Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

જામકંડોરણા મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓની વિવિધ માંગણી અંગે જયેશભાઇ રાદડીયાને રજૂઆત

જામકંડોરણા તા.૧૦ : તાલુકા મધ્યાહન ભોજના યોજના કર્મચારી મંડળ દ્વારા જામકંડોરણા ખાતે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાને આવેદનપત્ર પાઠવી તેમની વિવિધ માંગણીઓની રજૂઆત કરવામાં આવી છે.

લઘુતમ વેતન મુજબ કામના સમય મુજબ માનદ વેતનમાં વધારો, ઉનાળા વેકેશનમાં છુટ્ટા ન કરવા, હાલનું નાસ્તાનું મેનું રદ કરવુ, જૂના કર્મચારીઓને ફરજમાં ફરી લેવા, બાળકો તેમજ સભ્યો કર્મચારીના હિતમાં તાત્કાલીક કેન્દ્રો ચાલુ કરાવવા, જગ્યા ખાલી હોય અને બીજા કર્મચારીને ત્યા જવાની ઇચ્છા હોય તો ત્યા નિમણુંક આપવી, સહિતની માંગણીઓ કરતા જણાવવામાં આવેલ કે, મ.ભો.યો. કર્મચારીઓ, સંચાલક, રસોયા તથા મદદનીશને આ કારમી મોંઘવારીમાં વેતન ખૂબ જ ઓછુ મળે છે તેમજ આંગણવાડીના કર્મચારીને વેતન મળે છે તેના જેટલુ પણ અમોને વેતન મળતુ નથી. તેમજ આ યોજનાનું નવુ મેનું થેપલા તથા નાસ્તો આવેલ છે. આ મેનું આવ્યા પહેલા અમારે ૪ થી પ કલાકનો સમય લાગતો. આ નવુ મેનુ આવ્યા બાદ ઓછામાં ઓછો ૮ થી ૧૦ કલાકનો સમય જોઇએ તેમ છે અને તેના માટે વધારાનો પુરવઠો કે પેશગી ફાળવેલ નથી. જેના કારણે રાજકોટ જીલ્લામાં ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા, જેતપુર, પડધરી તથા લોધીકા જેવા તાલુકાના મ.ભ.યો. કેન્દ્ર આજ દિવસ સુધી બંધ છે. તેમજ અન્ય તાલુકાઓમાં પણ કેન્દ્રો બંધ રાખેલ છે. જેથી સરકારશ્રી દ્વારા અમારી આ માંગણીઓ સંતોષવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

આ રજૂઆત સમયે જામકંડોરણા તાલુકા મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ સુખુભા જાડેજા, ઉપપ્રમુખ વિજયભાઇ ગઢવી સહિતના મ.ભો.યો.ના કર્મચારીઓએ હાજરી આપી રજૂઆત કરેલ છે.

(11:55 am IST)