Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

શ્વાસની તકલીફ સાથે જન્મેલું બાળક નવ દિવસે સ્વસ્થ થયું

રામ રાખે તેને કોણ ચાખે કહેવત સાર્થક થઈ : કોરોના પોઝિટિવ માતાએ સિઝેરિયનથી જન્મેલ બાળકને તકલિફ થતાં ડોક્ટર્સે ભારે જહેમતથી સારવાર કરી

જુનાગઢ, તા. ૧૦ : આપણે ત્યાં કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે, આવું જ કંઈક જૂનાગઢ સિવિલમાં જોવા મળ્યું જ્યારે ગત ૨૦ એપ્રિલના રોજ હોસ્પિટમલાં પ્રસુતિ માટે એક કોરોના પોઝિટિવ સગર્ભાને એડમીટ કરવામાં આવી હતી. જોકે ૧ મે ના રોજ સગર્ભા માતાના પેટમાં રહેલા બાળકે મુવમેન્ટ કરવાનુ બંધ કરતા ડોક્ટર્સે તાત્કાલિક ગાયનેક વિભાગમાં સિઝેરિયન દ્વારા બાળકને જન્મ આપાવ્યો હતો.

જોકે કુદરત જાણે માતાના પ્રેમની પરીક્ષા લઈ રહી હોય તેમ બાળકના જન્મ પછી નવી સમસ્યાઓ શરૂ થઇ હતી. શ્વાસોશ્વાસમાં તકલીફ પડતા ૯ દિવસની સારવાર બાદ બાળક સ્વસ્થ થયુ છે. આ સાથે કુદરત જાણે માતાના પ્રેમ સામે નતમસ્તક થઈ ગઈ હોય તેમ કોરોનાગ્રસ્ત માતાના નવજાત બાળકને જીવનદાન મળ્યું છે.

બાળકોના વિભાગના ડોક્ટરોની ટીમને બાળક સોપવામાં આવ્યુ હતું. બાળકને તુરંત સીપીઆર આપવા સાથે નીયો નેટલ કેર યુનીટમાં બાળકની વેન્ટીલેટર સાથે સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. સિવિલના નિષ્ણાંત તબીબો ડો.કેયુર કણસાગરા, ડો.કલ્પેશ બાખલકીયા, ડો.ધવલ દેલવાડીયા, ડો.માલદેવ ઓડેદરા, ડો.અંકુર પટેલ, ડો.પારુલ વાઘેલાની ટીમે રાત દિવસ મહેનત કરેલ ત્યારે ચાર દિવસ પછી નવજાત બાળકની હાલતમાં સુધારો આવ્યો હતો. બાળકની શ્વાસોશ્વાસની પ્રક્રિયા અને અન્ય પેરામીટર નોર્મલ થાય હતા. ત્યારબાદ પાંચ દિવસ બાળકની પોસ્ટ વેન્ટીલેટર કેર લય ઇન્ટક સર્વાઇવલ સાથે બાળક સ્વસ્થ થયું છે.

બાળકની માતા અસ્મિતાબેન કોરોના પોઝીટીવ હતા. જે સિવિલની સારવારથી સાજા થવા સાથે હસતું બાળક પણ તેમનો ખોળો ખુંદતુ હતુ. બાળકની ડોક્ટરો બાદની સારસંભાળ ઈન્ચાર્જ સિસ્ટર જાગૃતિબેન સાથે સિસ્ટર કોમલબેન, મહેશ્વરીબેન, અરૂણાબેનનુ પણ એટલું જ યોગદાન રહ્યું હતું. સીસ્ટરની હુફાળી સારવાર બાળક અને માતા બન્ને માટે જીવનદાતા બને છે. સગર્ભા માતાના જન્મેલ ન્યુ બોર્નબેબી હજુ સુધી કોરોના પોઝિટિવ આવ્યા નથી.

કોરોનાના કપરા સમયમાં જૂનાગઢ સિવિલના તબીબોની ટીમની ઉમદા કામગીરીને બિરદાવતા બાળકના પિતા બીપીનભાઈ માઢકે જણાવેલ કે, સિવિલના ડોક્ટરો મારા બાળકને બચાવવા રાત દિવસ મહેનત કરી છે તેનો હુ સાક્ષી છુ. ખાનગી દવાખાને મારે ચારથી પાંચ લાખનો ખર્ચ થાત અહિ મને તમામ સારવાર ફ્રીમાં મળી છે. સિવિલમાં વેન્ટીલેટર નીયોનેટલ કેર યુનીટ સહિતની સારવાર લોકો માટે આશીર્વાદ રૂપ છે. સિવીલના બાળરોગ નિષ્ણાત ડો.કેયુર કણસાગરાએ જણાવેલ કે, હાઇરિસ્ક પેશન્ટ અને એ પાછુ બાળક હોય ત્યારે એને બચાવવું મુશ્કેલ હોય છે. પરંતુ આજ અમારા માટે પડકાર હોય છે. સીવીયર એસફેઝીયા નિદાન થાય અને અમારી ટીમ આવા બાળકને બચાવીને બાળકને માતાને સોંપે અને માતા આનંદિત થાય એ જ અમારો સંતોષ છે.

(9:34 pm IST)