Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

જસદણના હેત ઇમેજિંગ સીટી સ્કેન સેન્ટરના ડો. પુષ્કર ડાભી સામે છેતરપિંડીની ફરિયાદ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૧૦ : જસદણ પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા તપાસ બાદ જસદણનાં હેત ઇમેજિંગ સીટીસ્કેન સેન્ટરના ડોકટર સામે જસદણના નાયબ મામલતદારે છેતરપિંડી સહિતની પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

જસદણ મામલતદાર ઓફિસમાં પુરવઠા વિભાગના નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અને જોરાવરનગર લાતી બજાર ખાતે રહેતા અને હાલમાં જસદણના સરકારી કવાર્ટરમાં રહેતા નાયબ મામલતદાર શુભમભાઈ પ્રકાશભાઈ ચાવડાએ જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે જસદણ પ્રાંત અધિકારી પ્રિયંકકુમાર ગલચર, જસદણ સર્કલ ઓફિસર વાય.બી. મૂળિયા, કલાર્ક બી.જે. ડાભી સહિતનો સ્ટાફ જસદણ શહેરના આટકોટ રોડ ઉપર પંચમુખી હનુમાનજી સામે આવેલા હેત ઇમેજિંગ સીટીસ્કેન સેન્ટર ખાતે તપાસ હાથ ધરી હતી. જસદણ પ્રાંત અધિકારી સહિતનાને વિવિધ દર્દીઓ તરફથી ફરિયાદ મળી હતી. જસદણના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા કેશુભાઈ પોપટભાઈ ઝાપડીયાએ તેમના ભાઈ કિશોરભાઈ પોપટભાઇ ઝાપડીયાની તબિયત સારી રહેતી નહી હોય સીટી સ્કેન કરવા માટે હેત ઇમેજીંગ સેન્ટર ખાતે સીટી સ્કેન કરાવવા ગયા હતા અને સીટી સ્કેન કરાવવાના પચીસો રૂપિયા રોકડા આપેલા હતા. બિલ અને પહોચ માગતાં ફરજ પરના સ્ટાફે બિલ કે પહોચ આપવાની ના પાડી હતી અને જણાવ્યું હતું કે બિલ કે પહોચ માંગશો તો સીટી સ્કેન કરી આપવામાં આવશે નહીં.

તેમજ સીટી સ્કેનના ઊંચા ભાવ આપવામાં આવે તો વહેલો વરો આવી જાય. આ ઉપરાંત ઢોકળવાના રામભાઇ નારણભાઈ ગઢવીએ પણ રોકડા રૂપિયા પચિસો આપેલા હતા પરંતુ તેની પણ બિલ કે પહોચ આપવાને બદલે પહોંચ કે બીલ માંગશો તો સીટી સ્કેન કરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત મયુરભાઈ દિનેશભાઈ ગઢવીને પણ આ પ્રમાણે જ રોકડ રકમ લઈને પહોચ આપવામાં આવી ન હતી. જસદણના નાયબ મામલતદાર એસ. પી. ચાવડાની હેત ઇમેજિંગ સેન્ટરના ડો. પુષ્કર ડાભી સામે દર્દીઓનાં સીટી સ્કેનની રકમ લઇ પહોચ કે બિલ નહી આપી છેતરપિંડી કરવા ઉપરાંત કોરોનાના જાહેરનામા ભંગ સહિતની વિવિધ કલમોને આધારે જસદણ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ પીએસઆઇ જે. એચ. સિસોદિયા ચલાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જસદણ વિંછીયા શહેર અને તાલુકામાં આ એક માત્ર સીટી સ્કેન સેન્ટર હોઇ છેલ્લા એક મહિનાથી કોરોનાનેં લીધે હેત ઈમેજીંગ સેન્ટર ખાતે સવારે સીટી સ્કેન કરાવવા માટે દર્દીના સગા સબંધી આગલા દિવસે મોડી રાતથી જ લાઈનમાં ઉભા રહી જતા હતા. વહેલી સવારે છ વાગ્યે મેળા જેવી ભીડ એકત્ર થઇ જતી હતી.

(11:46 am IST)