Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

વાંકાનેરમાં ૭ ઇંચઃ મચ્છુ-૧ પુરો ભરાઇ જવાની સંભાવનાઃ લોકોને એલર્ટ કરાયા

પતાળીયા અને મચ્છુ નદી બેકાંઠે

વાંકાનેર તા. ૧૦ :.. વાંકાનેરમાં શુક્રવારની સવારથી શરૂ થયેલ વરસાદથી ર૪ કલાક માં ૭ ઇંચ પાણી વરસી ગયુ છે. જયારે વાંકાનેર નજીકનો ૪૯ ફુટની સપાટી ધરાવતો અને વિશાળ જળરાશીની ક્ષમતા ધરાવતો મચ્છુ-૧ ડેમ ઉપરવાસના સતત વરસાદે ભારે આવકને પગલે ૪૬ ફુટ જેટલો ભરાઇ ચુકયો છે. અને ૪૩૩૩પ કયુસેકની સતત આવકને પગલે આજે જ પુરો ભરાઇ જવાની સંભાવના હોઇ, તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

હાલ વાંકાનેર શહેરમાંથી પસાર થતી નદીઓ પતાળીયા અને મચ્છુ નદીમાં પુર જોવા મળે છે. આવતીકાલે મોરબી જળ હોનારતની તિર્થી હોઇ, લોકોમાં ભય જોવા મળી રહયો છે.

હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

વાંકાનેર પંથકમાં શ્રીકાર વરસાદથી નદી-નાળા-ચેક ડેમો છલોછલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ર૪ કલાકથી અવિરત ચાલુ રહેલો વરસાદ શહેરમાં ૭ અને ગ્રામ્ય વિસ્તારમાં ૮ થી ૯ ઇંચ જેટલો વરસાદ થયાના વાવડ મળી રહ્યા છે.

સવારે સવા દસ વાગ્યે પણ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. સમગ્ર પંથકમાં ચાલુ રહેવા વરસાદને પગલે શહેર મધ્યેથી પસાર થતી મચ્છુ નદી અને પતાળીયા નદીમાં બેકાંઠે વહી રહી છે. સતત વરસાદને પગલે હાઇવે પરના રેલ્વે બ્રીજ નીચે પણ પાણીનો ભરાવો થતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે યાતના ભોગવી રહ્યા હતાં.

શહેરમાં જયારે નવા રોડ બનવાથી શેરીનું લેવલ નીચે રહી જતા ઘણી શેરીઓમાં ગોઠળ ડુબ પાણી ભરાયા છે. મચ્છુ ડેમ એક ઉપર પણ ર૪ કલાકથી વરસાદ વરસી રહયા છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઇને મચ્છુ ડેમ-૧ માં મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો આવી રહ્યો છે.

ભારે વરસાદને પગલે કેરાળા ગામે જતા રસ્તા ઉપર પાણી ફરી વળતા અવર જવર બંધ થઇ ગયાની ફરીયાદ મામલતદાર ઓફીસના કંટ્રોલ રૂમમાં નોંધાઇ છે. આ ઉપરાંત જાલીડા-વસુંધરા વચ્ચેના કોઝવે ઉપર પાણી આવતા રસ્તો બંધ થઇ ગયો છે જોધપર ગામના નિચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ભરાયા હોવાની ફરીયાદો કંટ્રોલમાં નોંધાઇ છે.

(1:18 pm IST)