Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

શારિરીક સબંધની ના પાડતા આરતી માણેકને પતાવી દીધી

ઓખા પંથકમાં થયેલી બેવડી હત્યાના ત્રણ આરોપી ઝડપાયાઃ રાજુભા કેર રાત્રે ઘરે ગયેલઃ સાથે રહેતો સુલેમાન સીદી વચ્ચે પડતા તેનો પણ ભોગ લેવાયોઃ રાજુભા અને આરતી બન્ને દારૂના ધંધાર્થીઃ મોબાઈલથી સફળતા ન મળી પણ બાતમીદારથી ભેદ ઉકેલી લેતી પોલીસઃ અન્ય બે આરોપી અપરિણીત છેઃ હત્યાના કારણથી ભારે આશ્ચર્ય

ઓખા-ખંભાળિયા, તા. ૧૦ :. સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે ચકચાર જગાડનાર ઓખાથી બે કિ.મી. દૂર આવેલ નિર્જન વિસ્તારમાં રહેતી આરતી બાબભા માણેક (ઉ.વ. ૩૫) તથા તેની સાથે રહેતા સુલેમાન બીલાલ સીદી (ઉ.વ.૫૫)ની રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલવામાં દેવભૂમિ જિલ્લા પોલીસને સફળતા મળી છે તથા આ પ્રકરણમાં ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે.

બનાવની વિગત એવી છે કે, ગત તા. ૨-૮-૧૮ના સાંજે ઓખા નજીક હઠીલા હનુમાનની જગ્યા પાસે રહેતી તથા દારૂનો ધંધો કરતી અને અનેક શખ્સો સાથે સંબંધ ધરાવતી આરતી બાબભા માણેક (ઉ.વ.૩૫) તથા તેની સાથે રહેતા સુલેમાન સીદી (ઉ.વ.૫૫)ની ક્રૂર હત્યા કરાયેલ મૃતદેહો મળતા આખા જિલ્લાની પોલીસ દોડધામ કરતી હતી.

દેવભૂમિ જિલ્લા પોલીસ વડા શ્રી રોહનકુમાર આનંદના માર્ગદર્શન હેઠળ એ.એસ.પી. પ્રશાંતકુમાર શુકલે એ આ રહસ્યમય ડબલ મર્ડરના આરોપીઓને પકડવા માટે એસઓજી પી.આઈ. કે.જી. ઝાલા, એલ.સી.બી. પી.આઈ. એલ.ટી. ઓડેદરા, દ્વારકા પી.આઈ. પી.એ. દેકાવાડિયા તથા પો.સ.ઈ. ચૌધરી તથા પો.સ.ઈ. ડી.બી. ગોહિલ તથા પો.સ.ઈ. રોહડિયાની આગેવાની હેઠળ છ ટીમો બનાવીને ઘનિષ્ઠ તપાસ કરી હતી તથા અનેકના નિવેદનો, મોબાઈલની વિગતો, પુછપરછ, સીસીટીવી ફુટેજ વિ. પરથી ઘટનાનો ભેદ ઉકેલવા પ્રયાસો કર્યા હતા. જેમાં ગઈ કાલે સફળતા મળી છે.

બનાવની વિગત પોલીસ તપાસમા એવી બહાર આવી છે કે, ઓખામાં રહેતા રાજભા ભીખુભા કેર તા. ૧-૮-૧૮ના રાત્રે આરતીના ઘરે ગયો હતો તથા આરતી સાથે શારીરિક સંબંધ બનાવવાનું કહેતા આરતીએ ના કહેતા ઉશ્કેરાઈને તેના મિત્રો મનોજ ઉર્ફે વિનોદભાઈ સંજોગ તથા પ્લાસ ઉર્ફે ભોલો કરશનભાઈ અઘેરાએ બાઈક લઈને લોખંડનો પાઈપ સાથે લાવીને આ પાઈપથી પહેલા આરતીની હત્યા કરી અને તેને મારતા વચ્ચે છોડાવવા આવતા સુલેમાન સીદીની પણ હત્યા કરી હતી.

તા. ૧-૮ના રાત્રે ૧ાા વાગ્યા આસપાસ હત્યા કરી આ ત્રણેય શખ્સો નાસી ગયા હતા. જો કે હત્યા થઈને પાકુ કરવા મૃતકોને બે ત્રણ વખત ફરી માર્યા હતા જે પછી નાસી ગયા હતા.

બાતમીદારથી સફળતા મળી !!

પોલીસને આ બનાવમાં અનેક પુછપરછ, ડોગ સ્કવોડ, એફએસએલથી કે મોબાઈલ ડીટેઈલ્સથી કંઈ સફળતા નહોતી મળી પણ એક બાતમીદાર દ્વારા આ ત્રણ શખ્સો અંગે બાતમી મળતા તથા વોચ ગોઠવતા ત્રણેય બાઈકમાં નિકળતા તેમને પકડી પુછપરછ કરતા તેમણે આ ડબલ મર્ડર કર્યાનું કબુલ્યુ હતુ. આમ પોલીસ બાતમીદારથી જ સફળ થઈ.

રીમાન્ડ માટે દ્વારકા રજૂ

ડબલ મર્ડરના ત્રણેય આરોપી રાજુલા ભીખુભા કેર, પ્લાસ ઉર્ફે ભોલો કરશન અઘેરા તથા મનોજ ઉર્ફે વિનોદભાઈ સંજોગની બનાવમાં વપરાયેલ બાઈક સાથે પોલીસે ધરપકડ કરી છે જેને આજે દ્વારકા કોર્ટમાં રજુ કરીને રીમાન્ડ માંગવામાં આવશે. બનાવમાં વપરાયેલ હથીયારો કબ્જે કરવા તથા તેમની મદદગારીમાં કોઈ હોય તો તે માટે રીમાન્ડ મંગાશે.

૮ દિવસમા ત્રણ ખૂન ત્રણેયનો ભેદ ઉકેલાયો

જો કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં આઠ દિવસમાં ત્રણ ખૂન થતા જિલ્લાની પોલીસની ઉંઘ ઉડી ગઈ હતી પણ દ્વારકા અરૂણકુમાર હરિકુમાર ઝાની હત્યાના આરોપીઓ જે ભાગી જતા હતા તેમને બસમાંથી પકડી પાડવામાં પોલીસ સફળ થઈ તથા આ ડબલ મર્ડરમાં ત્રણ આરોપીને પકડવામાં પોલીસ સફળ થતા રાહતનો દમ તંત્રએ લીધો છે.

ડબલ મર્ડરના ત્રણ આરોપીમાં રાજુભા કેર એ જ પરીણિત છે જે હાલ છૂટાછેડા લીધેલ છે બાકીના બે હજુ અપરીણિત છે.  જો કે અનેક પુરૂષો સાથે સંબંધો ધરાવનાર અને દારૂનો ધંધો કરતી આરતી માણેકની જેમ રાજુભા પણ દારૂનો ધંધો કરતો હતો પરંતુ આરતીએ રાજુને શારીરિક સંબંધની ના પાડી જાનનું જોખમ ઉઠાવ્યું તે બાબત પણ ભારે આશ્ચર્યજનક છે તો શારીરિક સંબંધની ના થી તે હત્યા કરવી તે બાબત પણ આશ્ચર્યજનક ગણાય છે.(૨.૫)

(11:54 am IST)