Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

રાહુલ ગાંધી સોમવારે મેથળા બંધારાની મુલાકાતેઃ જાહેર સભા

તળાજા પંથકમાં ખેડુતોના પરસેવા-દાતાઓના દાનથી બનેલા

તળાજા તા.૧૦: દરિયાના ખારાપાણીને રોકવા અને મિઠાપાણીનું સરોવર બને તે માટે તળાજા તાલુકાના મેથળા ખાતે સરકારની રાતી પાઇની પણ સહાય વગર દાતાઓના દાન અને ખેડુતોના પરસેવાથી નિર્માણ પામેલ બંધારાની મુલાકાતે આવતા સોમવારે રાહુલ ગાંધી આવી રહયા છે. બંધારા સ્થળની મુલાકાત સાથે નજીકના ઉંચા કોટડા ખાતે જાહેર સભાને સંબોધન કરશે. રાષ્ટ્રીય અધ્યક્ષના આગમન પહેલા પ્રદેશ અધ્યક્ષે સ્થળની મુલાકાત કરી હતી.

અઢી માસના ટુંકા ગાળામાં મેથળા ખાતે એક કિ.મી. લાંબો માટી,પથ્થર,સીમેન્ટ, લોખંડનો જાત મહેનતે બનાવેલ બંધારાની ગુજરાત સહિત દેશભરમાં ચર્ચા જાગી હતી.

આ બંધારાની મુલાકાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી તા. ૧૬, સોમવારે સવારે ૧૦ કલાકે આવી રહયા છે.

મેથળા બંધારા સમિતિના નાગજીભાઇ મેરના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીના આગમન પહેલા નિરીક્ષણ કરવા માટે બે અલગ-અલગ ટીમો આવી હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ અમીત ચાવડા પણ જોડાયેલા હતા.

કાર્યક્રમ અંગે જાણવા મળ્યું હતું કે મેથળા બંધારાની મુલાકાતની સાથે વરસાદી માહોલના કારણે ઉંચા કોટડા ખાતે રાહુલ ગાંધી જાહેર સભાને સંબોધન કરશે. રાહુલ ગાંધીની સભાના અને બંધારાની મુલાકાત વેળાએ જે કોઇ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહેશે તેઓના આઇકાર્ડ બનાવવાના કાલથી રાહુલગાંધીની નિરીક્ષણ ટીમ દ્વારા બનાવવાના શરૂ થઇ જશે.

સૂત્રોએ જણાવ્યું છે કે રાહુલ ગાંધીની સાથે રાજયના મોટાભાગના કોંગ્રેસના ધારાસભ્યો, જીલ્લા પંચાયતના પ્રમુખો, પ્રદેશ સંગઠનના આગેવાનો પણ અહીં ઉપસ્થિત રહેવાના છે.

ગતરાત્રે જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ, તળાજા, ગઢડાના ધારાસભ્યો, મહુવાના ઉદ્યોગપતિ રાજમહેતા એ બંધારા સમિતિ સાથે બેઠક યોજી હતી.એ ઉપરાંત છેલ્લા આઠમાસ ત્રેવીસ દિવસથી બાડી-પડવા ગામે ખેડુતો દ્વારા જમીન સંપાદન મામલે ચાલી રહેલા આંદોલન સ્થળે પણ રાહુલ ગાંધી આવી રહયા છે. જો કે આંદોલ સમિતિના નરેન્દ્રસિંહ ગોહિલે એ જણાવ્યું હતું કે અલગ-અલગ ત્રણ સ્થળો જોયા છે સભામાટે પરંતુ વરસાદી માહોલ, વાડી-ખેતર વિસ્તાર હોઇ હજુ રાહુલગાંધી આવશે જ તે સંપૂર્ણપણે ફાઇનલ નથી!

(11:42 am IST)