Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

સોમનાથ મહાદેવના સાનિધ્યામાં કાલે પાર્થિવ ગોહિલ પ્રસ્તુત શિવ વંદના કાર્યક્રમ

સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત સંગીત નાટ્ય અકાદમી દ્વરાI સંયુકત આયોજન

રાજકોટ તા. ૧૦ : શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવની પ્રસન્નતા અર્થે શિવ આરાધનાના ભવ્યાતિભવ્ય કાર્યક્રમોનું શિવભકતો માટે આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે  આ વર્ષે પણ આવતીકાલે સા..રે..ગ..મા...પા ફેઈમ,

ગુજરાતનું ગૌરવ અને જાણીતા પાર્શ્વગાયક પાર્થિવ ગોહિલ પ્રસ્તુત 'શિવ વંદના' કાર્યક્રમનું સોમનાથ મુકામે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે...

પાર્થિવ ગોહિલનું  બોલીવુડમાં ખૂબ મોટું નામ છે. ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મો દેવદાસ અને સાંવરિયામાં તેઓ પોતાનો કંઠ આપી ચુકયા છે. શાસ્ત્રીય રાગો પરનું તેઓનું પ્રભુત્વ કાબીલેદાદ છે...હિન્દી ફિલ્મોના વિવિધ શાસ્ત્રીય રાગો પર આધારિત ગીતોના અનેક કાર્યક્રમો તેઓ રજૂ કરી ચુકયા છે. ગુજરાતી અને હિન્દીના ભાવવાહી ભજનોના તેઓના અનેક આલ્બમો બહાર પડી ચુકયા છે. ગુજરાતના વિશ્વવિખ્યાત ગરબાના અનેક કાર્યક્રમો તેઓ રજૂ કરી ચુકયા છે..તેઓ દેશ અને વિદેશમાં સંગીતના ભવ્ય શો કરી ચુકયા છે. ગુજરાતીઓની વિશ્વ સમુદાયને ઓળખ આપતા 'ગુજરાતી જલસો' કાર્યક્રમની અદભુત અને અનોખી પ્રસ્તુતિ પણ પાર્થિવ ગોહિલને આભારી છે..આવતીકાલે તેઓ પોતાના વિશ્વ પ્રસિદ્ઘ કલાકાર વૃંદ દ્વારા સોમનાથ મહાદેવના ચરણોમાં પોતાના કંઠના કામણ પાથરવા પધારી રહ્યા છે. સૌ ભાવિકોને આ ભવ્ય કાર્યક્રમનો લાભ લેવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત સંગીત નાટય અકાદમીના સંયુકત ઉપક્રમે આ ગૌરવપૂર્ણ ભકિતમય કાર્યક્રમનું બેનમૂન આયોજન કરવામાં આવ્યું છે..

આ કાર્યક્રમને સફળ બનાવવા   ધર્મેશભાઈ વૈદ્ય, જાણીતા આર્થિક અને રાજકીય વિશ્લેષક  નિર્મલ નથવાણી તથા સોમનાથ ટ્રસ્ટના  ચાવડા  વગેરે  જહેમત ઉઠાવી રહ્યા છે.

આવતીકાલે રાત્રે ં૯ વાગ્યે આ કાર્યક્રમનો પ્રારંભ થશે. ભાવિકજનોએ આ કાર્યક્રમનો લાભ લેવા આયોજકોએ યાદીમાં જણાવ્યુ છે.

(11:41 am IST)