Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

વિશ્વ સિંહ દિવસની ઉજવણીઃ સિંહના માસ્ક પહેરીને રેલી

સૌરાષ્ટ્ર-કચ્છમાં એશિયાનું ગૌરવ અને સોરઠની શાન એશીયેટીક લાયનની આગવી પ્રતિભા અંકિત કરવા પ્રયાસ

મેંદરડાના આલીધ્રામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીઃ મેંદરડાઃ આલીધ્રામાં શ્યામ સુંદર વિદ્યાલયમાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ ગામમાં સૂત્રોચ્ચાર કરી રેલી સ્વરૂપે લોકોને સિંહ પ્રત્યે જાગૃત કરવા પ્રયત્ન કરાયો હતો (તસ્વીરઃ ગૌતમ શેઠ-મેંદરડા)(૨-૬)

રાજકોટ, તા. ૧૦ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓ દ્વારા સિંહ બચાવવા માટે સિંહના માસ્ક પહેરીને રેલી સહિતના જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડયા છે.

જૂનાગઢ

જૂનાગઢઃ વિશ્વભરમાં જોવા મળતા એશિયેટીક અને આફ્રિકન સિંહોની અગત્યતા દર્શાવતા વર્લ્ડ લાયન ડે ની ઉજવણી તા. ૧૦મી ઓગષ્ટે સાસણ ખાતે થઈ છે. સિંહ એ જૈવિક, સાંસ્કૃતિક, પ્રતિક સ્વરૂપે, ધાર્મિક તેમજ આર્થિક રીતે અલગ અલગ અને આગવું મહત્વ ધરાવતુ પ્રાણી છે. સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે જેથી સિંહના સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાઈ સિંહ માત્ર ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશે વિહરતા જોવા મળે છે. એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનિક લોકોનું ખૂબ જ મોટું યોગદાન સમાયેલું છે. સ્થાનિક લોકોના સહકાર, ગુજરાત સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને ગુજરાત વન વિભાગની અથાગ મહેનતના કારણે એશિયાઈ સિંહોની વસ્તીમાં વધારો થયો છે. જેના પરિણામ સ્વરૂપ એશિયાઈ સિંહો ગીર અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની બહાર સૌરાષ્ટ્રના ૨૨૦૦૦ ચોરસ કિલોમીટરમાં વિહરતા થયા છે.

નાયબ વન સંરક્ષકશ્રી વન્ય પ્રાણી વર્તુળ સાસણગીરની આગેવાનીમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના ૪૦ તાલુકામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણી વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૬થી શરૂ કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, એન.જી.ઓ. ગ્રામજનોએ ભાગ લીધો છે. ગત વર્ષ ૨૦૧૭માં જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આમ ચાર જિલ્લાના ૩૬ તાલુકામાં ૪૧૯૩ શાળા, માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક અને કોલેજ કક્ષાની સંસ્થાઓનાં ૮૩૪૪૭૪ છાત્રો અને નાગરીકોએ ભાગ લીધો હતો. બોટાદ તાલુકામાં ૧૦૫૫ લોકોએ વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. આ વર્ષે પાંચ જિલ્લાના ૪૦ તાલુકાના ૫૧૮૦ શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં ૧૨ લાખથી વધુ લોકોને જોડવામાં આવશે. વિશ્વ સિંહ દિવસે સાસણમાં સિંહ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સિંહ સંવર્ધન અંગે ડોકયુમેન્ટરી અને તજજ્ઞોનાં વકતવ્યો સાથે વિદ્યાર્થીઓ  ચહેરા  પર સિંહનું મહોરૂ લગાવી સિંહ સાથેની આત્મિયતાના દર્શન કરાવશે તેમ એ.સી.એ. ઝાલાની યાદીમાં જણાવાયુ છે.

ભાવનગર

ભાવનગરઃ વન વિભાગ, ભાવનગર દ્વારા જનજાગૃતિ અર્થે ભાવનગર શહેરની વિવિધ શાળા-મહાશાળાના અંદાજે ૩૦૦૦થી ૫૦૦૦ વિદ્યાર્થીઓ સિંહનું માસ્ક પહેરી પોત-પોતાની શાળાએથી રેલી સ્વરૂપે સવારના ૧૦.૦૦ કલાકે નિકળશે અને શહેરના જવાહર મેદાન ખાતે ૧૧.૦૦ કલાકે એકત્રીત થશે, જ્યાં સિંહ સંરક્ષણ માટે બેઠક યોજી સિંહને લગત ફિલ્મ દર્શાવી જુદા જુદા વકતાઓ દ્વારા વકતવ્ય આપવામાં આવશે તથા સિંહના સંરક્ષણ માટે સંકલ્પ લેવડાવવામાં આવશે.

ત્યાર બાદ ભાવનગર મુકામેના યશવંતરાય નાટયગૃહમાં 'અંકુપાર'નું નાટક આમંત્રીત મહેમાનો સમક્ષ બપોરના ૧૪.૩૦ કલાકે રજૂ કરવામાં આવનાર છે. તેમજ તા. ૧૧ મહુવા-સાવરકુંડલા રોડ ઉપર આવેલ સારદીકા ગામે સ્કૂલ ઓફ સાયન્સમાં બપોરના ૨ થી ૫ કલાકે 'અંકુપાર' નાટક પ્રદર્શીત કરવામાં આવનાર છે. જેમા આમંત્રીતોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવનાર છે.(૨-૪)

(11:52 am IST)