Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ક્ષમા-શ્રધ્ધાએ સાધુત્વનું પિયરીયુઃ પૂ.મોરારીબાપુ

જામનગરમાં આયોજીત 'માનસ ક્ષમા' શ્રીરામ કથાનો ચોથો દિવસ :ભાવિકો ઉમટયા

જામનગરઃમોરારીબાપુની માનસ ક્ષમા રામકથામાં હકડેઠઠ મેદની વચ્ચે ક્ષમા,શ્રદ્ઘાના વિષય સાથે શ્રોતાઓને રામનામથી તરબોળ કરવામાં આવ્યા હતા.અને છોટી-કાશી ગણાતા જામનગરના આંગણે ધર્મમયી વાતાવરણ સર્જાયું છે.(તસવીર-કિંજલ કારસરીયા,જામનગર)

જામનગર,તા.૧૦:જામનગરમાં ચાલી રહેલી માનસ ક્ષમા રામકથામાં ચતુર્થ દિવસે મોરારીબાપુએ ક્ષમા અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ક્ષમા,શ્રદ્ઘા એ સાધુતાનું પિયરીયું છે. ગર્વ મુકત જ્ઞાન દુર્લભ ચિંતામણી છે.

જગતગુરુ શકરાચાર્ય કહે છે તેની ચોપાઈઓ સાથે મોરારીબાપુએ કહ્યું હતું કે,પૈસા ખૂબ કમાઓ, ભારતની સંસ્કૃતિ પ્રમાણે કમાણી સદકાર્યોમાં વહેંચવી જોઈએ. વ્યાસપીઠપરથી મોરારીબાપુએ કહ્યું હતું કે, કમાણીનો ૧૦માં ભાગ પરમાર્થે વાપરવા આગ્રહ કર્યો છે.

એકલો ભોગવે એ ચોર છે. એકલો ખાય એ પાપ ખાય છે. પુણ્ય નથી ખાતો. દરવાજા બન્ને બાજુ રાખીને પ્રયોગ કરો. બધા લોકો રાષ્ટ્ર હિતર્થે ગરીબ,છેવાળાના લોકો માટે વાપરો કોઈ મંદી નહિ હોય,કોઈ દુઃખી નહિ હોય.

ક્ષમાનો બાપ વિરતા છે. 'ક્ષમાં,વિતમ,શોર્યમ' સાથે કશ્યપ ગીતાના સૂત્રો મુકતા મોરારીબાપુએ કહ્યું હતું કે, 'ક્ષમા તેજસ્વી નામ', તેજૅં ક્ષમા બ્રહ્મૅં તપસ્વી નામ, ક્ષમા સત્યમ સત્યાનામ, ક્ષમા યજ્ઞૅં, ક્ષમા ક્ષમૅં આ મંત્રો કશ્યપ ગીતાના છે જેનું રટણ કરાવતા મોરારીબાપુએ કહ્યું હતું કે, તપસ્વી માણસ ક્ષમા પદાર્થનો ત્યાગ કરે તો તેનું તેજ વહી જાય છે.

તેજના પ્રકારો ગણાવતા મોરારીબાપુએ કહ્યું હતું કે, તેજના અનેક નાના-મોટા રૂપો છે. પણ ક્ષમા ન હોય તો તપસ્વીનું તેજ દ્યટે છે. સત્યના ઉપાસકોનું વેદ જ ક્ષમા છે. દમમાં થોડી આકર્તા છે. ક્ષમા શાંતિનું પ્રતીક છે. આવું નિરૂપણ કશ્યપ ગીતા માં છે.

માનસ ક્ષમા રામકથામાં જુદા-જુદા ઉદાહરણો લઈ ક્ષમાની વાત કરતા તુલસીદાસની દોહવલી રામાયણની ચોપાઈ સાથે મોરારીબાપુએ કહ્યું કે, મનને ક્ષમાના દોષ ,ગુણનો જીવને ઉપયોગ કરી કહ્યું હતું કે, જીવનમાં ક્ષમા અંગેની માર્મિક ટકોર કરી હતી.

