Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

તલાટી મંત્રીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા રાજ્‍યભરમાં આંદોલનના મંડાણ

જસદણ-વિંછીયા તાલુકાના તમામ તલાટી મંત્રીઓ કાળી પટ્ટી ધારણ કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર

આટકોટ, તા. ૧૦ :. રાજ્‍યના તલાટી કમ મંત્રીઓના પ્રશ્નોનો રાજ્‍ય સરકાર દ્વારા કોઈ યોગ્‍ય પ્રત્‍યુત્તર ન મળતા આજરોજ જસદણ તાલુકાના તલાટી મંત્રીઓ દ્વારા આજરોજ કાળી પટ્ટી ધારણ કરી જસદણ પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્‍યુ હતું.

આજે બપોરે ૧૨ વાગ્‍યે જસદણ તાલુકાના તમામ તલાટીઓ દ્વારા જસદણના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્‍યુ છે. જેમાં તેમની લાંબા સમયથી પડતર માંગણીઓનો યોગ્‍ય અમલ કરવાની માંગ કરવામાં આવી છે.

આંદોલનાત્‍મક કાર્યક્રમોમાં આજે તલાટી મંત્રીઓ કાળી પટ્ટી ધારણ કરશે. તા. ૧૭ના રોજ પેન ડાઉનનો કાર્યક્રમ આપશે. ત્‍યાર બાદ તા. ૨૯ના રોજ સામુહિક માસ સી.એલ. અને આમ છતા યોગ્‍ય ઉકેલ નહીં આવે તો તા. ૨ના રોજ ધરણાનો કાર્યક્રમ આપવામાં આવશે.

આ તમામ કાર્યક્રમો રાજયનાં દરેક જીલ્લા અને તાલુકા મથકે યોજાશે. જે અંગે રાજ્‍ય મંડળે તમામ જીલ્લાના મંડળોને આ અંગે જાણ કરી દીધી હોય જેના ભાગરૂપે આજે જસદણમાં આવેદનપત્ર આપવામાં આવશે.

આ અંગે જસદણના તલાટી મંત્રી યુનિયનના હોદેદારોએ જણાવ્‍યું હતુ કે લાંબા સમયથી અમારા પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ આવતો નથી અમે સરકારમાં અવારનવાર રજૂઆતો કરી છે. આમ છતા કોઈ યોગ્‍ય કાર્યવાહી ન થતા અમો ગાંધી ચિંધ્‍યા રાહે આંદોલન કરવાની ફરજ પડી છે.

જસદણ તાલુકા તલાટી મંત્રી મંડળના પ્રમુખ પ્રતાપભાઈ ધાધલ, હેમંત રાવલ, વી.આર. રાબા, હરેશ સાવલીયા, રસીકભાઈ મહેતા, મમતાબેન ચૌહાણ, સોનલબેન ડોબરીયા, વિંછીયા તાલુકાના પ્રમુખ ધોરીયાભાઈ, વી.પી. પટેલ, જીતુભાઈ ચાવડા સહિતના હોદેદારોની આગેવાની હેઠળ આજે જસદણ-વિંછીયા તાલુકાના તલાટીઓ આવેદન આપશે

 

 

(4:30 pm IST)