Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ફરીદકોટ જેલમાં રહેલ હિસ્ટ્રી શીટરે મંગાવ્યુ 376 કરોડનું ડ્રગ્સ ! : ATSએ ગેંગસ્ટરની ધરપકડ કરતાં મોટા ખુલાસા થવાની શક્યતા

બગાખાનની પોલીસે ટ્રાન્ઝિટ વોરંટ મેળવી ભુજની સ્પેશ્યલ એન.ડી.પી.એસ. કોર્ટ ખાતે રજૂ કરતા કોર્ટે નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ભુજ તા.10 : મુન્દ્રાના ખાનગી કન્ટેઈનર ફ્રેઈટ સ્ટેશનમાં પડેલાં કન્ટેઈનરમાંથી ઝડપાયેલાં ૩૭૬ કરોડ ૫૦ લાખની કિંમતના ૭૫.૩૦ કિલોગ્રામ હેરોઈનના કેસમાં ગુજરાત એટીએસએ પંજાબના કુખ્યાત ગેંગસ્ટર બુટાખાન ઊર્ફે બગ્ગાખાનની ધરપકડ કરી છે. પંજાબ પોલીસે આપેલી બાતમીના આધારે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ અને પંજાબ પોલીસની સંયુક્ત ટૂકડીએ CFSમાં તપાસ હાથ ધરી હતી.

કચ્છના મુન્દ્રામાંથી ગત મહિને પકડાયેલ રૂ. 376 કરોડના હેરોઇન કેસમાં ગુજરાત એ.ટી.એસ. દ્વારા કુખ્યાત ગેંગસ્ટરની ધરપકડ કરવામાં આવી છે. ફરીદકોટ જેલમાંથી લાવવામાં આવેલા આ હિસ્ટ્રી શીટરની ધરપકડ થતાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા દેખાઈ રહી છે.
જુલાઈ મહિનામાં પંજાબ પોલીસ તરફથી ગુજરાત એ.ટી.એસ.ને બાતમી આપવામાં આવી હતી કે મુન્દ્રા પોર્ટ ખાતે એક સંદિગ્ધ કન્ટેનર છેલ્લા દોઢ બે મહિનાથી પડેલ છે અને તેમાં માદક પદાર્થનો જથ્થો હોવાની શકયતા છે અને આ કન્ટેનર મુદ્રાથી પંજાબ ખાતે ડીલીવરી થનાર છે. બાતમીના આધારે એ.ટી.એસ.ની એક ટુકડી દ્વારા મુન્દ્રાના ઓલ કાર્ગો સી.એફ.એસ (કન્ટેઇનર ફ્રેઇટ સ્ટેશન) ખાતે દરોડો પાડ્યો હતો.

ત્યાંના એક શંકાસ્પદ કન્ટેઇનરની ઝડતી લેતા, તેમાં 540 રોલમાં વીંટાળેલ લગભગ ચાર હજાર કિલોગ્રામ કાપડ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું. રોલની ઝીંણવટભરી તપાસ કરતા 64 રોલની અંદરથી 75.300 કિલોગ્રામ હાઈ પ્યોરીટી હેરોઇન મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિં રૂ. 376.5 કરોડની થાય છે. આ મામલામાં પોલીસે કાપડના રોલ મંગાવનાર દીપક કિંગર નામના આરોપીની ધરપકડ કરી હતી.

તો આ કેસમાં બીજી ધરપકડ કરતાં એ.ટી.એસ. દ્વારા બુટ્ટાખાન ઉર્ફે બગાખાન ગુજ્જરની ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે ડ્રગ્સ મંગાવવામાં બગાખાનની મહત્વની ભૂમિકા રહી હતી. ફરીદકોટ જેલમાં સજા ભોગવી રહેલા બગાખાનને પોલીસે ટ્રાન્ઝિટ વોરંટ મેળવી આજે મંગળવારે ભુજની સ્પેશ્યલ એન.ડી.પી.એસ. કોર્ટ ખાતે રજૂ કરતા કોર્ટે નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આરોપીની વાત કરીએ તો બગાખાન વિરુદ્ધ માદક પદાર્થો સંદર્ભે પાંચ કેસ ઉપરાંત મર્ડર અને ડકૈતી જેવા વિવિધ 45 ગુના નોંધાયેલા છે. મુન્દ્રામાંથી પકડાયેલ ડ્રગ્સ તેણે જેલમાં બેઠા બેઠા મંગાવ્યું હોવાનું એ.ટી.એસ. દ્વારા કોર્ટને જણાવાયું હતું. બગાખાન જેલમાં સ્માર્ટફોન વાપરી રહ્યો હતો અને વોટ્સએપના માધ્યમથી ચેટ અને ફોન કરી તેણે ડ્રગ્સ મંગાવ્યો હતો.

ગુજરાત એ.ટી.એસ. તરફથી કચ્છના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે જે રીતે જેલમાંથી આ આરોપી ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહ્યો હતો તે રીતે આનો ત્રાસવાદી સંગઠનો સાથે પણ કનેક્શન છે. ડ્રગ્સ મંગાવવા તેમજ તેના પૈસા પૂરા પાડવા માટે આ શખ્સની મુખ્ય ભૂમિકા રહી છે. ઉલ્લેખનીય છે કે તેના ફોનની તપાસ કરતા તેમજ તેની વ્યક્તિગત પૂછપરછમાં અનેક નવા ખુલાસા થવાની શક્યતા છે.

 

(11:14 pm IST)