Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

જુનાગઢમાં સવારે કોરોનાથી વધુ એક વૃધ્ધાનું મોત

૨૪ કલાકમાં ત્રીજા વ્યકિતનો ભોગ લેવાતા અરેરાટી : સોરઠમાં પોઝિટિવ કેસની સાથે મૃત્યુદરમાં ઉછાળો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૦ : જૂનાગઢમાં કોરોનાથી આજે સવારે વધુ એક વૃધ્ધનું મોત થયું છે. ૨૪ કલાકમાં ત્રીજુ મૃત્યુ નોંધાવાની સાથે મૃત્યુઆંક વધીને સાત થયો છે.

જુનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. જેની સાથે મૃત્યુદર પણ વધતા ચિંતા પ્રસરી ગઇ છે.

ગઇકાલે જુનાગઢ સિવિલમાં સારવાર દરમિયાન વિસાવદર તાલુકાના જુની ચાવંડ ગામના ૬૦ વર્ષીય વૃધ્ધ અને જુનાગઢના મંડલીકપુર ગામના ૬૦ વર્ષના વૃધ્ધનું કોરોનાથી મૃત્યુ થયું હતું.

આજે સવારે જુનાગઢના લક્ષ્મીનગર વિસ્તારના ૬૮ વર્ષીય વૃધ્ધનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. આ મૃતકનો ગત તા. ૮ જુલાઇના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમણે સારવાર દરમિયાન આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા.

આ કોરોના દર્દીને ડાયાબીટીસ અને હૃદયની પણ તકલીફ હતી તેમ તબીબી સૂત્રોએ જણાવ્યું હતું.

જુનાગઢમાં આજે વધુ એક કોરોના દર્દીનું મૃત્યુ થતાં શહેરનો મૃત્યુઆંક પાંચ થયેલ છે અને જિલ્લાનો કુલ મૃત્યુઆંક સાત થવા પામ્યો છે.  જુનાગઢ શહેરમાં કોરોના દર્દીનું પ્રથમ તા. ૧લી જુનના રોજ થયું હતું. અત્યાર સુધીમાં પાંચ મોતમાં બે સ્ત્રી અને ત્રણ પુરૂષનો સમાવેશ થાય છે.

દરમિયાન ગઇકાલે સાંજ સુધીમાં ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા બાદ રાત્રે વધુ ત્રણ કેસ સામે આવ્યા હતા. આમ આજે સવાર સુધીમાં એટલે કે ૨૪ કલાકમાં ૧૩ પોઝિટિવ કેસ થયા હતા.

જુનાગઢમાં રાત્રે જોશીપરાના આંબાવાડી વિસ્તારની ૧૯ વર્ષીય યુવતિ તેમજ શાંતેશ્વર રોડ પાસેના રાજનગરમાં રહેતા એક ૪૫ વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવેલ.

આ સાથે જુનાગઢમાં કોરોના પોઝિટિવ કેસ વધીને ૧૩૪ થયેલ છે અને જુનાગઢ જિલ્લાના કોરોના દર્દીનો આંક વધીને ૨૧૬ ઉપર પહોંચી ગયો છે.

જુનાગઢ જિલ્લાના ૭૧ કેસ હજુ એકટીવ છે. તંત્રના પગલાની સાથે લોકો દ્વારા પણ સરકારની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવે તે જરૂરી છે.

(11:02 am IST)