Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

મોરબીના ત્રણ વર્ષના નિત્ય પટેલને સાથે જ રહેતી ફૈબાની પુત્રીએ ગળે ટુપો આપી પતાવી દીધો'તો

ફૈબાની પુત્રી કે જે સગીર વયની છે તે શાક સુધારતી'તી ત્યારે તોફાન કરતા નિત્યથી છરી વાગી જતા ઉશ્કેરાઇ જઇ ગળે ટુંપો દઇ માસુમ નિત્યને મોતને ઘાટ ઉતારી દીધોઃ પટેલ પરિવાર હતપ્રભઃ સગીરા પોલીસના સકંજામાં

 મોરબી, તા., ૧૦: મોરબીની ઋષભનગર સોસાયટીમાં રહેતા પટેલ પરિવારના ત્રણ વર્ષના પુત્રનું શંકાસ્પદ હાલતમાં મોત નિપજયાની ઘટનામાં તેની હત્યા થયાનું પીએમ રીપોર્ટમાં જાહેર થતા પોલીસ ચોંકી ઉઠી હતી. આ માસુમને પતાવી દેનાર તેના ફૈબાની સગીર વયની પુત્રીને પોલીસે સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઋષભનગર વિસ્તારમાં રહેતા રાજેશભાઇના ત્રણ વર્ષના દિકરા નિત્યનું ગઇકાલે  શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું. મૃતક બાળકના મ્હોંમાં ફીણ અને ગળામાં ઇજાના નિશાન જણાતા તેની હત્યા થયાની શંકાએ  લાશને   ફોરેન્સીક પીએમ માટે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાઇ હતી. ફોરેન્સીક પીએમ રીપોર્ટમાં પોલીસની શંકા સાચી ઠરી હતી અને આ બાળકને ગળે ટુંપો દઇ હત્યા કરાયાનું ખુલ્યું હતું.

હત્યાનો ભોગ બનનાર મૃતક બાળક નિત્યના પિતા રાજેશભાઇ  મોરબીમાં સીરામીકની પેઢી ધરાવે છે બે સંતાનમાં મૃતક નિત્ય નાનો છે અને મોટી પુત્રી છે. રાજેશભાઇ તેના બહેનની પુત્રીને અભ્યાસ માટે તેના ઘરે લાવ્યા હતા અને તે આ પરિવારની સાથે જ રહેતી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ   માસુમ નિત્ય (ઉ.વ.૩) ને મોતને ઘાટ ઉતારનાર તેના ફૈબાની દિકરી કે જે સગીર વયની છે તે ગઇકાલે ઘરે શાક સુધારતી હતી ત્યારે મૃતક નિત્ય ઘરમાં તોફાન કરતો હતો અને તેનાથી સગીરાને છરી વાગી જતા ઉશ્કેરાઇ ગઇ હતી અને માસુમ નિત્યને ગળે ટુંપો દઇ મોતને ઘાટ ઉતારી દીધો હતો.

અભ્યાસ માટે ઘરમાં  જેને રાખતા હતા  તે ફૈબાની દિકરીએ જ પોતાના પુત્રની હત્યા કરી નાખતા રાજેશભાઇ પટેલનો પરીવાર હતપ્રભ બની ગયો છે. મોરબી પોલીસે સગીરાને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે અને આ બનાવ અંગે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.

(4:11 pm IST)