Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

એપ્રેન્ટિસની તલીમથી ઉમેદવારોને જોબ માકેટનું પ્રેકટીકલ જ્ઞાન મળશેઃ ડો. સૌરભ પારધીની અધ્યક્ષતામા જુનાગઢમાં ભરતીમેળો યોજાયો

જુનાગઢ, તા.૧૦:    જૂનાગઢ તા.૮ રાજય સરકારે  એક લાખ યુવાનોને  મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના અન્વયે રોજગારીની તક આપવા  કૌશલ્યવર્ધનનો ફલેગશીપ પ્રોગ્રામ જાહેર કર્યો છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં આજે  ઓઘોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ) અને જિલ્લા રોજગારી કચેરી  દ્વારા કૃષિ યુનિ.ના ઓડીટોરીયલ હોલમાં  ઉમેદવારોને એપ્રેન્સટિસ માટે પસંદ કરવા માટેનો  જિલ્લા કક્ષાનો ખાસ ભરતી મેળો યોજાયો હતો.જેમાં  ૫૦૬ યુવા ભાઇ બહેનોને જિલ્લાની વિવીધ સરકારી કચેરીઓ, બોર્ડ નિગમની કચેરીઓ તેમજ નગરપાલીકા અને ખાનગી કંપનીઓમાં  એપ્રેન્ટિસ તરીકે પસંદ કરી કરાર પત્ર આપવામાં આવ્યા  હતા.

જૂનાગઢ ખાતે યોજાયેલા એપ્રેન્ટિસ ભરતી મેળાના  કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી  કલેકટર ડો. સૌરભ પારધીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે દેશના અન્ય રાજયની સાપેક્ષમાં સ્કીલ ડેવલપમેન્ટના આ ફલેગશીપ પ્રોગ્રામમાં સૌથી વધું એક લાખ યુવાનોને રોજગારીની તક આપવા માટે તાલીમનું વિશેષ પ્લેટફોર્મ પુરૂ પાડવા  મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના જાહેર કરી છે. જૂનાગઢ જિલ્લામાં  લાયકાત ધરાવતા અને કામ કરવા ઇચ્છુક એવા  એક હજાર યુવા ભાઇ બહેનોને આ તાલીમ સ્ટાઇપન્ડ સાથે મળે તે માટે આઇ.ટી.આઇ અને રોજગાર વિભાગ તેમજ સમગ્ર જિલ્લાની ટીમના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે.

  જિલ્લામાં સંકલનથી થઇ રહેલી કામગીરી અને નોકરી દાતાના સહયોગથી પ્રથમ તબક્કામાં જ ૫૦૬ તાલીમાર્થીઓને પસંદ કરી નોકરી દાતા સાથે કરાર કરવામાં આવ્યા છે તે અંગે નોકરીદાતાને અભિનંદન આપી કારકિર્દીનો પ્રાંરંભ કરવા જઇ રહેલા ઉમેદવારોને શુભેચ્છા આપી જયાં પણ કામ કરો ત્યમાં ખંતપુર્વક કામ કરીવા અને જે કામ હાથમાં લો તે કામમાં શ્રેષ્ડ દેખાવ કરવા અને કામને નોકરીની દષ્ટીએ નહીં પણ કર્મની દષ્ટીએ લેવા શીખ આપી હતી.

 કલેકટરશ્રીએ કહયું કે ભારત સૌથી નાની વયના લોકોનો દેશ બનવા જઇ રહયો છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં દેશમાં  વિશેષ કોશલ્યપુર્ણ યુવાઓની જરૂરીયાત રહેશે. ભારતને જે ડેમોગ્રાફી ડીવીડન્ડ મળવાનું છે તેનો લાભ ઉઠાવવો હશે તો તાલીમપુર્ણ લોકો જ  દેશના વિકાસનું ચાલક બળ બનશે. જોબ માર્કેટમાં એપ્રન્ટિસ એ રોજગારી માટેનું પ્લેટફોર્મ છે. તાલીમના  અભ્યાસમાં લીધેલા શિક્ષણ અને વાસ્તવિક  પ્રેકટીકલ કામમાં એક ગેપ જોવા મળતો હોય છે. તે ગેપ દૂર કરવાનું કામ એપ્રેન્ટિસ કરે છે તેમ જણાવી  યુવાઓને આ યોજનામાં જોડાઇ રાજયના વિકાસપથમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. 

      આ પ્રસંગે  રોજગાર અને તાલીમ વિભાગ, ગાંધીનગરના અધિક નિયામક શ્રી ભાલોડીયાએ કહયું કે જુનાગઢ જિલ્લામાં એપ્રેન્ટિસની ભરતી અંગેની નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. પ૦ ટકા ઉપરાંતનો લક્ષ્યાંક પ્રથમ તબક્કામાં સિધ્ધ કરવામાં આવ્યો છે. આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાઇપન્ડ વધારીને રૂ.૨૫૦૦ કરવામાં આવેલ છે. આ ઉપરાંત રાજય સરકાર દ્વારા મીનીમન વેજીસના પ્રમાણમાં મહતમ ઇન્સેટીવ નોકરીદાતાને આપવામાં આવે છે. કુલ મળીને રૂ. ૫૮૦૦ સુધીનું સ્ટાઇપન્ડ મળવાપાત્ર છે.

  આઇ.ટી.આઇ, જૂનાગઢના પ્રિન્સિપાલ શ્રી ભટ્ટીએ કાર્યક્રમના પ્રારંભે  યોજનાની રૂપરેખા આપી આઇ.ટી.આઇ અને ગ્રેજયુએશન કરેલ ઉમેદવારો આ યોજનોનો લાભ લઇ શકે છે તેમ જણાવી  જિલ્લામાં નોકરીદાતા સાથે પરામર્શ કરીને કરવામાં આવી રહેલી કામગીરી અંગેની વિગતો  આપી હતી.

  કાર્યક્રમમાં યુવા ભાઇ બહેનોને કરારનું વિતરણ અને નોકરી દાતાને પણ પ્રમાણપત્ર કલેકટર સહિતના મહાનુભાવો દ્વારા આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન  શ્રી ગરચરે અને આભારવિધિ જિલ્લા રોજગાર અધિકારી શ્રી પ્રજાપતિએ કરી હતી.

(11:49 am IST)