Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

કચ્છમાં અંજારની શાળા નં.૩ માં ૨૦ મહિલા પેરાટીચર્સને નિયુકિત પત્રો અર્પણ

ભુજ, તા.૧૦: અંજારની શાળા નાં.૩ ખાતે વેલસ્પનના સહયોગે અંજાર નગર સેવાસદન સંચાલિત શાળાઓમાં ૨૦ મહિલા પેરાટીચર્સને નિયુકિતપત્રો મહાનુભાવો સાથે અર્પણ કરતા રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે શિક્ષક કભી સાધારણ નહીં હોતા એ ન્યાયે સંનિષ્ઠ ગુરૂજનોને શત શત પ્રણામ તેવો હદયોદગાર વ્યકત કર્યો હતો.

તેમણે મહિલા સશકિતકરણના પ્રખર પુરસ્કર્તા દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ''સન્નારી કદી નહીં બિચારી'' ના નારાને બુલંદ કરતાં નારી શકિતનું સમાજ, જીવનને જે અપૂર્વત્ત્।મ પ્રદાન છે તેના ઓશિંગણ થયા હતા.

તો નવનિયુકત મહિલા પેરાટીચર્સને વરિષ્ઠ ગુરૂજનો પાસેથી પ્રેરણા લેવા સ્વ સાથે સમાજને ઉન્નત કર્તવ્ય નિષ્ઠાનું પ્રદાન કરવા પ્રસંગોચિત શિખ પાઠવી હતી.

તેમના વકતવ્યના સમાપનમાં મંત્રીશ્રી આહિરે વેલસ્પન દ્વારા સામાજિક દાયિત્વની ખેવના, સંવેદનાને અનુકરણીય ગણાવતાં જિલ્લામાં અવ્વલ દરજ્જાનું લેખાવ્યું હતું.

તથા જળસંચય અભિયાન હોય કે જનસુખાકારીની વાત, વેલસ્પન દ્વારા સતતનો આર્થિક સહયોગ મળતો રહયો છે આગામી સમયમાં સવાયો મળતો રહેશે તેવી દિલી શ્રધ્ધયેતા વ્યકત કરી હતી.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત પ.પૂ.શ્રી ત્રિકમદાસજી મહારાજે આશિવર્ચન પાઠવતાં ઐતિહાસિક અંજારનું મુઠ્ઠી ઉચેરું પણું જાળવી રાખનાર સંનિષ્ઠ ધારાસભ્ય વ રાજયમંત્રીશ્રી આહિર તેમજ અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સુત્રધારો, અંજારવાસીઓના ઓવારણા લેતા આવા સુચારૂ આયોજનો પુનઃ પુનઃ થતા રહે તેવી દિલી શુભકામનાઓ વ્યકત કરી હતી.

આ પ્રસંગે ઓરી રૂબેલા રસીકરણ અંગે ડો.કન્નર, ડો.પાર્થ જાની દ્વારા ઉપસ્થિત, વાલીઓને મનનીય સમજ, માર્ગદર્શન પાઠવાયું હતું.

આ પ્રસંગે રાષ્ટ્રીય, રાજય એવોર્ડ વિજેતા સંનિષ્ઠ શિક્ષક, પ્રસિધ્ધ કચ્છી નવલકથા લેખક શ્રી માવજીભાઇ મહેશ્વરીનું મંત્રીશ્રી, મહાનુભાવો દ્વારા વિશિષ્ઠ સન્માન કરાયું હતું.

તથા વેલસ્પન જુથના શ્રી ગીરીશ માથુર અને જસ્મિન પટેલને ધન્યવાદ પત્ર નગરસેવા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અર્પણ કરાયો હતો.

આ પ્રસંગે ચલો સ્કુલ ચલે હમ, શાળા પ્રવેશોત્સવ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકગણનું મંત્રીશ્રી તથા મહાનુભાવોએ ખાસ સન્માન કર્યુ હતું.

આ પ્રસંગે બેટી બચાવો, બેટી પઢાવો નાટય કૃતિ રજુ કરનાર છાત્રો તથા સાંસ્કૃતિક આઈટેમો રજુ કરનાર છાત્રગણને મંત્રીશ્રી વાસણભાઇ આહિર દ્વારા રૂ.૨૧૦૦/- તેમજ શિક્ષણ પ્રેમી દાતાઓ દ્વારા રૂ.૩૦૦૦/- ના પુરસ્કારોની ધોષણા કરાઇ હતી. તથા દિવ્યાંગ છાત્રને ટ્રાયસિકલ અપાઇ હતી.

પ્રારંભમાં શાબ્દિક આવકાર નગર શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષશ્રી તેજસભાઇ મહેતાએ પાઠવ્યો હતો. તો મંત્રીશ્રી, મહાનુભાવોનું શાલ પુષ્પ, મોમેન્ટોએ સ્વાગત શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી કિશોરભાઇ ખટાઉ, અંજાર લોહાણા મહાજનના પ્રમુખશ્રી હસમુખભાઇ કોડરાણી, ઉપાધ્યક્ષશ્રી તેજસ મહેતા, પૂર્વ અધ્યક્ષશ્રી મહેન્દ્રભાઇ ચંદે, નગરસેવકશ્રી લીલાવંતીબેન પ્રજાપતિ, હંસાબેન કાઉંસીલર, જયશ્રીબેન ઠકકર, ગાયત્રીબા ઝાલા, કરીમાબેન રાયમા, શાળા પરિવાર, એસએમસી અધ્યક્ષાબેન ચૌહાણબેન, વાસંતીબેન સોરઠીયાએ કર્યુ હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન મ.શિક્ષિકા કૈલાશબેન કાંઠેચા તથા આભારવિધિ ઉપાધ્યક્ષશ્રી તેજસ મહેતાએ આટોપી હતી.

કાર્યક્રમના અંતે રાષ્ટ્ર ગાન તીરંગાને ભાવભેર સલામી અપાઇ હતી. ત્યારબાદ મંત્રીશ્રી, મહાનુભાવોએ વ્યસન મૂકિત પ્રદર્શનીનું નિરીક્ષણ, માં સરસ્વતીની સમૂહવંદના કરી હતી.

આ પ્રસંગે અંજાર તા.પં.ઉપાધ્યક્ષ જયોત્સનાબેન દાસ, નગરસેવકશ્રી સુરેશભાઇ ઓઝા, દિપક આહિર, અગ્રણીશ્રી મહેન્દ્રભાઇ કોટક, પૂર્વ આચાર્ય ઈન્દિરાબેન ચૌહાણ, અંજાર ભાજપા મહિલા મોર્ચાના હર્ષાબેન ત્રિવેદી, વરિષ્ઠજન લાલગર ગુંસાઇ, એસએમસીના રસિલાબેન ચૌહાણ, પ્રિતીબેન શિક્ષણવિદ, શાસનાધિકારીશ્રી હર્ષદ ગરવા, લોચાણીબેન, આચાર્યશ્રી રબારી, શ્રી પરગડુ, શ્રી શેખ, કાસમભાઇ કુંભાર, ખમુભાઇ દનીચા, તરૂણભાઇ શાહ, શ્રી ડુંગરીયા, દાતાશ્રી પંકજભાઇ કોઠારી, શ્રી દેવરીયાભાઇ, જીલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી અગારા, માહિતીના શ્રી દિલીપસિંહ રાઠોડ, અંજાર નગરજનો, શિક્ષણ પ્રેમીઓ ઉપસ્થિત રહયા હતા.

(11:53 am IST)