Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્લાસ્ટીક પર પ્રતિબંધ પ્લાસ્ટીકના ઉપયોગ પર દંડ વસુલ

ખંભાળિયા, તા.૧૦: આજે પ્લાસ્ટીકનો ઉપયોગ  પ્રમાણમાં થઇ રહયો છે. પાણીના પાઉચથી માંડી શાકભાજી, અનાજ કરીયાણા, ખાણીપીણીની વસ્તુઓ દરેક જગ્યાએ મોટાપાયે પ્લાસ્ટીકનો ઉપયોગ થાય છે. આ પ્લાસ્ટીક અનેક વર્ષો સુધી નાશ થઇ શકતું નથી તેમજ દરીયામાં પ્લાસ્ટીક જવાથી અનેક દરિયાઇ જીવો તેમજ પશુઓ મૃત્યુ પામે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાને પ્લાસ્ટીક મુકત જિલ્લો બનાવવા તેમજ પ્લાસ્ટીકનું પ્રદુષણ અટકાવવા કલેકટર કચેરી દેવભૂમિ દ્વારકા ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી વ્યાસના અધ્યક્ષ સ્થાને ચીફ ઓફીસરશ્રીઓ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી.

આર.એ.સી. શ્રી વ્યાસે પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા તેમજ પ્લાસ્ટીકથી થતા નુકશાન બાબતે લોકોમાં જાગૃતિ આવે તે માટે સ્થાનિક કેબલમાં જાહેરાતો અપાવવી તેમજ હોર્ડીંગ્સો લગાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત સખી મંડળની બહેનોને પ્રોત્સાહિત કરી પેપર બેગ બનાવવા માટેની તાલીમોનું આયોજન કરવા જણાવ્યું હતું. શ્રી વ્યાસે ૨૧ જુલાઇ પછી અલગ અલગ ટીમો બનાવી પ્લાસ્ટીક જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે તેમજ પ્લાસ્ટીકના ઉપયોગ બાબતે  રૂ.૨૦ હજારથી એક લાખ સુધીના દંડની જોગવાઇ પણ થશે. તેમ વધુમાં જણાવ્યું હતું. આ બેઠકમાં તમામ ચીફ ઓફીસરશ્રીઓ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

પ્રભારીમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં લોકોના પડતર પ્રશ્નોની સમીક્ષા

૪ જુલાઇના રોજ કેબીનેટની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી દ્વારા જિલ્લાની મુલાકાત લઇ લોકોના પડતર પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવનાર છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પ્રભારીમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને  તાલુકા કક્ષાએ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, નગરપાલિકાના અધિકારીશ્રીઓ તથા ક્ષેત્રીય કચેરીના સબંધિત અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં લોકોના પડતર પ્રશ્નો/ ફરીયાદોની સમીક્ષા કામગીરી તમામ તાલુકાઓમાં જુલાઇ માસમાં પૂર્ણ કરવામાં આવશે. નિવાસી અધિક કલેકટરશ્રી વ્યાસના અધ્યક્ષ સ્થાને જિલ્લાના તમામ વિભાગોના અધિકારીશ્રીઓ/ પ્રતિનિધિશ્રીઓ સાથે બેઠક મળી હતી.

(11:54 am IST)