Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

સૌરાષ્ટ્ર - કચ્છમાં સાર્વત્રિક ૮ થી ૧૦ ઈંચ ખાબકશે

આજે આખો દિવસ મેઘરાજા તોફાની બેટીંગ કરશે: ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટ - પોરબંદર - દ્વારકા - જામનગર - જૂનાગઢ - ભાવનગર જિલ્લામાં મેઘો રૌદ્ર સ્વરૂપ બતાવશે : ઈન્સેટ તસ્વીરમાં છવાયેલા જબ્બર વાદળો વચ્ચે ગુજરાતનો નકશો દેખાતો જ નથી....

રાજકોટ, તા. ૧૦ : બંગાળની ખાડીવાળી સિસ્ટમ્સ મજબૂત બની વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ હાલમાં આ સિસ્ટમ્સ સમગ્ર ગુજરાત ઉપર છવાયેલ છે. જેની અસરથી ગઈકાલથી સમગ્ર સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે. જે શહેરોમાં વરસાદ નહોતો પડ્યો આ સિસ્ટમ્સની અસરથી તે વિસ્તારોમાં પણ મેઘરાજાએ ખરેખરની જમાવટ કરી છે. ગઈકાલની જેમ આજે પણ આખો દિવસ સમગ્ર સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે. આજે સાંજ સુધીમાં સાર્વત્રિક ૮ થી ૧૦ ઈંચ પાણી પડશે તેવી પૂરેપૂરી સંભાવના છે. ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટ - પોરબંદર - દ્વારકા - જામનગર - જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં મેઘરાજાનું સૌથી વધુ રૌદ્ર સ્વરૂપ જોવા મળશે.

હવામાનની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે કે આજે સાંજ સુધી સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા અવિરત ચાલુ જ રહેશે. સાર્વત્રિક ૮ થી ૧૦ ઈંચ વરસી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

જયારે હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યુ છે કે, બંગાળની ખાડીમાં બનેલ ડિપ્રેશન મજબૂત બની વેલમાર્ક લોપ્રેશરમાં પરિવર્તિત થયુ છે. આ સિસ્ટમ્સ ઉત્તર ગુજરાતની સાથે જોડાયેલ પૂર્વ રાજસ્થાન સુધી લંબાય છે. તેમજ મોન્સુન ટ્રફ પણ ગુજરાત ઉપરથી પસાર થાય છે. જેથી ૨૪ કલાક સમગ્ર સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં વરસાદનું જોર વધુ રહેશે. જેમાં આજે સાંજ સુધી તો એક ધારો વરસાદ ચાલુ જ રહેશે. મોડી સાંજ કે રાત્રીના વરસાદનું જોર ઘટવા સંભવ છે. વરસાદી વિસ્તારોની વધુ વાત કરીએ તો રાજકોટ જિલ્લો, પોરબંદર જિલ્લો, દ્વારકા જિલ્લો, જામનગર જિલ્લો, જૂનાગઢ જિલ્લો અને ભાવનગર જિલામાં સૌથી વધુ વરસાદ ખાબકે તેવી પૂરેપૂરી સંભાવના છે. આજનો આખો દિવસ અવિરતપણે વરસાદ ચાલુ જ રહેશે.

આજે સાંજથી કે મોડી રાતથી વરસાદનું જોર ઘટવા લાગશે. આવતીકાલે પણ અમુક અમુક જગ્યાએ વરસાદ પડશે. ત્યારબાદ આ સિસ્ટમ્સ કરાંચી તરફ પ્રયાણ કરશે.

દરમિયાન ૧૨મી આસપાસ પશ્ચિમ બંગાળની ખાડીમાં એક નવું લોપ્રેશર બની રહ્યુ છે આ સિસ્ટમ્સની અસરથી ૧૩મી કે ૧૪મી આસપાસ સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવે તેવી હાલના અનુમાનો મુજબ પૂરેપૂરી શકયતા રહેલી છે.

(12:03 pm IST)