ક્ષમા રોષ કે ગુણ દોષ જોતા નથી. ૫ લોકોને ૧૦ જણા મારી ન શકયા એવું મહાભારતનું ઉદાહરણ આપતાં કહ્યું હતું. કે પાંડવોની ક્ષમા પદાર્થને લઈને મહાભારતમાં પાંડવોએ જીત મેળવી હતી.

ક્રોધી શ્રાપ આપે.અને ક્ષમશીલ આશીર્વાદ, વરદાન આપી શકે. આ મનોવિજ્ઞાન છે.જેનો અભ્યાસ કરવા યુવાવર્ગને મોરારીબાપુએ જણાવ્યું હતું.

ભગવત ગીતામાં ક્ષમા પદાર્થમાં સાત વાર વર્ણવ્યા હોવાનું મોરારીબાપુએ જણાવતા કહ્યું કે, યોગેશ્વર ભગવાને ક્ષમા અંગે અનેકવાર કહ્યું છે.

શ્રદ્ઘાના પિયર અંગેની વાત કરતાં મોરારીબાપુએ કહ્યું કે, શ્રધ્ધાના આખા પરિવારની વ્યાખ્યા આપી હતી.

મોરારીબાપુને યુવાને એક કથા દરમ્યાન પૂછ્યું હતું કે, બાપુ તમે યુવાનીમાં શુ ત્યાગ્યું?,તેના જવાબમાં બાપુએ કહ્યું કે, હજી તો હું રામાયણની ચોપાઈમાં રમું છું, જુવાની બાકી આવવા તો દે, જુવાની હજી બાકી છે.

શ્રદ્ઘા પદાર્થનો પિતા દ્રઢતા છે. નાની વાતોમાં હલી જવું નહિ. પાર્વતીએ તપ દરમ્યાન અનેક દુઃખો સહ્યા. શ્રદ્ઘાની માતા મેના છે.મેના નો અર્થ નિરઅંહકારી છે. શ્રદ્ઘાના પતિ વિશ્વાસ છે.વિશ્વાસ વગરની શ્રદ્ઘા કુંવારી કા તો કુંવારી હોય છે. તેમ મોરારીબાપુએ માનસ ક્ષમા કથામાં કહ્યું હતું. વિવેક અને પુરુષાર્થ શ્રદ્ઘાના દિકરાઓ છે. વિવેક વગરનો પુરુષાર્થ ભાઈનો ધર્મ ચુકે છે. વિવેક અને વિનય સાથે કમાઓ.અને તેનો સદઉપયોગ પણ કરો.

દક્ષની કન્યાઓમાં એક શ્રદ્ઘા છે. લક્ષ્ય ન ચુકે તેનું નામ દક્ષ.એવી વ્યાખ્યા કરતા મોરારીબાપુએ ઇસરોના ચંદ્રયાનના પ્રસંગને યાદ કરતા કહ્યું કે, બધા સારાવાના થશે. અને ત્યાં પહોંચવા માટે પણ અભિનંદન આપતા વ્યાસપીઠ પરથી મોરારીબાપુએ ફરી જામનગરની માનસ ક્ષમા રામકથામાં યાદ કર્યા હતા.

ક્ષમાના પરિવારની વાત કરતા કહ્યું કે સાધુતા જ પિયરીયું છે. ક્ષમાના પરિવાર અંગે મોરારીબાપુએ કથાના ચતુર્થ દિવસે જણાવી લોકોએ જીવનમાં ક્ષમાને સ્થાન આપનાવવા આગ્રહ કર્યો હતો.

માનસ ક્ષમા રામકથાના ચતુર્થ દિવસે જૂનાગઢના ભારથી આશ્રમના મહા મંડલેશ્વર ૧૦૦૮ ભારતીબાપુ, હાસ્યકલાકાર માયાભાઈ આહીર સહિતના આગ્રણીઓ કથામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

(1:30 pm IST)