Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

અમરેલી જિલ્લાના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ

વાવણી કરીને બેઠેલા ખેડૂતોમાં ખુશી : છેલ્લા ૧૦ દિવસથી વરસાદ ન પડતાં ખેડૂતો ચિંતામાં હતા, કપાસ, મગફળી સહિતના પાકોને લાભ થશે

અમરેલી, તા.૯ : રાજ્યના અમરેલી જીલ્લામાં આજ બપોર બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. આમ તો સવારથી જ આકાશમાં વાદળો ઘેરાવાની શરૂઆત થઈ હતી અને બપોર બાદ અચાનક જ વરસાદ ખાબકયો હતો. શરૂઆતમાં ખાંભા શહેર તેમજ આસપાસના બોરાળા, દોઢીયાળી સહિતના આસપાસના ગામડાઓમાં વરસાદ પડ્યો હતો ત્યારબાદ સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદના ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. બાદમાં લાઠી, લીલીયામાં પણ સારો વરસાદ પડ્યો હતો. લાઠી શહેર તેમજ બાજુના અમરેલી હાઇવે પરના ગામોમાં ટોડામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.

આજે જીલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. છેલ્લાં ૧૦ દિવસથી પણ વધુ સમયથી વરસાદ પડ્યો નહોતો જેથી ખેડૂતોમાં પણ ચિંતા છવાઈ હતી. જોકે આજે ખાંભા, રાજુલા, જાફરાબાદ, લાઠી, સાવરકુંડલા, લીલીયા પંથકમાં વરસાદ પડ્યો હતો જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. છેલ્લાં ઘણા દિવસોથી વરસાદની રાહ જોતા ખેડૂતો માટે આજે સારા સમાચાર આવ્યા હતા. વરસાદની રાહ જોતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. ખેડૂતોએ છેલ્લા ઘણા દિવસોથી વાવણી કરી નાખી છે જોકે વાવણી બાદ સારો વરસાદ ના પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ખેડૂતોએ કપાસ, મગફળી સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું ત્યારે, વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન હતા ત્યારે આજે હળવાથી લઈને મધ્યમ વરસાદ પડતાં ખેડૂતોમાં આંશિક ફાયદો થશે તેવું ખેડૂતો માની રહ્યા છે. તો અમુક વિસ્તારોમાં વીજપુરવઠો કાર્યરત થયો નહોતો અને વાવણી થઈ ચૂકી હતી ત્યારે આ વરસાદ ખેડૂતો માટે થોડો ઘણો ફાયદો ગણી શકાય જો વધુ વરસાદ પડે તો ખેડૂતોને રાહત મળે તેવું ખેડૂતો માને છે.

લાઠીના એક ખેડૂતનું માનીએ તો વાવણી કરી નાખી હતી પરંતુ છેલ્લા ૧૫ દિવસથી વરસાદનું એકપણ ટીપુ પડ્યું નહોતું જેથી સમગ્ર પંથકના ખેડૂતો ચિંતામાં હતા ત્યારે આ વરસાદ પડતાં બહુ વધુ તો નહીં પરંતુ મહદ્અંશે ખેડૂતોને ફાયદો થવાની શક્યતાઓ છે.

(9:06 pm IST)