Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

સાપુતારામાં પૂ. રમેશભાઈ ઓઝાની ભાગવત્ કથાનો પ્રારંભ

સાન્દીપનિ વિદ્યા સંકુલ વનબંધુ છાત્રાલયનું ઉદ્ઘાટનઃ વૃંદાવનના પૂ. ગુરૂ શરણાનંદજી મહારાજ, પૂ. સ્વામી ચિદાનંદસરસ્વતીજી, પૂ. મુકતાનંદબાપુ સહિતના સંતોની ઉપસ્થિતિ

જૂનાગઢ, તા. ૧૦ :. પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કૃપાપૂર્ણ સાનિધ્યમાં ગુજરાત રાજ્યના રમણીય પર્વતાચલ સાપુતારાની લીલીછમ ધરાની ગોદમાં પલ્લવિત થઈ રહ્યુ છે. શ્રી સાંદીપનિ વિદ્યા સંકુલ વર્ષ ૨૦૧૧-૧૨થી શરૂ થયેલો આ વનવાસી વિદ્યાર્થીઓનો જ્ઞાનયજ્ઞ આજે અત્યાધુનિક સુવિધાઓથી સંપન્ન થયો છે. શાળા ભવનના છાત્રાપર્ણ થયા બાદ વનકુમારો માટે ભવ્ય છાત્રાલય નિર્મિત થયુ છે. તેના શુભોદ્ઘાટનની પળે પૂ. ભાઈશ્રીના શ્રીમુખે શ્રીમદ્દ ભાગવત્નો પ્રારંભ થયો છે. સાન્દીપનિ વિદ્યા સંકુલ પોલીસ સ્ટેશન રોડ સાપુતારા ખાતે પ.પૂ. કાષ્ણિ શ્રી ગુરૂ શરણાનંદજી મહારાજ વૃંદાવનના હસ્તે દિપ પ્રાગટય સાથે આજે બપોરે ૩ કલાકે કથાનો શુભારંભ થયો હતો અને તા. ૧૧ થી ૧૭ સુધી દરરોજ સવારે ૯.૩૦ થી ૧ વાગ્યા સુધી પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે.

આ પ્રસંગે સંત સમાગમના કાર્યક્રમમાં પૂ. સ્વામી ચિદાનંદસરસ્વતી, પૂ. બ્રહ્મસ્વરૂપ બ્રહ્મચારીજી, પૂ. મુકતાનંદજીબાપુ સહિતના અન્ય સંતો ઉપસ્થિત રહેશે. સાપુતારા વન્ય સંરક્ષણાર્થે વિદ્યા વિકાસ સપ્તાહનું આયોજન કરાયુ છે. તા. ૧૭ના રોજ કથાની પૂર્ણાહુતિ થશે. આ અવસરે ભાગવતજીનો પ્રસાદ લેવા સૌને જાહેર નિમંત્રણ આપવામાં આવેલ છે.

(12:19 pm IST)