Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

નયારા એનર્જી લિમિટેડ દ્વારા વિદ્યાર્થીઓને 'આપત્તિ સમયે સાવચેતી' અંગે માર્ગદર્શન

ખંભાળીયા પંથકના ૧૯ર૯ વિદ્યાર્થીઓ અને ૪૦ શિક્ષકોએ લાઇવ ડેમો દ્વારા જાણકારી મેળવી

જામનગર : નયારા એનર્જી લિમિટેડએ શાળા સલામતી સપ્તાહની ઉજવતી અંતર્ગત ખંભાળીયા પંથકની પાંચ શાળાઓના આશરે ૧૯ર૯ વિદ્યાર્થીઓ તથા ૪૦ શિક્ષકોને કુદરતી કે માનવસર્જીત આપત્તિ સમયે સાવચેતી રાખી કઇ રીતે સુરક્ષિત પગલા ભરી શકાય ? એ અંગેનું માર્ગદર્શન લાઇવ ડેમો મારફતે આપવામાં આવ્યું હતું. ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થા સત્તામંડળના આયોજનથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વાડીનારમાં આવેલી નયારા એનર્જી લિમિટેડએ જોડાઇ ખંભાળીયા પંથકના પાંચ શાળાઓમાં માર્ગદર્શન કાર્યક્રમો યોજ્યા હતા. જેમાં વાડીનાર પ્રાથમિક શાળા, વાડીનાર ધાર વાડી પ્રાથમિક શાળા, નાના આંબલા પ્રાથમિક શાળા, ઉગમણાબારાની સરકારી સેકન્ડરી સ્કૂલ અને ખંભાળીયાની દા.સુ ગર્લ્સ હાઇસ્કૂલનો સમાવેશ થાય છે. આ શાળાઓમાં આશરે ૧૯ર૯ વિદ્યાર્થીઓ તથા ૪૦ શિક્ષકોએ કુદરતી તથા માનવસર્જીત આપત્તિ વખતે રાખવી જોઇતી સાવચેતી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.  નયારા એનર્જી લિમિટેડના ફાયર વિભાગના તાલીમથી સુસજ્જ થયેલા જવાનોએ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને આધુનિક સાધનો અને ઘર ઉપયોગી સાધનો વડે લાઇવ ડેમો યોજી કુદરતી કે માનવસર્જીત આપત્તિ વખતે તાકીદના ધોરણે શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ અને તે માટે કઇ પ્રકારની તકેદારી રાખવી જોઇએ તે અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. કંપનીના તાલીમબદ્ધ કર્મચારીઓએ આપેલા માર્ગદર્શન અને પ્રશ્નોત્તરીના સંતોષકારક ઉત્તરથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ નયારા એનર્જી લિમિટેડનો આભાર વ્યકત કર્યો હતો. તસ્વીરોમાં નયારા એનર્જી લિમિટેડ દ્વારા શાળાઓના વિદ્યાર્થીઓને આપત્તિ સમયે શું શું સાવચેતી રાખી શકાય એ અંગે માર્ગદર્શન આપવામાં આવતા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ તેમનો લાભ લીધો હતો. (તસ્વીર-અહેવાલ મુકુંદ બદિયાણી-જામનગર)

(3:47 pm IST)