Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

મોરબી સિરામિકના ૬૫૦ જેટલા સિરામિક એકમો આજથી એક માસ સુધી બંધ રહેશે.

૧૫ ઓગસ્ટથી ડીસ્પેચ પણ સંપૂર્ણ બંધ રહેશે

મોરબી સિરામિક ઉધોગ અનેકવિધ સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છે સિરામિક યુનિટમાં વપરાતા નેચરલ ગેસના ભાવોમાં તોતિંગ વધારો, કોલસાના ભાવો ઉપરાંત રો મટીરીયલ્સ ભાવો, ભાડામાં વધારો અને શીપીંગ કન્ટેનરના ભાવોમાં વધારાથી પરેશાન સિરામિક ઉદ્યોગને એક માસ સંપૂર્ણ બંધ કરવાની ફરજ પડી છે અને સિરામિક એસો દ્વારા આજે તા. ૧૦ ઓગસ્ટથી એક માસ માટે સિરામિક એકમોમાં પ્રોડકશન બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

જે મામલે સિરામિક એસોના પ્રમુખ વિનોદભાઈ ભાડજા જણાવે છે કે મોરબી સિરામિક ઉધોગમાં ૮૦૦ થી ૯૦૦ ઉદ્યોગ કાર્યરત છે જે પરપ્રાંતીય ૫ થી ૬ લાખ લોકોને સીધી રોજગારી આપે છે પરંતુ સિરામિક ઉદ્યોગના કોસ્ટિંગમાં સતત વધારો થઇ રહ્યો છે છેલ્લા ૨ વર્ષમાં ગેસના ભાવોમાં અઢીથી ત્રણ ગણો વધારો થયો છે જે ભાવો ૨ વર્ષ પૂર્વે ૨૨ થી ૨૪ રૂપિયા હતા તે ગેસના ભાવો આજે ૭૦ સુધી પહોંચી ગયા છે ફયુલ કોસ્ટમાં વધારો થતા પડતર કીમત વધી છે જેથી ઇન્ટરનેશનલ માર્કેટમાં ચીન જેવા દેશો સામે સ્પર્ધામાં ટકી સકતા નથી ઉપરાંત લોજીસ્ટીક ભાડામાં પણ સતત વધારો થયો છે કન્ટેનર ભાડા ૨૦૦૦ હતા તે હાલ ૭ થી ૮ હજાર ડોલરના ભાવ સુધી પહોંચી ગયા છે જેથી ઉદ્યોગને ૧ મહિનો વેકેશન રાખવામાં આવે તેવો નિર્ણય કર્યો છે લોકલ માર્કેટમાં તો ભાવ વધારી સકાય છે પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ચીન સાથેની સ્પર્ધાને પગલે ભાવો વધારી સકાતા નથી સિરામિક એક્સપોર્ટ ૧૫ હજાર કરોડનું હતું તે આ વર્ષે ૩૦,૦૦૦ કરોડ કરવાનું સ્વપ્ન હતું જોકે હવે તે સ્વપ્ન કદાચ પૂર્ણ નહિ થઇ સકે તેમ પણ જણાવ્યું હતું
જયારે મોરબી સિરામિક એસોના પૂર્વ પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા જણાવે છે કે ૧ વર્ષમાં ૬૫ જેટલા નવા યુનિટ પ્રોડ્કશનમાં આવ્યા છે સાથે જ ક્રુડ ઓઈલ અને ગેસના ભાવોમાં નિરંતર વધારો થઇ રહ્યો છે જેથી ઉધોગ મહામંદી તરફ ધકેલાયો છે જયારે હરીફ દેશોને જુના ભાવમાં ગેસ મળતા તે માર્કેટમાં ફાવી જાય છે ત્યારે ૧ મહિનો ઉદ્યોગ બંધ રહેવાના છે તો ગેસ કંપની પણ ઉધોગની જરૂરિયાતને સમજીને લાંબા ગાળાના એગ્રીમેન્ટ કરી એકધારો વ્યાજબી ભાવે ગેસ પૂરો પાડે તે જરૂરી છે
જયારે સિરામિક એસો પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે ૧ વર્ષમાં શીપીંગ કન્ટેનર ભાડામાં અસહ્ય વધારો થયો છે તે ઉપરાંત રો મટીરીયલ્સના ભાવોમાં ડીઝલના ભાવો વધતા વધારો થતા ઉધોગને બેવડો માર પડ્યો છે સાથે જ રશિયા યુક્રેન યુદ્ધથી યુરોપના બજારમાં પણ ડીમાંડ ઘટી જવાથી તે નુકશાન પણ સહન કરવું પડ્યું છે
આમ સિરામિક ઉદ્યોગમાં વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૨ ના એક વર્ષમાં પડતર કોસ્ટમાં રો મટીરીયલ્સ, ભાડામાં વધારો, ગેસ અને કોલસાના કારણે એક જ વર્ષમાં ૨૫ થી ૩૦ ટકા જેવો પડતર કોસ્ટમાં વધારો થયો છે જેથી સિરામિક ઉદ્યોગે ચાલુ વર્ષે સિરામિક ટાઈલ્સના ભાવમાં વધારો કર્યો હતો જોકે લોકલ માર્કેટમાં વધારો કરી સકે છે જયારે ઇન્ટરનેશનલ માર્કેટમાં વધારો કરી શકાતો નથી અને એક્સપોર્ટ પર તેની સીધી અસર પડશે

(12:40 am IST)