Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

મોરબીના યુવા ધારાશાસ્ત્રી પાસે વિશ્વના ૨૦ દેશોના રાષ્ટ્રપ્રમુખોના હસ્તાક્ષરનો સંગ્રહ

યુવાનના મોટાભાઈ પાસે છે વિશ્વની ચલણી નોટો અને સિક્કાનો સંગ્રહ

મોરબી, તા.૧૦: મોરબીના યુવા ધારાશાસ્ત્રીને વિશ્વની મોટી હસ્તીઓના હસ્તાક્ષર સંગ્રહ કરવાનો શોખ જાગ્યો હોય અને પોતાનાં શોખ માટે કરેલો પુરુષાર્થ આખરે ફળ્યો છે અને આજે યુવાન પાસે ૨૦ થી વધુ દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપ્રમુખોના હસ્તાક્ષરનો સંગ્રહ જોવા મળે છે.

 મોરબીના રહેવાસી અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા યુવાન દર્શન દિલીપકુમાર દવેને સેલીબ્રીટીના હસ્તાક્ષર સંગ્રહ કરવાનું શરુ કર્યા બાદ તેની પાસે આજે વિશ્વના ૨૦ દેશોના રાષ્ટ્રપ્રમુખો સહીત ૧૦૦ થી વધુ સેલીબ્રીટીના હસ્તાક્ષરોનો સંગ્રહ જોવા મળી રહ્યો છે જેમાં સ્વીટઝરલેન્ડના રાષ્ટ્રપ્રમુખ એલીયન બટ. કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટુડો. કચ્છના મહારાજા પ્રાગમલજી, ભારત રત્ન લતા મંગેશકર, ઉદયપુર મેવાડના રાજકુંવર લક્ષ્યરાજસિંહ અને ભારતના પ્રથમ અવકાશ યાત્રી તથા અશોકચક્ર વિજેતા રાકેશ શર્મા ઉપરાંત યુપીના સીએમ યોગીજી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણી જેવા દિગ્ગજો પાસેથી હસ્તાક્ષર મેળવી સંગ્રહ કર્યો છે

 તે ઉપરાંત પદ્મશ્રી વિજેતા ભીખુદાન ગઢવી, પ્રવીણભાઈ દરજી, ગુણવંતભાઈ શાહ, મોરારી બાપુ, અમિતાભ બચ્ચન, પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભાદેવી પાટીલ, અમિત શાહ, મનમોહન સિંહ, મિલ્ખા સિંહ, માઈક્રોસોફ્ટના બીલ ગેટ્સ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સહિતના ૧૦૦ થી વધુ વિશ્વ વિખ્યાત હસ્તીઓના હસ્તાક્ષરનો દુર્લભ કહી સકાય તેવો સંગ્રહ કર્યો છે..

મોટાભાઈ પાસેથી યુવાનને મળી પ્રેરણા

 વિશ્વની હસ્તીઓના હસ્તાક્ષરનો સંગ્રહ એકત્ર કરીને દુર્લભ ખજાનો એકત્ર કરનાર યુવા ધારાશાસ્ત્રી દર્શન દવેના મોટાભાઈ મીતેશભાઇ દવે પણ ધારાશાસ્ત્રી છે એટલું જ નહિ તેમને પણ વિશ્વની ચલણી નોટો અને સિક્કા સંગ્રહ કરવાનો શોખ હોય જેને પોતાનો શોખ પૂરો કરીને આવો અલભ્ય ખજાનો એકત્ર કરીને અનેક વિક્રમો પોતાના નામે કર્યા છે ત્યારે મોટાભાઈમાંથી પ્રેરણા લઈને હવે નાનો ભાઈ જોગાનુજોગ વકીલાતના જ વ્યવસાયમાં જોડાયા છે તો તેમનો શોખ પણ ભાઈને મળતો આવે છે અને હસ્તીઓના હસ્તાક્ષર સંગ્રહ કરી રહયા છે..(૨૨.૩)

(12:24 pm IST)