Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

જામનગરમાં ૨૨ રેમડેસીવીર ઇન્જેકશન પ્રકરણમાં ડો.કે.ડી.કારીયા સામે ફરિયાદ બાદ તપાસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૦:  જામનગર-દ્વારકા હાઇવે પર આવેલ સ્વામીનારાયણ કોવીડ હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેકશનના પ્રકરણને લઈને આખરે પોલીસે જાતે ફરિયાદી બની ૨૨ જેટલા રેમડેસીવીર ઇન્જેકશનનો સ્ટોક રજીસ્ટરમાં ઉલ્લેખ નહી મળતા ગેરરીતિ સામે આવી હતી. એસ.ડી.એમ. દ્વારા સ્વામિનારાયણ હોસ્પિટલમાં ચેકિંગ કર્યા બાદ ૨૨ રેમડેસીવીર ઇન્જેકશન નો જથ્થો રેકોર્ડ વગર મળી આવ્યો હતો જેને લઇને જોર શોરથી આ મુદ્દે ચર્ચાઓ થઈ રહી હતી. ત્રણ દિવસ બાદ આ મામલે આખરે પોલીસે જ ખુદ ફરિયાદી બની સ્વામીનારાયણ હોસ્પિટલમાં ડો કે.ડી.કારિયા અને તપાસમાં જે ખુલે તે તેની સામે વિધિવત ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.

સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલ માં એસડીએમ સાથે ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈ ત્રણ દિવસ પહેલા ચેકિંગ માટે પહોંચ્યા હતા ત્યારબાદ ડીવાયએસપી દેસાઈની આગેવાનીમાં જ જામનગરના પંચકોશી બી ડીવીજન પોલીસ મથકમાં પોલીસે ખુદ ફરિયાદ બની આ પ્રકરણમાં ફોજદારી ગુન્હો દાખલ કર્યો છે.

આ પ્રકરણમાં સ્વામીનારાયણ હોસ્પીટલના ડો.કે.ડી. કારિયાએ ચેકિંગ દરમિયાન આપેલ માહિતી રજીસ્ટર ના ઇન્ડેન્ટમાં દર્દીઓની ખોટી માહિતી ભરી ઇન્જેકશન મેળવી લીધા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પંચકોશી બી ડીવીજન પોલીસે ડો. કારીયા અને તપાસમાં જે ખુલે તે આરોપી સામે આવશ્યક ચીજ વસ્તુ ધારા અને આઈપીસી કલમ ૧૭૭, ધી ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ સહિતની કોરોના જાહેરનામા સબંધિત કલમો મુજબ ગુન્હો નોંધ્યો છે. આ પ્રકરણની તપાસ પંચકોશી બી ડીવીજન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ કાટેલિયા ચલાવી રહ્યા છે.

(1:13 pm IST)