Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

માળીયામિંયાણામાં પોણા ત્રણ - જામજોધપુરના પરડવામાં પોણા ૨ ઇંચ વરસાદ : ધુપ-છાંવ યથાવત

વહેલી સવારે વાદળા છવાયા બાદ મિશ્ર વાતાવરણનો માહોલ

ગોંડલ : ગોંડલમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

રાજકોટ તા. ૧૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ સાથે હળવો - ભારે વરસાદ પડી રહ્યો છે.

છેલ્લા ૨૪ કલાકમાં માળીયામિંયાણામાં પોણા ત્રણ ઇંચ, જ્યારે જામજોધપુરના પરડવામાં પોણા ૨ ઇંચ વરસાદ પડયો હતો.

આજે સવારે બેથી ત્રણ કલાક વાદળા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં છવાયા બાદ ૧૧ વાગ્યાથી ધુપ-છાંવનો માહોલ છે.

મોરબી

મોરબી : મોરબી જિલ્લામાં મેઘમહેર સતત જોવા મળી રહી છે. જેમાં આજે માળીયા પંથકમાં સાંજ સુધીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લામાં આજે માળીયા તાલુકામાં સવારના છથી સાંજે ૬ સુધી ૬૯ મીમી એટલે કે પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે મોરબીમાં ૨ મીમી અને વાંકાનેરમાં ૫ મીમી વરસાદ વરસ્યો હતો.

જામનગર

જામનગર : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પરડવામાં પોણા ૨ ઇંચ જ્યારે હડીયાણા, લતીપુર, સમાણા, શેઠવડાળા, ધુનડા અને ધ્રોલમાં હળવા - ભારે ઝાપટા પડયા છે.

ખંભાળીયા

ખંભાળીયા : દેવભૂમિ જિલ્લામાં ગત ૬-૮થી વરસાદી વાતાવરણ સતત ચાલુ રહ્યું છે. સૂર્ય પ્રકાશ સાથે વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. બે દિવસમાં ખંભાળીયામાં દોઢ ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે કલ્યાણપુર તાલુકામાં એક ઇંચ તથા દ્વારકા અને ભાણવડમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.

કલ્યાણપુરમાં કુલ વરસાદ ૧૨૮૮ મીમી, ખંભાળીયામાં ૧૬૪૩ મીમી તથા દ્વારકામાં ૮૪૩ અને ભાણવડમાં ૧૨૭૧ મીમી વરસાદ પડયો છે.

તમામ ડેમો, ચેકડેમો, તળાવો ઓવરફલો થઇ જતા સ્થિતિ એવી છે કે ઠેરઠેર ખળખળાટ વહેતા ઝરણા તથા નદી અને ચેકડેમના ઓવરફલોથી નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે તથા હાલ ફરવાના - યાત્રાધામો બંધ હોય લોકો આવા પ્રાકૃતિક સ્થળની મોજ માણી રહ્યા છે.

(12:51 pm IST)