Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં જન્માષ્ટમી પર્વમાં ધર્મસ્થાનો-ફરવા લાયક સ્થળો બંધ

કોરોના મહામારીમાં લોકો ઉમટી ન પડે તે માટે જુદી-જુદી જગ્યાઓએ લોકમેળા-શોભાયાત્રા સહીતના કાર્યક્રમો રદ

પ્રથમ તસ્વીરમાં ધોરાજીમાં તથા બીજી અને ત્રીજી તસ્વીરમાં વાંકાનેરમાં મળેલી મીટીંગમાં આગેવાનો-કાર્યકરો નજરે પડે છે. (તસ્વીરઃ કિશોર રાઠોડ (ધોરાજી) નિલેશ ચંદારાણા-વાંકાનેર)

રાજકોટ, તા., ૧૦: રાજયમાં કોરોના મહામારીના પગલે ગુજરાત, સૌરાષ્ટ્રભરના હાથલા શનિધામ, ડાકોર, જલારામ મંદિર, ખોડલ ધામ, ભુરખીયા હનુમાનજી સહીતના અનેક તીર્થ સ્થાનો ભાવીકો માટે બંધ કરવામાં આવ્યા છે.

ત્યારે હજુ પણ અનેક તીર્થસ્થાનોમાં જાહેર રજા નિમિતે ભાવીકો ઉમટે નહી. કોરોનાનું સંક્રમણ ફેલાય નહી તેની તકેદારી રાખતા સાવચેતીના પગલા સ્વરૂપે વિવિધ ધર્મસ્થળોના દર્શન બંધ રહેશે.

શ્રી જલારામ બાપા મંદિર-વિરપુર, કાગવડમાં ઓલ શ્રી ખોડલધામ મંદિર, દામનગર શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર, જામનગર શ્રી મોટી હવેલી, શ્રી ઇસ્કોન મંદિર, રાજકોટ-રતનપરનું શ્રી રામજી મંદિર સહીતના ધર્મસ્થાનો તથા ફરવા લાયક સ્થળો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

વાંકાનેર

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેરઃ શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમીતીની મીટીંગ આજ રોજ સમીતીના અધ્યક્ષ યુવરાજ શ્રી કેશરીદેવસિંહજી ઝાલાના નેતૃત્વ હેઠળ મળી હતી. સોશ્યલ ડીસન્ટન્ટ અને માસ્ક સાથે સમીતીના સર્વે સદસ્યો ઉપરાંત વાંકાનેરના પ્રસિધ્ધ મંદિર શ્રી રઘુનાથજી ભગવાન મંદિરના મહંતશ્રી છબીરામદાસજી મહારાજના આશીર્વાદ સાથે પધારેલા તેમના પ્રતિનિધિ રેવાદાસ હરીયાણી, શ્રી ગાયત્રી શકિત પીઠના સર્વે સર્વા અશ્વીનભાઇ રાવલ, શ્રી નાગાબાવાજીની જગયાના શ્રી ખુશાલગીરી બાપુ, રાજપુત સમાજના પ્રમુખશ્રી વજુભા સજુભા ઝાલા, વિશ્વ હિન્દુ પરીષદના પ્રમુખ સંજયભાઇ નાગ્રેચા, અમરશીભાઇ મઢવી, દિનેશભાઇ રાવલ, ગુજરાત માટી કામ કલાકારી બોર્ડના ડીરેકટર સુરેશભાઇ પ્રજાપતી તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઇ ડાંગરેચા, મહામંત્રી-હીરાભાઇ બાંભવા, કાળુભાઇ કાકરેચા, મહાવીરસિંહ ઝાલા, પરેશભાઇ મઢવી, અનિરૂધ્ધસિંહ ઝાલા, ભરતભાઇ ઓઝા, જનકસિંહ ઝાલા, નગરસેવક અમુભાઇ ઠાકરાણી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રસીકભાઇ વોરા, કિશોરભાઇ ભટ્ટી, મનુભા રાણા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

કાર્યક્રમના પ્રારંભે ભગવાનશ્રી કૃષ્ણની તસ્વીર સમક્ષ દિપ પ્રાગટય અને ઉપસ્થિત મંદિરનો મહંતશ્રીઓના આર્શીવચન બાદ જન્માષ્ટમી મહોત્સવ સમીતીના અધ્યક્ષ યુવરાજશ્રી કેશરીદેવસિંહજી ઝાલાએ પોતાના પ્રવચનમાં જણાવેલ કે વર્તમાન સ્થિતિમાં સમગ્ર વિશ્વને કોરોનાએ ભરડો લીધો છે અને આ રોગથી બચવા મુખ્યત્વે સોશ્યલ ડીસન્ટન્ટ અને માસ્ક અતી જરૂરી બની ગયું છે અને આ વાતને લઇને સરકારશ્રીએ પણ પોતાની ગાઇડ લાઇન જાહેર કરી મેળા-શોભાયાત્રા કે ધાર્મિક સામાજીક પ્રસંગોમાં મેળાવડા ટાળવા સહીત માર્ગદર્શન જાહેર કર્યુ છે. તેનો આપણે પણ અમલ કરી પ્રજાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આ વર્ષ જન્માષ્ટમીની શોભાયાત્રા રદ કરવામાં આવી છે.

