Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

વિસાવદર પાલિકાના પ્રમુખ - ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત : રાજકિય ગરમાવો

પાલિકાના ૨૪ પૈકી કોંગ્રેસના ૧૩ અને ભાજપના ૧૧ સભ્યો ચૂંટાયા બાદ કોંગ્રેસના ૨ સભ્યોએ ભાજપને ટેકો આપતા હાલમાં ભાજપનું શાસન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૦ : વિસાવદર નગર પાલિકાના પ્રમુખ કૌશિકભાઈ બાબુભાઈ વાઘેલા તથા ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ પોપટભાઈ ડોબરીયા સામે કોંગ્રેસના (૧) રહીમભાઈ ગફારભાઈ મોદી (૨) જસુમતિબેન ભરતભાઈ વ્યાસ (૩) રજનીકાન્તભાઈ આણંદભાઈ ડોબરીયા (૪) વર્ષાબેન મનહરભાઈ દાફડા (૫) ઇલ્યાસભાઈ ઈસ્માલભાઈ મોદી (૬) કિર્તિબેન પરશોતમભાઈ સોજીત્રા (૭) મનીષભાઈ સમજુભાઈ રિબડીયા (૮) ગીતાબેન મનીષભાઈ રિબડીયા (૯) ઉષાબેન જયદીપભાઈ દાહીમા (૧૦) ડિમ્પલબેન રાજેશભાઈ રિબડીયા સહિત ૧૦ કોંગ્રેસનાં સભ્યોની સહીથી અવિશ્વાસની દરખાસ્ત રજુ કરાયાનુ બહાર આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિસાવદર નગર પાલિકાના કુલ-૨૪ સભ્યો પૈકી કોંગ્રેસનાં ૧૩ અને ભાજપનાં ૧૧ સભ્યો ચૂંટાયા હતા. જેમાં કોંગ્રેસનાં ૨ સભ્યોએ ભાજપને ટેકો આપતા ૧૩ની સભ્ય સંખ્યા સાથે ભાજપ સત્તા સ્થાને છે.કોંગ્રેસનાં ૧ સદસ્યનુ અવસાન થતા હાલ વિપક્ષી છાવણી કોંગ્રેસમાં ૧૦ સભ્યો છે.

જાણકારોના મતે કુલ-૨૪ પૈકી ૧૬ સભ્યો અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કરે તો પ્રસ્તાવ મંજૂર થઈ શકે.જેથી રાજકીય કશ્મકશનાં વાતાવરણ વચ્ચે પ્રમુખ-ઉપપ્રમુખ સામેની અવિશ્વાસ પ્રસ્તાવ સબંધે કયારે પાલિકાની બેઠક બોલાવાય છે..? રાજકીય સમીકરણો કઈ પ્રકારના આકાર લ્યે છે..? એ તરફ અવનવા તર્ક વિતર્ક સાથે સૌની મીટ મંડાઈ છે.

(1:10 pm IST)