Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

અંજારના દૂધઇથી ભુજના રૂદ્રમાતા સુધી કેનાલને બદલે પાઇપ લાઇનથી નર્મદાનું પાણી પહોંચાડવા સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ

૧૩ ગામોના લોકોએ લડતની ચીમકી સાથે મૂળ યોજના પ્રમાણે જ કેનાલથી પાણી આપવા કરી માંગ : ભુજ, અંજારના ધારાસભ્યોને આવેદન અપાશે : કોંગ્રેસે પણ મૂળ આયોજનની ગ્રાન્ટ અનુસાર જ કામ કરવાની માંગ સાથે ખેડૂતોને આપ્યો ટેકો

ભુજ તા. ૧૦ : કચ્છના હક્કનું નર્મદાનું પાણી પહોંચાડવામાં સરકાર દ્વારા થઈ રહેલા વિલંબ સામે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતો ભારતીય કિસાન સંઘ અને નર્મદા જળસંકટ નિવારણ સમિતિના નેજા તળે અવારનવાર ઉગ્ર રોષ પણ વ્યકત કરી ચુકયા છે.

તો, કચ્છ ભાજપના વરિષ્ઠ નેતાઓ પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી નર્મદાના પાણી પહોંચાડવામાં હવે ઢીલ થશે તો કચ્છની ભાવિ પેઢી હવે ભાજપને માફ નહીં કરે તેવું કઠોર નિવેદન આપી ચુકયા છે. એ જ રીતે પૂર્વ રાજયમંત્રી તારાચંદભાઈ છેડાએ પણ નર્મદાના પાણી કચ્છમાં પહોંચાડવા માટે સરકારની ઇચ્છશકિત ન હોવાની વર્તમાન સરકાર સામે નિર્દેશ કરી પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર બાદ કામ ન થયું હોવાનું કહી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ બાબતે પત્ર પણ લખ્યો હતો.

જોકે, પક્ષના નેતાઓના ઉગ્ર પ્રત્યાઘાતો બાદ હરકતમાં આવેલી રાજય સરકારે સળવળાટ કરી જમીન સંપાદનનો પેચીદો પ્રશ્ન ઉકેલવા પ્રયાસ તો શરૂ કર્યો છે. પણ, હવે વળી બીજું નવું વિઘ્ન ઉભું કર્યું છે. મૂળ યોજના પ્રમાણે દૂધઈ (અંજાર) થી રુદ્રમાતા (ભુજ) સુધી ૪૫ કીમી સુધી બ્રાન્ચ કેનાલથી પાણી પહોંચાડવા અને તે માટે ફાળવાયેલ રૂપિયાની જોગવાઈ હોવા છતાંયે તેમાં એકાએક ફેરફાર કરાયો છે.

હવે અચાનક સરકારે ૪૫ કીમી સુધીના વચ્ચેના વિસ્તારમાં કેનાલને બદલે પાઈપલાઈનથી પાણી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભે ૧૩ ગામોના ગામલોકોએ ગઈકાલે બેઠક યોજીને ઉગ્ર વિરોધ વ્યકત કર્યો છે. ૧૩ ગામો જવાહરનગર, ખેંગારપર, ધરમપર, ઉમેદપર, લોડાઈ, કેશવનગર, ધ્રન્ગ, ઢોરી, સુમરાસર, કોટાય, ખીરસરાના સરપંચોએ ભારતીય કિસાન સંઘની કેનાલ વાટે પાણી પહોંચાડવાની મૂળ યોજનાને ટેકો આપી સામુહિક સુરે પાઈપલાઈનથી પાણી આપવાની યોજનાનો ઉગ્ર વિરોધ કરી જરૂર પડ્યે લડતની ચેતવણી ઉચ્ચારી છે.

આ બાબતે અંજારના ધારાસભ્ય અને રાજયમંત્રી વાસણ આહીર અને ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યને આવેદનપત્ર અપાશે. આ સંદર્ભે કચ્છ કોંગ્રેસ વતી પ્રતિક્રિયા આપતા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજય સરકારે મૂળ નર્મદા યોજના પ્રમાણે કેનાલથી પાણી આપવું જોઈએ. આ અંગે નાણાકીય ફાળવણી અને જોગવાઈ કરી દેવાયા બાદ રાજય સરકાર જાતે જ પોતાના નિર્ણયમાં ફેરફાર કરે તે અયોગ્ય અને અન્યાયિક છે. કોંગ્રેસ ખેડૂતો અને ગામલોકોની સાથે છે.

જોકે, આ ૪૫ કીમી વિસ્તારમાં કેનાલ માટે પૂરતી જમીન ઉપલબ્ધ હોવા છતાંયે એકાએક પાઈપલાઈન નાખવા માટે સરકારે કરેલા નિર્ણય સંદર્ભે લોકોમા સરકારના નિર્ણય સામે આશ્યર્ય ફેલાયું છે.

(12:07 pm IST)