Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

મોરબી-માળીયા તાલુકામાં ૧૩,૮૪૬ ખેડૂતોને સરકારે કપાસ પાક વિમાના રૂ.૧ર.૯૦ કરોડ ચૂકવ્યા

વિધાનસભામાં મોરબી પંથકને લગતા બીપીએલ કાર્ડ, પાક વિમો, ખેડૂતોને ઇનપુટ સહાય જેવા પ્રશ્નો ઉઠાવાયા ધારાસભ્ય બ્રિજેશ મેરજા

મોરબી, તા. ૧૦ : ગુજરાત વિધાનસભામાં મોરબી-માળીયા(મી) વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ખાતેદાર ખેડૂત અકસ્માત વિમા અંગેના પ્રશ્નની ચર્ચામાં ભાગ લઇને રાજકોટ જિલ્લા સહકારી બેન્કે તત્કાલિન ચેરમેન વલ્લભભાઇ પટેલ આકસ્મિક વિમા યોજના દાખલ કરીને ખેડુતોને અકસ્માત સામે આર્થિક કવચ પુરૂ પાડયાનું જણાવ્યું હતું. તદ્ઉપરાંત તા. ૩૧ મે. ર૦૧૪ની સ્થિતિએ મોરબી અને માળીયા (મી) તાલુકામાં બી.પી.એલ. કાર્ડ અંગેનો પ્રશ્ન પૂછતા એવી માહિતી સાંપડી હતી કે મોરબી તાલુકામાં ૮૩૧૪ અને માળીયા (મીં) તાલુકામાં ૭૬૮૩ કુટુંબો બી.પી.એલ. ધારકો છે. પેટા પ્રશ્નમાં વધુ જાણકારી મેળવવા માટે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં બી.પી.એલ.ની પડતર અરજીના નિકાલમાં મોરબી ૧૧૧ અને માળીયા (મીં) ૩નો વધારો થયાનું જણાતું હતું. આમ ગરીબો માટેની ચિંતા સેવીને આ પ્રશ્ન ઉકેલવા સરકારને જણાવ્યું હતું. સાથોસાથ મોરબી-માળીયા (મીં)ના ખેડૂતોને સને ર૦૧૮-૧૯ના કપાસના પાક વિમાની ચૂકવણી અંગે પૂછેલ તારાંકિત પ્રશ્નના જવાબમાં મોરબી તાલુકામાં ૧ર૯૭૪ ખેડૂતોને પિયત ર૬પ બિન પિયત એમ મળી રૂ.૧૧.૮૩ કરોડ તેમજ માળીયા (મીં) તાલુકામાં ૬૪૪ પિયત અને ૧૧૪ બિન પિયત ખાતેદારોને ૭ લાખ રકમ ચૂકવ્યાનું જણાવાયું હતું. તેમજ મોરબી-માળીયા (મીં) તાલુકાના ખેડૂતોને ઇનપુટ સહાય ચૂકવવા બાબતે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. આમ, મોરબીના ધારાસભ્યશ્રી વિધાનસભાના ચાલુ સત્રમાં ગરીબો, ખેડૂતો અને આમ પ્રજાને પીડતા અનેક પ્રશ્નો બાબતે સતત જાગૃત રહી વિધાનસભામાં મોરબી-માળીયા (મીં) વિસ્તારના પ્રજાકીય પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. તેમ ધારાસભ્યની યાદીમાં જણાવાયું છે.

(1:36 pm IST)