Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સોમનાથમાં એપ્રેન્ટીસ ભરતી મેળામાં ૨૬૨ ઉમેદવારોને કરારપત્રોનું વિતરણ કરાયું

ગીર સોમનાથ તા. ૧૦  : સોમનાથ સ્થિત સાગરદર્શન ખાતે પુર્વ મંત્રી જશાભાઈ બારડના અધ્યક્ષસ્થાને એપ્રેન્ટીસ કરાર વિતરણ તેમજ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો હતો. જિલ્લા વહિવટીતંત્ર અને જિલ્લા રોજગાર કચેરી દ્રારા આયોજીત એપ્રેન્ટીસ ભરતી મેળામાં રાજય બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા, રોજગાર અને તાલીમ ગાંધીનગરના અધિક નિયામકશ્રી કે.વી.ભાલોડીયા, નગરપાલીકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી અને કલેકટર અજયપ્રકાશના હસ્તે ૨૬૨ ઉમેદવારોને કરારપત્રો વિતરણ કરી ભરતી કરવામાં આવી હતી.

આ પ્રસંગે પુર્વમંત્રી જશાભાઈ બારડે કહ્યું કે, સરકાર બેરોજગારો યુવાનોને રોજગારી આપવા કટીબધ્ધ છે. સરકારશ્રી દ્વારા મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજના અમલમાં મુકી બેરોજગારોને રોજગારી પુરી પાડવામા આવી રહી છે. દેશમાં ૨ લાખ અને ગુજરાત રાજયમાં ૧ લાખ બેરોજગારોને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત રોજગારી આપવામાં આવશે.

રાજય બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાએ જણાવ્યું હતું કે, બેરોજગારોને રોજગારી આપવા સરકારે પુરતા નાણા ફાળવ્યા છે. આજે સરકાર બેરોજગારોને રોજગારી આપવા ભરતી મેળાનું આયોજન કરી રહી છે તે સરકારની રોજગારી આપવાની પ્રતિબધ્ધતા વ્યકત કરે છે. નગરપાલીકાના પ્રમુખ મંજુલાબેન સુયાણીએ કરારપત્રો મેળવનાર ઉમેદવારોને શુભેચ્છા પાઠવી કહ્યું કે, આજે યોજાયેલ એપ્રેન્ટીસ ભરતી મેળામાં નિમણૂંક પામેલ ઉમેદવારોના ઉજ્જવલ ભવિષ્યની શરૂઆત સોમનાથ દાદાના સાનિધ્યેથી થઈ છે.

પીજીવીસીએલ, આદિત્ય બિરલા હોસ્પિટલ, મહેતા હોસ્પિટલ, ગુજરાત મેરી ટાઈમ બોર્ડ, આર.ટી.ઓ. નગરપાલીકા, સિધ્ધી સિમેન્ટ, અંબુજા સિમેન્ટ સહિત જુદા-જુદા એકમોમાં ગીર સોમનાથ જિલ્લાના ૨૬૨ ઉમેદારોને કરારપત્રો એનાયત કરી ભરતી કરવામાં આવી હતી. આ નિમણૂંક પામેલ ઉમેદવારોને જુદા-જુદા એકમો દ્રાર રોજગારી આપવાની સાથે સરકારશ્રી દ્રારા પણ સ્નાતક ઉમેદવારોને રૂ.૩ હજાર, ડિપ્લોનાં ઉમેદવારોને રૂ.૨ હજાર અને ડિપ્લોના ઉમેદવારો કરતા ઓછી લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂ.૧૫૦૦ ની આર્થિક સહાય પણ કરવામાં આવશે.

ગીર સોમનાથ જિલ્લામાં ૧૦૦૦ એપ્રેન્ટીશોની ભરતી કરાવામાં આવનાર છે. બેરોજગાર યુવાનોએ ભરતી માટે આઇ.ટી.આઇ. અને રોજગાર કચેરીનાં સંપર્કમાં રહેવું. આ તકે જિલ્લા રોજગાર અધિકારીશ્રી ધોળકીયા, આઈ.ટી.આઈ. વેરાવળના આચાર્યશ્રી ગૌસ્વામી, ઐધોગીક ગૃહોમાં રેયોન, જીએચસીએલ, સિધ્ધી સિમેન્ટ, અંબુજા સિમેન્ટ સહિતના વિવિધ એકમો માંથી પ્રતિનીધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ નજીકની આઈ.ટી.આઈ.નો.સંપર્ક કરવો

ગીર સોમનાથ જિલ્લામા એપ્રેન્ટીસ તરીકે જોડાઈ રોજગારી મેળવવા ઈચ્છતા બેરોજગાર ઉમેદવારોએ જિલ્લામા કાર્યરત નજીકની આઈ.ટી.આઈ.નો સંપર્ક સાધવો. જિલ્લામાં ૧૦૦૦ હજારના લક્ષ્યાંક સિધ્ધ થયા બાદ પણ બેરોજગારોની ભરતી કરી રોજગારી આપવામાં આવશે. જિલ્લાના વધુ મા વધુ ઉમેદવારોએ એપ્રેન્ટીસ ભરતી મેળામાં ભાગ લેવા અનુરોધ કરાયો છે. તેમજ વધારે માહિતી માટે કોલ સેન્ટર નંબર-૧૮૦૦-૨૫૮-૫૫૮૮ પર સંપર્ક કરવા જણાવાયું છે.

એપ્રેન્ટીસ ભરતી મેળાથી સરળતાથી રોજગારી મળતી થઈ છે  : જયદિપ વાધેલા

સોમનાથ ખાતે યોજાયેલ એપ્રેન્ટીસ ભરતીમાં વાઘેલા જયદિપને કરારપત્ર એનાયત કરી જી.એમ.બી.માં ભરતી કરવામાં આવી હતી. જયદિપે કહ્યું કે, એપ્રેન્ટીસ ભરતી મેળાથી મને સરળતાથી રોજગારી મળતી થઈ છે. જી.એમ.બી.માં મારી ભરતી કરવામાં આવી છે. જેથી હવે બેરોજગાર માંથી મુકત થઈ રોજગારી મેળતી થશે. આ સરકારના એપ્રેન્ટીસ ભરતી મેળાના માધ્યમથી બેરોજગાર યુવાનોને રોજગારી મળતી થઈ છે.

(9:16 am IST)