આપણી પરંપરાને પ્રાધ્યાન આપી પ્રસિધ્ધ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરે સવારે નિયત સમયે મહારાણા રાજશ્રી દિગ્વીજયસિંહજી ઝાલા અને શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમીતીના સભ્યોની ઉપસ્થિતિમાં સોશ્યલ ડીસન્ટન્ટ જાળવી માત્ર ભગવાનશ્રી કૃષ્ણની પ્રતિમાનું પુજન કરી, નંદલાલાનો જન્મોત્સવ મનાવશુ સાથે રાજપેલેસ પાછળ શ્રી શીતળા માતાજી અને શ્રી ધોેળશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા સાતમ-આઠમ-નોમનો મેળો પણ બંધ રાખવામાં આવ્યો હોવાનું જણાવેલ. આભારવિધિ વિહીપ પ્રમુખ સંજય નાગ્રેચાએ કરેલ.

ધોરાજી

(કિશોર  રાઠોડ દ્વારા) ધોરાજીૅં ધોરાજી માં જન્માષ્ટમી શોભાયાત્રા કે લોકમેળો નહીં યોજાય તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના એક પણ તહેવાર હાલમાં કોરોના મહામારી ના સમયમાં નહીં યોજાય તે બાબતે ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા તેમજ પોલીસ ઈન્સપેકટર વિક્રમસિંહ જાડેજાએ કડક શબ્દોમાં ના પાડી દીધી છે

ધોરાજીમાં વર્ષોથી પરંપરાગત ઉજવાતો જન્માષ્ટમી લોકમેળો અને સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી પહેલા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શોભાયાત્રાની જો પહેલ કરી હોય તો તે ધોરાજી છે જન્માષ્ટમી ભવ્ય શોભાયાત્રા જે આ વર્ષે નહીં યોજાય.

ધોરાજીના મામલતદાર કિશોર જોરાપુરા એ જણાવેલ કે ધોરાજીમાં હિન્દુ મુસ્લિમ સમાજના એક પણ તહેવારો જાહેરમાં ઉજવી નહીં શકાય જે બાબતે રાજકોટ જિલ્લા કલેકટર શ્રી નું જાહેરનામું છે તેમજ ધોરાજીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે શોભાયાત્રા માં રથ તેમજ અન્ય વાહનો સાથે નીકળવાની પરવાનગી માંગી હતી જે પરવાનગી નહીં આપતા ફરી પાછી અરજી કરીને માત્ર રથની મંજૂરી માંગી હતી તે પણ અરજી ધોરાજી મામલતદારે નામંજૂર કરી છે

જે અંગે ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા એ જણાવેલ કે ધોરાજી મામલતદાર કચેરી ખાતે ગઈ તારીખે ૨૧ના રોજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના તમામ તહેવારો ની ઉજવણી નહીં કરવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સર્વને વિનંતી પણ કરવામાં આવી હતી આવા સમયે હિંદુ મુસ્લિમ સમાજના સંસ્થાઓના આગેવાનો એ કોઈપણ -કારનો વિરોધ કર્યો ન હતો અને તમામ આગેવાનોએ સર્વાનુમતે આ બેઠકમાં નિર્ણય કર્યો હતો કે હિન્દુ સમાજ નો તહેવાર જન્માષ્ટમી ગણેશ ઉત્સવ વગેરે તહેવારો નહીં ઉજવીએ તેમજ મુસ્લીમ સમાજના પણ તહેવારો નહીં ઉજવાય જે શોભાયાત્રા નીકળે જે બાબતે પણ સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.

ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર હકુમતસિંહ જાડેજા એ જણાવેલ કે રાજ્ય સરકારના ગૃહ મંત્રાલયના વિભાગમાંથી પરિપત્ર બહાર પાડેલ છે કે ગુજરાત રાજ્યમાં હાલમાં કોરોના ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈપણ સમાજના હિન્દુ કે મુસ્લીમ સમાજના કે અન્ય સમાજના ધાર્મિક મેળાવડા યોજાશે નહીં જેના અનુસંધાને ધોરાજીમાં કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને રાજકોટ જિલ્લા કલેકટરના જાહેરનામાને નિયમનું ચુસ્ત પાલન કરવામાં આવશે જેથી ધોરાજીમાં જન્માષ્ટમી ઉત્સવ લોકમેળો શોભાયાત્રા કે અન્ય કોઈપણ પ્રસંગો યોજાશે નહીં તેમજ ગણેશ ઉત્સવ તેમજ હિંદુ મુસ્લિમ સમાજના કોઈ પણ તહેવારો યોજી શકાશે નહીં જેથી ધાર્મિક પરંપરા મુજબ પોતાના જ નિવાસ સ્થાનની અંદર ધાર્મિક વિધિ દ્વારા પ્રસંગ કરશે પરંતુ જાહેરમાં કોઇ પણ -સંગ ઊજવી શકશે નહીં જેની ધોરાજીના નગરજનોએ નોંધ લેવી

સરકારશ્રીના અને જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેથી ધોરાજીના નગરજનોએ આ બાબતે ગંભીરતાથી નોંધ લેવા વિનંતી.

કયાં કયાં મંદિરો બંધ

* વિરપુર શ્રી જલારામ બાપા મંદિર

* કાગવડ શ્રી ખોડલધામ મંદિર

* દામનગર શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર

* જામનગર શ્રી મોટી હવેલી

* જામનગર શ્રી ઇસ્કોન મંદિર

*રાજકોટ-રતનપર શ્રી રામજી મંદિર

(12:10 pm IST)