Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કેશોદ તાલુકાનું એક પણ એવું ગામ નથી કે જયાં છેલ્લા ૩ માસમાં પ/૧પ મૃત્યુ ના હોય

કોરોના પ્રશ્ને ચિતાજનક સ્થિતિ ભયનો માહોલ

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ, તા. ૧૦ :  કેશોદ તેમજ ગ્રામ્ય વિસ્તારની કોરોના પ્રશ્ને ચિંતાજનક સ્થિતિ પ્રવૃતિ રહી છે. સ્થાનિક કેશોદ તેમજ તાલુકાના પ૩ મળી કુલ પ૪ ગામમાંથી લગભગ એક પણ એવું ગામ નથી કે જયા છેલ્લા ૩ માસ દરમિયાન પ/૧પ મૃત્યુ કોરોનાના કારણે થયા ન હોય. સરકારી આંકડા ગમે તે કહે પરંતુ આ એક નક્કર વાસ્તવિકતા છે. તેના સીધા પરિણામ રૂપે અત્યારે આ વિસ્તાર કોરોના શબ્દથી ફફડી રહ્યો છે. કયારે કોનો વારો ચડી જશે તે કોઇ કહી શકે તેમ નથી.

અત્યાર સુધી કોરોનાની આ બીજી લહેરમાં સ્થાનિક કેશોદ આવતુ હતુ પરંતુ છેલ્લા લગભગ બે માસથી આ લહેરે ગ્રામ્ય વિસ્તારમાં પણ ભયજનક સ્થિતિ ઉભી કરી દીધી છે. ગ્રામ્ય વિસ્તારમાં (૧) ગરીબાઇ (ર) લોક જાગૃતિનો અભાવ (૩) આરોગ્ય સુવિધાનો અભાવ (૪) જરૂરી સગવડતાએનો અભાવ જેવી સ્થિતિના કારણે લોકો કોરોના પ્રત્યે બેદરકાર હોવાનું જણાતુ હતુ પરંતુ આ બેદરકારી કે મુશ્કેલી અત્યારે સામાન્ય જનતાને ભારે પડી રહી છે. કેશોદમાં અત્યારે દરરોજ પ/૧પ મૃત્યુ થાય છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં દર મહિને પ/૧પ મૃત્યુ થાય છે. કે જયાં સામાન્ય સ્થિતિ દરમિયાન દર વરસે પ/૧પ મૃત્યુ થતા હતા. આ મૃત્યુ એ અત્યારે સામાન્ય જનતામાં ભયનું વાતાવરણ ઉભુ કરી દીધુ છે. સરકારી રજીસ્ટર ઉપર આવી કોઇ નોંધ નથી પરંતુ કોઇપણ ગામમાં જઇ તપાસ કરે તો આ નક્કર હકિકત નામ-સરનામા સહિત સામે  આવીને ઉભી રહે છે.

કોરોનાની આ વાસ્તવિક સ્થિતિએ સામાન્ય જનતામાં ભયનો માહોલ ઉભો કરી દીધી છે. આ ભયના માહોલના ભાગ રૂપે અત્યારે કોઇ કહ્યા સિવાય સ્થાનિક કેશોદના તમામ બજારો બપોરના એક  અને મોડામાં મોડા બે વાગે  બંધ થઇ જાય છે. ગ્રામ્ય વિસ્તારમા઼થી દરરોજ સંખ્યાબંધ લોકો ખરીદી કરવા માટે કેશોદમાં આવે છે. આ બધા લોકો સવારમાં આવી પોતાના કામ પતાવી બપોરના એક વાગે પરત જતા રહે  છે. બપોરના ૧ અને મોડામાં મોડુ બે વાગ્યા પછી કેશોદના તમામ રસ્તાઓ કફર્યુ દિવસો જેવા દેખાયું છે.

આવી સ્થિતિ ગ્રામ્ય વિસ્તારમાં પણ દેખાય છે. ગામડાઓમાં સવારે ૧ કલાક અને સાંજે ૧ કલાક દુકાનો ખુલ્લી રહી છે. બાકી આખો દિવસ દુકાનો અને માણસોની અવર જવર બંધ રહે છે. તમામ ગામોની જનતાએ સ્વયંભુ લોકડાઉન સ્વીકાર લીધુ છે અને તેની સંપૂર્ણ અમલવારી પણ કરે છે. આ સમય દરમિયાન કોઇપણ ગામડામાં જાય તો ભેકાર વાતાવરણ જોવા મળે છે.

લોકોની અવરજવરમાં અભાવે સ્થાનિક તેમજ અન્ય વિભાગમાં રસ્તાઓ પણ સુમસાન ભાસે છે. જયાં આખો દિવસ ભારે ટ્રાફિક દેખાવો ત્યાં કોઇ જ ભારે ટ્રાફિક  દેખાતો નથી એસ.ટી. ની ચિક્કાર આવતી જતી બસો પણ અત્યારે નહિવત મુસાફરો સાથે દોડે છે. ટુંકમાં કહીએ તો કોરોનાના કારણે અત્યારે બધુ અસ્ત-વ્યસ્ત અને ભયનો માહોલ ઉભો થઇ ગયો છે.

(1:19 pm IST)