Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ગોંડલના ભુણાવા ગામ પાસે ફેકટરીના પ્રદૂષિત પાણીના ખાડામાં ડૂબી જતા બે બાળકોના મોત

પી.એમ. કર્યા વગર બાળકોની બારોબાર અંતિમવિધિ કરી નંખાઇ ? બે દિ' પૂર્વની ઘટના અંગે તાલુકા પી.એસ.આઇ. મીઠાપરા કહે છે કે તપાસ ચાલુ છે... તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરાશે

ગોંડલ તા. ૧૦ : ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભુણાવા ગામના પાટિયા પાસે આવેલ ફેકટરીના પ્રદૂષિત પાણીના ખાડામાં ડૂબી જવાથી બે બાળકોના મોત નિપજયા હતા, બાળકોના મૃતદેહને લઈ ફેકટરી માલિક ગોંડલની ખાનગી હોસ્પિટલ પહોંચ્યો હતો બાદમાં સરકારી દવાખાનામાં પીએમ કરાવ્યા વગર જ બંને બાળકોના મૃતદેહને લઈ ભુણાવા ગામે પરત નીકળી ગયો હતો અને બંને બાળકોની અંતિમ વિધિ પણ કરી નાખી હતી. આ ઘટના અંગે પોલીસે છાનબિન્ન શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ બે દિવસ પહેલા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ભુણાવ ગામના પાટિયા પાસે આવેલ એક ફેકટરીના દૂષિત પાણીના ખાડામાં ડૂબી જવાથી બે બાળકોના મોત નિપજયા હતા ઘટનાને પગલે સફાળા જાગેલ ફેકટરી માલિક બાળકોના મૃતદેહને લઈ ગોંડલના ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતા જયાં ફરજ પરના તબીબે બાળકોને મૃત જાહેર કર્યા હોય અને પીએમ માટે સરકારી દવાખાને જવાની સલાહ આપી હતી પરંતુ ફેકટરી માલિક બાળકોના મૃતદેહને પીએમ કરાવવાને બદલે સીધા જ પોતાની ફેકટરીએ પહોંચ્યા હતા અને તાબડતોબ બાળકોના મૃતદેહને અંતિમ સંસ્કાર કરી નખાયા હતા.

ભુણાવા ગામે ચર્ચાતી વિગતો મુજબ બે બાળકોમાં એક દીકરો અને એક દીકરી હતા બંનેની ઉંમર આશરે ૮ થી ૧૦ વર્ષની હતી તેના માતા-પિતા નેપાળી હોય ફેકટરી માલિક દ્વારા ધમકાવી તગેડી મૂકયા હોવાની પણ ચર્ચા થઈ રહી છે. બાળકોના મોત ને લઇ લોકોના મુખે ચર્ચાઓ થઈ રહી છે કે વાસ્તવમાં જ બાળકોના ડુબી જવાથી મોત થયા છે કે કે દીકરી સાથે કોઈ અઘટિત ઘટના બની છે.

ખાનગી હોસ્પિટલ બાળકોને લવાયા ત્યારે પોલીસને આ અંગેની જાણ શા માટે થઈ નથી તે અંગે અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે.

નિર્દોષ બાળકોના જે પ્રદૂષિત ખાડામાં મોત થયા હતા તે રાતોરાત બુરાઈ જતા આ વિસ્તારમાંથી પસાર થતા લોકોને પણ નવીનતા લાગી રહી છે કે વાસ્તવમાં જ બાળકોના ડુબી જવાથી મોત થયા છે કે અન્ય કોઈ કારણ છે બાળકોને અગ્નિસંસ્કાર આપ્યા છે કે પછી આ પ્રદુષિત પાણીના ખાડામાં જ દફન કરી દેવામાં આવ્યા છે તે અંગે પણ લોકોમાં અનેક ચર્ચાઓ થઇ રહી છે.

દરમિયાન આ બનાવ અંગે ગોંડલ તાલુકાના પી.એસ.આઇ. મીઠાપરાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, આ ઘટના અંગે ગઇકાલે પોલીસને માહિતી મળી છે અને બે બાળકોના મોતના ઘટના અંગે તપાસ ચાલુ કરાઇ છે. આ બનાવમાં તપાસ બાદ કોઇ જવાબદાર હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

(11:47 am IST)