Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ઉલટી ગંગા

દ્વારકામાં પતિને પત્નીએ ધોકાવી નાખ્યો : લોહી લુહાણ કરી નાખતા હોસ્પિટલમાં દાખલ

દ્વારકા તા. ૧૦ : દ્વારકામાં જાણે ઉલટી ગંગા વહી હોય તેમ પત્ની દ્વારા પતિને બેફામ માર માર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં પતિને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.

આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ, દ્વારકાના ભથાણ ચોક વિસ્તારમાં એક ટોકીઝ પાસે રહેતા જીતેન્દ્રભાઈ ભાણજીભાઈ પરમાર નામના ૨૭ વર્ષના યુવાનના પત્ની ઉર્મિલાબેન (ઉ. વ. ૨૫) પોતાનો મોટો દીકરો રડતો હતો, તેમ છતાં પણ તેને માર મારતી હતી. જેથી ઉર્મિલાબેનને જીતેન્દ્રભાઈએ દીકરાને નહીં મારવા માટે કહ્યું હતું. જેનાથી ઉશ્કેરાઈને તેમના પત્નિ ઉર્મિલાબેને પોતાના પતિને બિભત્સ ગાળો કાઢી, ઝપાઝપી કરી હતી.

આ દરમિયાન ઉર્મિલાબેન હાથમાં કપડાં ધોવાનો ધોકો આવી જતા તેણીએ જીતેન્દ્રભાઈને આ લાકડાનો ધોકો ફટકારી દેતાં તેમને માથામાં ટાકા આવતાં લોહીલુહાણ હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે પતિની ફરિયાદ પરથી પત્ની સામે ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:16 pm IST)