Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

એક હજારથી વધુ વાહનોના થપ્પા

કચ્છ - મોરબી હાઇવે ઉપર સતત ત્રીજે દિ' ટ્રાફિકજામ

ભારે ગરમી વચ્ચે કલાકો સુધી લોકો ભુખ્યા - તરસ્યા : હરિપર પાસે રેલવે ઓવરબ્રિજમાં ગાબડું પડતા કચ્છને સૌરાષ્ટ્ર, ગુજરાત સાથે જોડતો વાહન વ્યવહાર ખોરંભાયો : દરરોજ ૨૦ હજારથી વધુ વાહનોની અવરજવર : ટ્રાફિક વ્યવસ્થા સંભાળવા ખડેપગે ઉભેલી મોરબી પોલીસે હેવી વ્હિકલને વૈકલ્પિક રસ્તે અવરજવર કરવા કરી અપીલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૦ : મોરબી માળિયા વચ્ચે હરિપર નજીક રેલવે ઓવરબ્રિજના પોપડા ખરી પડ્યા બાદ આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થતાં સિંગલ વે કરી દેવાતા વાહનચાલકો માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.

કચ્છ થી સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિતના શહેરો અને અન્ય રાજયોમાં જવા માટે આ મુખ્ય નેશનલ હાઇવે છે. બબ્બે મોટા બંદરો અને ઇન્ડસ્ટ્રીઝને કારણે કચ્છ સાથે સંકળાયેલા આ ઓવરબ્રિજ ઉપર એક દિવસમાં ૨૦ હજાર વાહનો અવરજવર કરે છે. અત્યારે ઓવરબ્રિજમાં પડેલા ભંગાણના પગલે તે સિંગલ વે થઈ જતાં વાહન વ્યવહાર ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે. પરિણામે સતત ત્રણ દિવસથી હેવી ટ્રાફિક જામ થઈ રહ્યો છે. ગઈકાલે તો ભારે ગરમી વચ્ચે વાહન વ્યવહાર દસ કલાક સુધી અટવાતા પ્રવાસીઓ અકળાઈ ગયા હતા. અનેક લોકો ભૂખ્યા તરસ્યા રહ્યા હતા.

જોકે, મોરબી અને કચ્છ બન્ને તરફ પોલીસ ખડેપગે વાહનવ્યવહાર ઠેકાણે પાડવા મથે છે. પણ, સિંગલ વે વચ્ચે કયાંક જલદી નીકળવાની લ્હાયમાં લાઈન તૂટતાં ફરી વાહનો અટવાય છે. અત્યારે પોલીસે અમદાવાદ તરફ અવરજવર કરતા ભારે વાહનચાલકોને સુરેન્દ્રનગર થઈને અથવા તો રાધનપુર થઈને વૈકલ્પિક રસ્તે અવરજવર કરવા અપીલ કરી છે.

દરમિયાન રેલવેને ઓવરબ્રિજ રીપેરીંગ કરતાં ત્રણ થી ચાર મહિનાનો સમય લાગે તેમ હોઈ આ ટ્રાફિક જામનો નિવેડો જલદી આવે તેવું લાગતું નથી.

(10:08 am IST)