Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં કોંગ્રેસના બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ

હળવદ, ઉપલેટા, જામનગર, જુનાગઢ, અમરેલી સહિતના જિલ્લા-તાલુકા મથકોએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે આક્રોશઃ અનેક જગ્‍યાએ શાળા-કોલેજો પણ બંધ

સૌરાષ્ટ્ર-કચ્છમાં બંધ મિશ્ર :  આજે પેટ્રોલ-ડિઝલના ભાવવધારાના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવતા આજે બંધ મિશ્ર છે. પ્રથમ તસ્વીરમાં ધોરાજી બીજી તસ્વીરમાં સુરેન્દ્રનગર બંધ રહયું છે તે નજરે પડે છે. (તસ્વીરઃ ધર્મેન્દ્ર બાબરીયા (ધોરાજી) ફઝલ ચૌહાણ(વઢવાણ)

રાજકોટ તા.૧૦: પેટ્રોલ-ડીઝલનાં વધી રહેલા ભાવ વધારાના વિરોધમાં આજે રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં કોંગ્રેસ અને વિપક્ષો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્‍યું છે અને  તેમા શહેરો અને તાલુકા મથકો સહિત ગ્રામ્‍ય વિસ્‍તારોએ બંધ પાળીને સરકાર સામે રોષ ઠાલવ્‍યો છે.

આજે સવારથી રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં બંધ દરમિયાન કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે.

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં કોંગ્રેસના બંધના એલાનને મિશ્ર પ્રીતિસાદ મળ્‍યો છે કોઇ જગ્‍યાએ સજ્જડ બંધ છે તો કોઇ જગ્‍યાએ બંધની કોઇ અસર નથી.

ભાવનગર

 ભાવનગર : કોંગ્રેસ દ્વારા આજે સોમવારે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સામે ભારત બંધનું એલાન આપ્‍યું છે. તેનાં અનુસંધાને આજે ભાવનગર બંધનું એલાન પણ સ્‍થાનિક કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્‍યું છે જો કે, ભાવનગરમાં બંધની જાજી અસર દેખાઇ ન હતી. માત્ર બજારો માં બંધની અસર દેખાઇ હતી. જયારે અન્‍યત્ર દુકાનો વેપારીઓએ ખુલી રાખી હતી. કોંગ્રેસનાં આગેવાનો બંધ કરાવવા નીકળ્‍યા હતા. કેટલીક જગ્‍યાએ કોંગ્રેસ કાર્યકરો આવે ત્‍યારે વેપારી થોડીવાર બંધ રાખતા હતા અને કાર્યકરો જાય કે તરત દુકાનો ખોલી નાંખતા જોવા મળ્‍યા હતા.

ટંકારા

 ટંકારા : સરકાર દ્વારા રોજ-બરોજ પેટ્રોલ-ડીઝલના ભારે ભાવ વધારો કરાય રહેલ છે. ડોલર સામે દિન-પ્રતિદિન રૂપિયાની કિંમત ઘટતી જાય છે. પેટ્રોલ-ડીઝલનો જી.એસ.ટી.માં સમાવેશ થતો નથી. વિગેરે સળગતા પ્રશ્ને બંધનું એલાન આપેલ છે.

ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ બંધના એલાનને ટેકો અપાયેલ છે.

ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સવારે નવથી બપોરના એક (૯થી૧) વાગ્‍યા સુધી બંધ રાખવાનો કાર્યક્રમ લતીપર ચોકડીયે, ટંકારા બંધ, ખેડૂતોના દેવા માફી અને લોકશાહી બચાવવા યોજેલ છે.

સુરેન્‍દ્રનગર

વઢવાણ : હાલ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળે છે ત્‍યારે આજે ગુજરાતમાં કોંગ્રેસ સમિતિ વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવના કારણે દ્વારા આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્‍યું છે ત્‍યારે આજે સવારથી જ સુરેન્‍દ્રનગર જિલ્લામાં વેપારીઓ દ્વારા સારો પ્રતિભાવ આપવામાં આવ્‍યો હતો અને સુરેન્‍દ્રનગર જિલ્લાના વઢવાણ અને આજુબાજુના ગામો પણ સ્‍વયંભુ બંધ રાખવામાં આવ્‍યા હતા હાલ પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે વેપારી અને મધ્‍યમ વર્ગ બંનેના ખીચાનો ભાર હલકો થાય છે આજે પણ પેટ્રોલ ૮૦.૪૨ અને ડીઝલના ભાવ ૭૮.૬૮ થયાં હતાં ત્‍યારે આજ સવારથી જ ચુસ્‍ત પણે સુરેન્‍દ્રનગર બંધ રહ્યું હતું.

ઉના

 ઉનાઃ વર્તમાન કેન્‍દ્ર સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં વિશ્વ બજારમાં ક્રુડના ભાવ ઘટતા હોવા છતા ભારતમાં પેટ્રોલ-ડીઝલ, ગેસના ભાવમાં કમ્‍મરતોડ ભાવ વધારો કરતા જતા હોય પ્રજાનું બજેટ ખોરવા જાય છે. તથી ૧૦/૧૮નાં ભારત બંધના એલાનનો કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્‍યું છે ત્‍યારે ઉના શહેર તથા તાલુકાના ગામડાઓ તથા ગીરગઢડા ગામ અને તાલુકાના ગામડાઓ આ બંધમાં જોડાય તે માટે ઉનાના ધારાસભ્‍ય પુંજાભાઇ વંસ દ્વારા લોકોને વેપારીઓને કામ ધંધા બંધ રાખી પેટ્રોલ-ડીઝલ, ગેસના ભાવ વધારાનો વિરોધ કરવા અપીલ કરતી પત્રીકા વિતરણ કરી વેપારીઓને વિનંતી કરી છે.

તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ, યુવક કોંગ્રેસ એનએસયુઆઇ, અને મહિલા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકર્તાઓ ઉના શહેર તાલુકાના સર્વે દુકાનદારો, વેપારીઓ, ગલ્લા ધારકોને એક દિવસ ધંધા રોજગાર બંધ રાખી ભારત બંધનું એલાન સફળ બનાવવાં અપીલ કરી હતી.

જામનગર

જામનગર : આજે કોંગ્રેસ સહિતના વિપક્ષો દ્વારા ત્રણ મુદ્દાઓને લઇને ભારતબંધનું એલાન આપવામાં આવ્‍યું છે. જેને પગલે જામનગર શહેર તેમજ આસપાસના તમામ શાળાઓ અને કોલેજો સ્‍વૈચ્‍છિક રીતે જ બંધમાં જોડાઇ અને બંધને સમર્થન આપ્‍યું હતું. તો એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસની ટીમના તોૈસીફખાન પઠાણ અને મહિપાલસિંહ જાડેજા સહિતની ટીમ જે શાળાઓ અને કોલેજો ચાલુ હતી ત્‍યાં પણ શાળાઓ બંધ રાખવા માટે અપીલ કરી હતી. બંધમાં જામનગરની શાળાઓ અને કોલેજોને બંધમાં સફળતા મળી છે.

જામનગર

જામનગરઃ AICC દ્વારા ‘‘ભારત બંધનું એલાન'' કરવામાં આવ્‍યું છે. ઇન્‍ટરનેશનલ બજારમાં ક્રુડ ઓઇલનો સતત ભાવ ઘટાડો થતો હોવા છતાં ભારત સરકારની નાકામ નિતીના કારણે દિન પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલનો અસહય ભાવ-વધારો થતો રહે છે, જેના કારણે જીવન-જરૂરીયાતની તમામ વસ્‍તુ અસહ્ય મોંઘવારીનો માર સામાન્‍ય તથા ગરીબ માણસોને ભોગવવો પડે છે.

તથા ગુજરાત સરકારની ખેડુત વિરોધી નિતિઓથી ગરીબ ખેડુતો આત્‍મહત્‍યા કરવા મજબુર થઇ રહ્યા છે, જે રાજયોમાં કોંગ્રેસની સરકાર છે, ત્‍યાં ખેડુના દેવા માફ કરવામાં આવે છે અને ગુજરાતમાં છેલ્લા ૨૩ વર્ષથી ભાજપની સરકાર હોય કયારેય પણ દેવુ માફ કરવામાં આવેલ નથી તેમજ મોટા ઉદ્યોગપતિની લોનો સરકાર દ્વારા માફ કરવામાં આવે છે, પણ ગરીબ ખેડુત તથા આમ જનતા માટે ભાજપ સરકારની બેવડી નીતી કેમ? તેના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર ભારત બંધનું એલાન કરવામાં આવ્‍યું છે.

વિસાવદર

વિસાવદરઃ સોમવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના કમરતોડ ભાવ વધારા બાબતે આપવામાં આવેલ ભારત બંધના એલાનમાં વિસાવદર તાલુકા કોંગ્રેસ પક્ષના તમામ હોદેદારો, કાર્યકર્તાઓએ તાલુકા/જિલ્લા પંચાયતના તમામ સભ્‍યો તેમજ નગરપાલિકાના સભ્‍યોએ સવારે ૯ કલાકે રાણાબાપાની આંબલી નીચે, વિસાવદર ખાતે હાજર રહ્યા હતા. ભારત બંધના એલાન અનુસરા વિસાવદર શહેર તથા તાલુકાની તમામ શાળા કોલેજ ધંધા રોજગાર બંધ પાળે તેવી શાળા સંચાલકો હીરા વેપારીઓ અને માર્કેટીંગ યાર્ડના વેપારીઓને વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઇ વાડોદરિયા દ્વારા અપીલ કરાઇ હતી.

ધોરાજી

ધોરાજીઃ શહેર આજે બંધ રહેલ છે અને લોકોએ સંપૂર્ણ બંધ રાખી મોઘવારીનો વિરોધ વ્‍યક્‍ત કોળ અને મહીલાઓના બજેટ પણ ખોળવાયેલ છે વિપક્ષ દ્વારા ૧૦ મીએ બંધ માટે જણાવેલ કે દેશમાં પેટ્રોલ-ડિઝલની કિમતનો ભાવ વધારો દેશભરના ખેડુતોની લોન માફી અને ખેત ઉત્‍પાદનના સક્ષમભાવો નથી મળતા તેના વિરોધમાં દેશ બંધને પગલે ધોરાજી બંધ રહેલ છે જેમાં જેતપૂર રોડ બજારો સ્‍ટેશન રોડ વગેરે બંધ રહેલ અને બંધને પગલે ધોરાજીમાં પોલીસ દ્વારા ધોરાજીના  પીઆઇ ઝાલા પીએસઆઇ સહીત પોલીસ સ્‍ટાફ અને જીઆરડીના જવાનોએ સુસ્‍ત બંદોબસ્‍ત જાળવેલ છે અને મોટા ભાગની  શાળા કોલેજો ચાલુ છે.

(11:55 am IST)