Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ત્રણ સવારીવાળુ બાઇક કારની ઠોકરે ચડતાં બોરીયાનેસના વૃધ્ધનું મોત

૬૫ વર્ષના ધમાભાઇ દેવીપૂજક લગ્નમાં જવા નીકળ્યા'તાઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૦: વાંકાનેર બાઉન્ડ્રી નજીક મહિકા અને કોઠી ગામ વચ્ચે ત્રણ સવારીવાળા બાઇકને કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ચોટીલાના બોરીયાનેસના બે દેવીપૂજક યુવાન અને એક વૃધ્ધ ફંગોળાઇ ગયા હતાં. જેમાં ગંભીર ઇજા થતાં વૃધ્ધનું મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ બોરીયાનેસ રહેતાં અને છુટક મજૂરી કરતાં ધમાભાઇ મગનભાઇ કટેસણીયા (ઉ.૬૫) નામના દેવીપૂજક વૃધ્ધ ગઇકાલે મહિકા ગામે રહેતાં સગામાં લગ્ન પ્રસંગ હોઇ અજય દિનેશભાઇ દેવીપૂજક અને ગોપાલ માનસિંગ દેવીપૂજક સાથે બાઇકમાં બેસી ત્યાં જવા નીકળ્યા હતાં. ત્રણેય મહિકા-કોઠી વચ્ચેના રસ્તા પર પહોંચ્યા ત્યારે બાઇકને પાછળથી કારનો ચાલક ટક્કર મારી ભાગી જતાં ધમાભાઇને ગંભીર ઇજા થઇ હતી. તેમને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ મોડી રાત્રે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃતક પાંચ ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતરે જરૂરી કાર્યવાહી કરી ચોટીલા પોલીસને જાણ કરી હતી.

(11:54 am IST)