Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ગોંડલના વેપારીને પ્રતિબંધીત ઓકિસટોસીન ઇન્જેકશનનો જથ્થો મોકલનાર અખ્તારની શોધ

અગાઉ ૨૫ બોક્ષ મંગાવી વેચી નાખ્યા'તા : એક બોક્ષે ૧૦ રૂ. મળતા હોવાની વેપારી પરેશ કારીયાની કબુલાત

રાજકોટ તા. ૧૦ : ગોંડલના કિરાણાનો વેપારી પ્રતિબંધીત ઇન્જેકશનના જથ્થા સાથે પકડાયા બાદ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી આ ઇન્જેકશનનો જથ્થો મોકલનાર શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

 

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના બસ સ્ટેન્ડ સામે આવેલ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ખાતે સવારના સુમારે ઇન્જેકશન ભરેલા બોકસ નું પાર્સલ આવતા કેન્દ્રના સંચાલક હિરેનભાઈ ધુલિયા દ્વારા તેને ખોલી તપાસ કરાતા તેમાં પ્રતિબંધિત ગણાતા ઓકિસટોસિન ઇન્જેકશનોનો ૧૦૦૦૦ નંગ નો જથ્થો જણાતા તેઓ ચોંકી ઉઠયા હતા અને તુરંત જ સિટી પોલીસને જાણ કરતાં મસમોટું કૌભાંડ બહાર આવવા પામ્યું હતું પોલીસે હિરેનભાઈ ધુલિયાની ફરિયાદ બાદ ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

દરમ્યાન પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે એ પ્રતિબંધિત ઇન્જેકશનોનો જથ્થો શહેરના ભગવતપરા ખાતે ચમનલાલ જાદવજી નામે કિરાણાની પેઢી ધરાવતા પરેશ ચમનલાલ કારીયા દ્વારા મંગાવવામાં આવ્યો હોય તેની ધરપકડ કરી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ કિરણા ના વેપારી પરેશ કારીયા એ પોલીસમાં લૂલો બચાવ કરતાં જણાવ્યું હતું કે તેઓ પાસે ગ્રામ્ય વિસ્તારના ખેડૂત શાકભાજી તેમજ કપાસ નો ગ્રોથ વધારવા માટે આવા ઇન્જેકશનો મંગાવે છે અને તેમના દ્વારા આવી રીતે બીજી વખત જથ્થો મગાવવામાં આવ્યો છે. આ જથ્થો તેમણે અખ્તાર નામના વ્યકિત પાસેથી મંગાવ્યો હતો. આ પ્રતિબંધીત ઇન્જેકશનનું બોક્ષ ૬૦ રૂ.માં ખરીદતો હોવાની અને પોતે ૭૦ રૂ.માં વેચતો હોાવની કેફીયત આપી હતી. પોલીસે પકડાયેલ વેપારી પરેશ કારીયાને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે અને ઇન્જેકશનનો જથ્થો મોકલનાર અખ્તાર નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે.(૨૧.૧૫)

(12:18 pm IST)