Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ધ્રોલના ઉંડ-ડેમના દરવાજા ખોલતા ૨ હજાર વિઘા જમીનનું ધોવાણ

કોંગ્રેસના ધારાસભ્યો લલીત વસોયા, લલીત કગથરા, વિક્રમ માડમ, પ્રવિણ મુસડીયા ખેડૂતોની વ્હારેઃ સર્વે કરવા માંગણી

તસ્વીરમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતો પાસેથી વિગતો મેળવી હતી. તેમજ જમીનની હાલત કેવી છે ? તે નજરે પડે છે (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા.૧૦: જામનગર જીલ્લામાં ધોધમાર વરસેલા વરસાદથી અનેક ડેમો, તળાવો, નદી, નાળા છલકાય ગયા છે. ત્યારે ધ્રોલના ઉંડ ડેમના દરવાજા એક સાથે ખોલતા ૨ હજાર વિઘા જમીનનું ધોવાણ થયું છે.

જામનગર જીલ્લાના ધ્રોલ પંથકમાં આવેલા ઉંડ-૧ ડેમમાં પાણીની આવક વધી જતાં અચાનક દરવાજા ખોલવામાં આવ્યા હતા.

ત્યારબાદ ઉંડ-૨ ના બધા જ દરવાજા એક સાથે ખોલવામાં આવતા ૨ હજાર વિઘા જમીનનું ધોવાણ થયું હોવાનું ઉપલેટા-ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ ''અકિલા''ને જણાવ્યું હતું.

ખેડૂતોની મુશ્કેલી જાણવા માટે આજે લલીતભાઇ વસોયા, લલીતભાઇ કગથરા, વિક્રમભાઇ માડમ, પ્રવિણભાઇ મુસડીયા સહિતના ધારાસભ્યો ધ્રોલ પંથકમાં ગયા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે, હજુ સુધી અહીં કોઇ સર્વે માટે ફરકયું નથી.

આ અંગે ધારાસભ્યોએ લાગતા-વળગતા અધિકારીઓને ટેલીફોનીક જાણકારી આપતા તેઓએ ભુલ સ્વીકારી હતી. અને આ અંગે યોગ્ય કરવાની ખાત્રી આપી હતી. ધારાસભ્યોએ પણ સરકાર પાસે ખેડૂંતોને ન્યાય આપવા માંગ કરી છે.

(3:52 pm IST)