Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

સોમવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં અષાઢી બીજ પર્વની સાદાઇથી ઉજવણી

ભાવનગર, ગઢડા, બોટાદ સહીતના વિસ્તારોમાં મર્યાદીત સંખ્યામાં ભાવીકો રથયાત્રામાં જોડાશેઃ કોવીડ ગાઇડ લાઇનનું પાલન કરાશે

ભાવનગરઃ શહેરમાં ભગવોન શ્રી જગન્નાથજીની રથયાત્રાના રથ નજરે પડે છે. (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

રાજકોટ, તા., ૧૦: સોમવારે રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં અષાઢી બીજ પર્વની સાદાઇથી ઉજવણી કરવામાં આવશે.

ભાવનગર, ગઢડા, બોટાદ, સહીત અનેક વિસ્તારોમાં મર્યાદીત સંખ્યામાં ભાવીકો રથયાત્રામાં કોવીડ ગાઇડલાઇનથી પાલન સાથે જોડાશે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરમાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ૧૮ કી.મી. ના સમગ્ર રૂટમાં નીકળશે અને બપોરના ૧ર.૩૦ સુધીમાં પુરી કરી દેવામાં આવશે. રથયાત્રા દરમ્યાન કફર્યુ જાહેર કરાયો છે અને રૂટમાં કયાંય રથનું સ્વાગત કરવામાં આવશે નહી. ભગવાનના રથને સમારકામ કરીને દૈદિપ્યમાન બનાવાયો છે. શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

બગસરા

(દર્શન ઠાકર દ્વારા) બગસરાઃ પૂ. શ્રી આપા ગીગાના ગાદી મંદિરની પ્રાચીન પરંપરા અનુસાર તા.૧ર-૭-ર૦ર૧ને સોમવારના રોજ અષાઢી બીજના ભાગરૂપે સવારે ૭ કલાકે મંગળા આરતી, શ્રી હનુમાન ચાલીશાના પાઠ, હોમાત્મક યજ્ઞ બાદ પૂ. મહંતશ્રી જેરામબાપુ બહુમુલ્ય પ્રસાદી પૂ.શ્રી આપા ગીગાના દર્શનીય વસ્તુનું પૂજન અર્ચન કરી ગાદી મંદિર ઉપર સમસ્ત ગધઇ પરીવાર તથા પ્રજાપતિ પરીવાર વતી પૂ. મહંતશ્રી જેરામબાપુના હસ્તે ગાદી મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવશે. તેમજ પુરોગામી સંતોની સમાધીનું પુજન, ધુપ, દિપ અને નિવેદ ધરાશે તેમજ સાંજના મહાઆરતીના દર્શન થશે.

સરકારશ્રીના નિયમ મુજબ ભાવીક ભકતજનો માટે સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શન ચાલુ રાખવામાં આવશે. મહાપ્રસાદ તેમજ સુંદરકાંડના પાઠ સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ બંધ રાખેલ છે તેમશ્રી ગાદી મંદિરના કોઠારીશ્રી હરીબાપુની યાદીમાં જણાવાયું છે.

(11:34 am IST)