડૂતો દ્વારા કોઠાસુઝના પરિણામે માતાજીનો ભવ્ય ફરતો મંડપ બનાવેલ છે. આ મંડપની ખૂબી એ છે કે ભારતભરમાંથી ગમે તે સ્થળેથી મંડપના કોડ નંબર મોબાઈલથી જોડવામાં આવે તો આ મંડપ ફરતો કે બંધ થઈ શકે છે.

આજે રાત્રે ૯ વાગ્યે નવરાત્રી મહોત્સવનું શ્રી કિરીટભાઈ ગણાત્રા (અકિલા પરિવારના મોભી) મંડપનું ઉદ્ઘાટન રાજકોટથી મોબાઈલ કંટ્રોલથી કરશે. આ મંડપને જોવા માટે આજુબાજુના વિસ્તારમાં કાયમ વધુ સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. મહેમાનોનું ગામના યુવાનો દરેક મહેમાનોનું કાઠીયાવાડી રીતરસમ મુજબ અદકેરૂ સ્વાગત કરી તેમની ધન્યતા અનુભવે છે. આ ગામ પ્રાચીન અને અર્વાચિન બન્ને રીતે રીવાજોના સમન્વય કરી ૨૧મી સદીનું આધુનિક કરી શકાય તેવું આ ગામ એક વખત જોવા અને માણવા લાયક છે. કુલ ૪ ગ્રુપના વિવિધ રાસ માણવા સૌને ધીરૂભાઈ તળપદા(મો. ૯૮૯૮૬ ૯૧૧૧૧) એ જાહેર નિમંત્રણ પાઠવેલ છે.(૨-૧)

(12:06 pm IST)