Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ગીર સોમનાથ જિલ્લામાં ૧૫ ઓકટોબર સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

વેરાવળ તાલુકાના ઇણાજ ગામે આવેલ સેવાસદન ખાતે મતદાર સુધારણા ઝુંબેશના ભાગરૂપે પ્રેસ કોન્ફરન્સ યોજાયેલ. તે  પ્રસંગની તસ્વીર.(૪૫.૭)

ગીર સોમનાથ તા.૧૦ : ગીરસોમનાથ જિલ્લામાં કોડીનાર, ઉના, તાલાળા અને સોમનાથ એમ ચાર વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૮,૯૪,૪૨૪ મતદારો નોંધાયેલા છે. જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા આગામી ચુંટણીઓને ધ્યાને લઇ ચુંટણીપંચની સુચના મુજબ મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરેલ છે. તા.૧ સપ્ટેમ્બરથી શરૂ થયેલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તા.૧૫ ઓકટોબર સુધી ચાલશે.

૧૫ ઓકટોબર સુધી મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં તા.૧-૧-૨૦૧૯ના રોજ ૧૮ વર્ષ પુર્ણ થતા હોવા તેવા જિલ્લાના કોઇપણ નાગરીક પોતાના નજીકના મતદાન મથકે બુથ લેવાલ ઓફીસરને કે મતદાન નોંધણી અધિકારીને પોતાનું નામ મતદારયાદીમાં દાખલ કરવા હક દાવા અને વાંધા સૂચનો રજૂ કરી શકશે.

મતદાર યાદીમાં નવા નામ નાખવા, કમી કરવા, સરનામા સુધારવા, વધારવા અંગેના નિયત નમૂનામાં અરજી કરી શકશે. આગામી ૧૫ ઓકટોબર સુધીમાં તા.૧-૧-૨૦૧૯ના રોજ ૧૮ વર્ષ પુરા થતા અથવા કોઇ કારણસર જેમનું મતદાર યાદીમાં નામ ન હોય તેવા લોકોને મતદાર યાદીમાં તેમના નામ દાખલ કરાવી લેવા.

ત્રણ રવિવાર વિશેષ ઝુંબેશ

મમતદાર યાદી સુધારણાના ભાગરૂપે તા.૧૬-૯-૧૮, તા.૩૦-૯-૧૮ અને તા.૧૪-૧૦-૧૮ ત્રણેય રવિવારના રોજ બુથ લેવલ ઓફીસર સવારે ૧૦ થી સાંજના પ કલાક સુધી સબંધીત મતદાન મથકે બેસી મતદારોના હકક દાવા ફોર્મ સ્વીકારશે તથા મતદાર યાદી સુધારણાની કામગીરી સંભાળશે.તેમની પાસે જરૂરી તમામ ફોર્મ ઉપલબ્ધ હશે. ત્યારે મતદારો મતદાર યાદીમાં પોતાનું નામ છે કે કેમ તે પણ ચકાસી શકશે.

મતદાર યાદીની ચકાસણી જરૂર કરો

મતદાન નોંધણી ઝુંબેશ અંતર્ગત જેમની પાસે ચુંટણીકાર્ડ છે તેવા લોકો પણ મતદાન મથક પર બુથ લેવલ ઓફીસર પાસે તેમનું નામ મતદાર યાદીમાં છે કે નહી તે ચકાસવું જરૂરી છે. ઘણી વખત ચુંટણી કાર્ડ હોય પરંતુ મતદાર યાદીમાં કોઇપણ કારણોસર નામ કમી થઇ ગયુ હોય તો આવા લોકો મતદાનથી વંચીત રહેશે. આથી ચુંટણી સમયે અમારૂ નામ મતદાર યાદીમાં નથી તેવો પ્રશ્નો ઉભો ન થાય.

જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ઇજાણ ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી ગોહિલ ઉપસ્થિત રહી, મતદાર યાદી સુધારણા સબંધીત વિગતો આપી હતી. મતદારયાદીની શુધ્ધતા લોકો જેટલા જાગૃત હશે તેટલી વધશે. મતદાર યાદી ક્ષતિ રહીત બનશે.

મતદાર યાદીની શુધ્ધતા ઉપરાંત ક્ષતી રહીત બનાવવા બીએલઓ હાઉસ ટુ હાઉસ મુલાકાત લઇ મતદાર યાદી ચકાસશે. ખાસ કરીને ૮૦ વર્ષની ઉપરના વય મર્યાદા ધરાવતા મતદારોનું વેરીફીકેશન પણ કરશે. મતદાર નોંધણી ઝુંબેશ અંગે તમામ સ્તરે પ્રસાર પ્રચાર કરવા સાથે રાજકીયપક્ષના હોદ્દેદારો સાથે પણ ચુંટણીતંત્રની અધિકારીઓએ બેઠક કરી આ ઝુંબેશમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા પણ નિયત જોગવાઇઓનું પાલન કરી મતદાન એજન્ટની જેમ બુથ લેવલ એજન્ટની નીમણુંક કરી શકે છે. તેમ જિલ્લા ચુંટણી અધિકારીશ્રીએ વધુમાં જણાવ્યુ હતુ.(૪૫.૭)

(12:25 pm IST)