Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

લોધીકામાં બારેમેઘ ખાંગાઃ સવારે ૬ થી ૧૦માં પ ઇંચઃ વીંછીયામાં મોડી રાત્રે ર૦ લોકોને બચાવી લેવાયા

કલેકટર-એડી.કલેકટર સહિતનો તમામ સ્ટાફ આખી રાત કન્ટ્રોલ રૂમમાં: ન્યારી-૧ ના ૪ દરવાજા ખોલાયાઃ આજી-૩ ના દરવાજા ખોલવાના હોય અપાતી ચેતવણીઃ પડધરી-વીંછીયામાં ધોધમાર વરસાદ ચાલુઃ કલેકટર દ્વારા SDRF ની એક ટીમ કોર્પોરેશનને અપાઇઃ NDRF હાઇએલર્ટ જામનગર આર્મીની પ૬ જવાનોની ટીમ પણ તૈયારઃ જરૂર પડયે તુરત જ બોલાવી લેવાશેઃ એડી. કલેકટર પરિમલ પંડયાની 'અકિલા' સાથે વાતચીત

રાજકોટ તા. ૧૦ :.. મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ પકડયું છે, સવારથી રાજકોટ જીલ્લામાં દેવાવાળી કરી છે.

રાજકોટ જીલ્લામાં ચારે બાજુ વરસાદ હોવાનું એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેમણે જણાવેલ કે કોઇ પશુ કે માનવ તણાયા એવા કોઇ અહેવાલો નથી પણ પાણી ચારેબાજુ ભરાયા છે.

અત્રે એ નોંધનીય છે કે કલેકટર ડો. રાહુલ ગુપ્તા, એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા તથા ડીઝાસ્ટરનો આખો સ્ટાફ તમામ મામલતદાર ડે. કલેકટરો આખી રાત જાગ્યો છે, કલેકટર સવારે ૧૦ વાગ્યે ઘરે ગયા હતાં, એડી. કલેકટર અને સ્ટાફ કન્ટ્રોલ રૂમમાં સતત હાજર છે.

શ્રી પંડયાએ ઉમેર્યુ હતું કે સવારથી લોધીકામાં બારેમેઘ ખાંગા થયા છે, સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં પ ઇંચ પાણી પડી ગયું છે, અને હજુ વરસાદ ચાલુ છે, આવી જ રીતે પડધરીમાં ર કલાકમાં ર ઇંચ, તો વીંછીયામાં રાત્રે ૬ાા ઇંચ વરસાદ પડયો હતો.

વિંછીયામાં ભારે વરસાદ તૂટી પડતા સત્યજીત સોસાયટીમાં પાણી ભરાતા ર૦ લોકો ફસાઇ ગયા હતાં. મામલતદાર અને ટીડીઓ દોડી ગયા હતા અને વંડી તોડી પાડતા, પાણી ઓસરી ગયા હતાં. અને ર૦ લોકોને ઉગારી લેવામાં હતાં.

ડેમો અંગે શ્રી પંડયાએ 'અકિલા'  ને ઉમેર્યુ હતું કે, ખોડીપીપર-ન્યારી-ર ઓવર ફલો થયા છે, રાજકોટને પાણી પુરૂ પાડતો ન્યારી-૧ માં પાણીની જોરદાર આવક થતા તેના ૪ દરવાજા ખોલવામાં આવ્યા છે, તો  આજી-૩ ના દરવાજા ખોલવાની તૈયારી હોય, નીચાણવાળા ગામડાઓને ચેતવણી અપાઇ છે.શ્રી પંડયાએ ઉમેર્યુ હતું કે આપણી પાસે એનડીઆરએફની એક ટીમ છે જેને હાઇએલર્ટ કરી દેવાઇ છે, એસડીઆરએફ ની ર ટીમમાંથી ૧ ટીમ રાજકોટ કોર્પોરેશનને આપી દેવાઇ છે, અને જરૂર પડયે જામનગરથી આર્મીના પ૬ જવાનોની મદદ લઇ લેવાશે તે માટે પણ તંત્ર તૈયાર છે.

(11:50 am IST)