Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

સરકારની સંવેદનશીલ જાહેરાતો વચ્ચે કચ્છમાં તંત્રની 'બેપરવાઇ': વધુ ૨૫ કેસઃ કુલ ૭૩૧ કેસઃ ૩૬ મોત સાથે કોરોના બેકાબુ

બદલી ઇચ્છતા અધિકારીના અહમ અને અપમાનિત વર્તનને કારણે કર્મચારીઓ નારાજ, 'નેતા'ઓનું મૌન : કાયદાનો અમલ કરવામાં અને કરાવવામાં થતી ચુકને કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૧૦: કચ્છમાં કોરોનાએ બોલાવેલા સપાટા સાથે સતત પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો. લોકલ ટ્રાન્સમિશન વધ્યું હોઈ કોરોનાનો ભરડો વિસ્તરી રહ્યો છે. વધુ નવા ૨૫ કેસ નોંધાતાં હવે કુલ કેસની સંખ્યા ૭૩૧ થઈ છે. નવા નોંધાયેલા કેસમા અંજાર, ભુજ અને ગાંધીધામ એ ત્રણે શહેરો હવે ધીરે ધીરે વધતા કન્ટેનમેન્ટ ઝોન સાથે હોટસ્પોટ બની રહ્યા છે. તો, બંદરીય શહેર મુન્દ્રામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. ગઈકાલે રવિવારે સાંજ સુધી નોંધાયેલા નવા કેસોમાં અંજારમાં વધુ ૫ કેસ, ગાંધીધામમાં ૯ અને ભુજમાં ૩ કેસ નોંધાયા છે જયારે ભચાઉમાં ૩, મુન્દ્રામાં ૩ અને રાપરમાં ૧ કેસ નોધાયો છે. એકિટવ કેસ વધીને ૨૨૧ થયા છે. તો, વધુ ૧૮ દર્દીઓને રજા આપાતા સાજા થનાર દર્દીઓની સંખ્યા ગઈકાલ રવિવાર સુધીની ૪૭૪ થઈ છે. શનિવારે એક જ દિવસમાં ત્રણ મોત નોંધાતા ગઈકાલ સુધીનો મૃત્યુ આંક ૩૬ છે.

લોકોની ફરિયાદ પછીયે 'પોઝીટીવ'પરિવાર ફરતો રહ્યો

રાજય સરકાર સંવેદનશીલ છે, એવી સતત જાહેરાતો સાથે કોરોનાનું સંક્રમણ અટકાવવાવાની અને જનહિતમાં પગલાં ભરવાની વાતો કરે છે. પણ, કચ્છમાં વાસ્તવિક ચિત્ર ઊંધું છે. આંકડાકીય માયાજાળ સાથે સરકારને કયાંકને કયાંક દર્દીઓની માહિતી, મોતની સંખ્યા વિશે અલગ ચિત્ર દર્શાવાઇ રહ્યું છે. દરરોજ લેવાતાં સેમ્પલ, પોઝિટિવ દર્દીઓ અને કોરોનાને કારણે થતા મોત સામે ફરિયાદો પછીયે સંકલન અને કામગીરીનો અભાવ કચ્છમાં વરતાઈ રહ્યો છે. પરિણામે કયાંક ને કયાંક લોકોની બેદરકારી વધી છે, તો કયાંક ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓને અધિકારીઓ વચ્ચેના સંકલનનો અભાવ પણ નડે છે. જોકે, કર્મચારીઓમાં થતી ગુસપુસને સાચી માનીએ તો બદલી ઇચ્છતા એક અધિકારીનો અહમ અને અપમાનિત વર્તન ચર્ચાનો વિષય બન્યો છે. ભુજમાં સ્ટેશનરીનો વ્યવસાય ધરાવતા જૈન પરિવારના વડીલને કોરોના થયા બાદ તેમનો પરિવાર બેરોકટોક ફરતો રહ્યો, સોસાયટીના રહેવાસીઓએ ડીડીઓને ફરિયાદ કરી પણ કઈ ન થયું. જોકે, કોરોનાએ જાતે જ પોત પ્રકાશ્યુ અને એ પરિવારને બેદરકારી નડી, તેમના વધુ ત્રણ સભ્યોને કોરોના થયો. એ જ રીતે માંડવીમાં વાલ્મિકી સમાજની પાંચ મહિલાઓને કોરોના થયો પણ તેઓ હોસ્પિટલમાં દાખલ થયા નહીં. તંત્ર પ્રત્યે અવિશ્વાસને કારણે મહિલાઓએ પહેલાં લિસ્ટમાં નામ દાખલ કરાવવા કહ્યું. દરમ્યાન એક મોત પણ થયું હોવાની વાત સામે આવી. જોકે, આ સમગ્ર મામલે અત્યારે આગેવાનોની સમજાવટ ચાલુ છે. સ્થાનિકે મુન્દ્રાના તાલુકાના આરોગ્ય અધિકારી સામે અનેક ફરિયાદો છે, લખપત તાલુકાના આરોગ્ય અધિકારી સામે પણ ફરિયાદો થઈ ચૂકી છે. ભુજની કોવિડ હોસ્પિટલમાં પણ સારવાર સામે જરૂરી દવાઓ અને ઇન્જેકશન અંગેની ફરિયાદ થઈ ચૂકી છે. ફિલ્ડમાં કામ કરનારાઓ ઉપર વધારાનો બોજો લાદવામાં આવે છે. સમય નાજુક હોઈ સતત ઉભે પગે કામ કરતા કર્મચારીઓના પ્રશ્નો પણ સાંભળવા જરૂરી છે. કારણકે, અંતે કયાંકને કયાંક કામમાં વરતાતી નારાજગીનો ભોગ અંતે તો આમ આદમી જ બને છે. આદ્યાતજનક વાત એ છે કે, ભાજપના નેતાઓ મૌન છે, પરિણામે કોરોનાના ખોફ વચ્ચે રાજય સરકારની સંવેદના કચ્છમાં વરતાતી નથી એ હકીકત છે.

(11:14 am IST)