Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ગૌરક્ષક રાજુભાઇ દેસાઇની હત્યાથી ભભુકતો આક્રોશઃ કડીમાં માલધારીઓની ૬ કિ.મી.ની મૌન રેલી

હત્યાની યોગ્ય તપાસ કરીને ન્યાય આપવા માંગણીઃ નંદાસણ પોલીસને આવેદન

રાજકોટ તા.૧૦: કડી તાલુકાના રાજપુર પાટીયાથી નંદાસણ પોલીસ સ્ટેશન સુધીના ૬ કિ.મી. લાંબા રૂટ પર આજે શુક્રવારે ગુજરાતભરના માલધારીઓની મૌન રેલી યોજાઇ છે. ખેરપુરના ગૌરક્ષક રાજુભાઇ દેસાઇની તાજેતરમાં કરાયેલી હત્યા મામલે યોગ્ય તપાસ કરાય અને કસૂરવારોને સજા કરવામાં આવે તેવી માંગણી સાથે આ મૌન રેલી યોજાશે અને નંદાસણ પોલીસને આ અંગેનું આવેદનપત્ર આપવામાં આવશે.

માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઇ દેસાઇના જણાવ્યા મુજબ રાજુભાઇની હત્યામાં શંકાસ્પદ ગણાતા નંદાસણના પૂર્વ સરપંચ અને તેમના દિકરાના નામોનો ફરિયાદમાં કોઇ ઉલ્લેખ કરાયો નથી. તે નામો શંકાસ્પદ આરોપી તરીકે દાખલ કરીને તપાસ કરવાની મુખ્ય માંગણી છે.

જો તે માંગણી નહી સંતોષાય તો રાજ્યભરમાં આંદોલન વધુ ઉગ્ર બનાવાશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું રાજ્ય સરકાર ગૌરક્ષકોને સુરક્ષા પુરી પાડવામાં નિષ્ફળ પુરવાર થઇ છે.

આજે સવારે ૧૦ કલાકે રાજ્યભરમાંથી માલધારીઓ કડી ખાતે ઉમટી પડ્યા છે જેમાં દુધરેજ વડવાળા મંદિરના મહંત કનીરામબાપુ સહિતના સંતો મહંતો અને ભુવાજીઓ હાજર રહેશે. મૌન રેલી સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થતી હોવાથી સંભવિત ઘર્ષણનો બનાવ ટાળવા માટે રેલીના રૂટ પર ગુરૂવારે સાંજથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

કડી તાલુકાના ખેરપુર ગામના ગૌરક્ષક રાજુભાઇ રબારીની હત્યાના પાટણ જીલ્લાના માલધારી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત સર્જાયા હતા અને આ બનાવના વિરોધમાં આજે પાટણ ખાતે વિશાળ મૌન રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપી હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેમજ રાજુભાઇ રબારીના પરીવારજનોને યોગ્ય વળતર મળે તથા ગૌરક્ષકોને સુરક્ષા મળે તેવી માંગણી વ્યકત  કરાઇ હતી.

આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે માલધારી સમાજે પેન પકડી છે હવે લાકડી પકડવા સરકાર મજબુર ન કરે તેઓ આક્રોશ ઠાલવ્યો હતો.

ઉપલેટા

ઉપલેટા રબારી સમાજ યુવા ગૃપ દ્વારા મામલતદારશ્રી મારફત મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને આવેદનપજ્ઞ પાઠવીને આ ગૌસેવકની હત્યા કરનારાને દાખલારૂપ સજા કરવા માંગણી કરી છે.(૪.૧)

(11:48 am IST)