Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

નાઘેર ભૂમિ તપોભૂમિ છે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી આદિ સંતોની ચરણરજથી પાવન થયેલી છે : શા. માધવપ્રિયદાસજી સ્વામી

૫૦ વર્ષથી ઉજવાતો આ નાઘેર પંથનો શિરમોડ ઉત્સવ એટલે મચ્છુન્દ્રી નદિને કિનારે ઉજવાતો જળઝીલણી મહોત્સવ :પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી મચ્છુન્દ્રીનદીને કિનારે, દ્રોણેશ્વર મહાદેવ અને હનુમાનજી મહારાજની સાનિધ્યમાં ઉજવાયો જળઝીલણી મહોત્સવ : નાઘેર પંથકમાંથી દર્શનાર્થે ઉમટેલો માનવ મહેરામણ

ઉના તા.૧૦ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP ગૂરૂકુલના અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મચ્છુન્દ્રી નદીને કિનારે દ્રોણેશ્વર મહાદેવ અને કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મહારાજની સાનિધ્યમાં, દ્રોણેશ્વર ગુરૂુકુલની પરિસરમાં જળઝીલણી મહોત્સવ આનંદ અને ઉલ્લાસભેર ઉજવાયો હતો.

 જલઝીલણી મહોત્સવના આગલા દિવસે મચ્છુન્દ્રી નદીમાં ઘોડાપુર આવેલ હતુ. પુલ ઉપરથી તો ચાર ફૂટ પાણી વહેતું હતું. દ્રોણેશ્વર મહાદેવના મંદિરમાં અંદર પણ પાણી પહોંચી ગયા હતા. પરંતુ ભગવાનની કૃપાથી ઘોડાપુર ઓસરી ગયા હતા અને જળઝીલણી મહોત્સવ સુંદર રીતે ઉજવાયો હતો. સુંદર નૌકામાં ઠાકોરજીને પધરાવી અભિષેક કરી જળવિહાર કરવામાં આવ્યો હતો.

    આ પ્રસંગે ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, સાંસદ રાજેશભાઇ ચુડાસમા તથા ઝવેરીભાઇ તેમજ ફાટસર, ઇંટવાયા, ખીલાવડ, દ્રોણ, ગીરગઢડા, અંબાડા વગેરે ૪૦ ગામોમાંથી માનવ મહેરામણ ઉમટ્યો હતો.

    કાર્યક્રમની શરૂઆત પહેલા ગુરૂકુલ પરિસરમાંથી કથા સ્થાન સુધી ઠાકોરજીની ભવ્ય શોભાયા્ત્રા કાઢવામાં આવી હતી.જેમાં ગુરૂકુલના વિદ્યાર્થીઓ -વિદ્યાર્થિનીઓ -હરિભકતો જોડાયા હતા.ગુરૂકુલના બાળકોએ સુંદર રાસ અને નૃત્ય રજુ કર્યા હતા.

    ઠાકોરજીની પ્રથમ આરતિ શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામી, મધુભાઇ દોંગા વગેરે ભકતોએ ઉતારી હતી. એક આરતિ સાંખ્યયોગી બહેનો અને યજમાનશ્રીઓના ધર્મપત્નીઓએ ઉતારી હતી.

    આ પ્રસંગે એક દિવ્ય પ્રસંગ બન્યો હતો. ખીલાવડ ગામના અરવિંદભાઇ પટેલે પોતાની વ્હાલસોયી એમ.એ. માં પ્રથમ કલાસે પાસ થયેલ દિકરીને સાંખ્યયોગી બની ત્યાગી જીવન જીવવા માટે ગુરૂકુલને ખોળેઅર્પણ કરી ત્યારે સમગ્ર સભા જનોની આંખમાંથી આંસુડા છલકાયા હતા. માધવપ્રિયદાસજી સ્વામીએ તેણીના માતા પિતાના ત્યાગને બિરદાવ્યા હતા.

    માધવપ્રિયદાસજી સ્વામીજીએ જણાવ્યું હતું કે નાઘેર ભૂમિ તપોભૂમિ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી આદિ સંતોની ચરણરજથી પાવન થયેલી છે. ગામડે ગામડે સ્વચ્છતા અભિયાન ચલાવવા દરેકને અનુરોધ કર્યો હતો.

      આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આ ઉત્સવમાં આટલો મોટો મહેરામણ જોઇને દીલ ખુશ થયા છે. તેઓશ્રીએ જણાવ્યું હતું કે આપણે સરકારને વિનંતી કરી છે કે જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુરૂકુલમાં બાળકોને આધુનિક શિક્ષણની સાથે જે સંસ્કારનું સિંચન કરવામા આવે છે તેથી હું અત્યંત પ્રભાવિત છું. બાલસ્વામીની સુચના પ્રમાણે ટુંક સમયમાં આ નદીને જોડતો પુલ અને આજુબાજુના રસ્તાઓ પણ સારા થઇ જશે. મહોત્સવની તમામ વ્યવસ્થા ભંડારી  સ્વામી હરિકૃષ્ણદાસજી અને સ્વામી નરનારાયણદાસજી સ્વામીએ સંભાળી હતી. અંતમાં તમામને ફરાળ પીરસવામાં આવેલ.

 

(11:45 am IST)